સફળતા હાંસિલ કરવા માટે અનેક પરિબળો કામ કરે છે. તેમાનું એક સૌથી મહત્વનું પરિબળ છે – તમારી આસપાસનું વાતાવરણ. કઈ રીતે આ વાતાવરણ તમને સફળ બનાવી શકે છે તેની વાત આજના સિક્રેટમાં કરવી છે. અહી ધનવાન અને ગરીબ લોકોની વાત કરીએ ત્યારે ખાલી તેની આર્થિક પરિસ્થિતિની વાત નથી કરવામાં આવતી. અહી ધનવાન અને ગરીબ – માનસિકતા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે.
તમે ક્યારેય એવું જોયું છે કે ધનવાન લોકો ગરીબ લોકોને પોતાની તરફ આકર્ષે? અથવા તો તેઓ પોતે ગરીબની જેમ જીવવાનું પસંદ કરે? – ના, તે લોકોને પહેલેથી જ એવી માનસિકતા, વિચારો અને વાતાવરણ આપવામાં આવે છે જેથી તેઓ સતત આગળ વધતા રહે. જયારે ગરીબ લોકો પાસે યોગ્ય વાતાવરણ, સાધનો, લોકો અને સમજની ખામી હોય છે.
તમે ઘણા એવા લોકોને પણ જોયા હશે કે જેને નાનપણથી જ ક્યાં પહોંચવું તે ખબર હોય છે. પછી તેની આસપાસનું વાતાવરણ યોગ્ય ન હોય તો તેઓ જાતે પોતાને જોઈતું વાતાવરણ ઉભું કરે છે. તમને પ્રશ્ન થઇ શકે કે સફળતા માટેનું ચોક્કસ ઉત્તમ આસપાસનું વાતાવરણ કેવું હોવું જોઈએ? આ વાતાવરણમાં પણ ક્યાં ક્યાં પરિબળો જોડાયેલા છે?
તમારી આસપાસના લોકો, તેની માનસિકતા, તેના વિચારો, તમારા પોતાના વિચારો, તમારા મિત્રો, તમે જે સ્થળે કામ કરો છો ત્યાંના લોકો અને ત્યાંનું કલ્ચર, તમારી દિનચર્યા, તમારું શહેર – આવા અનેક પરિબળો કામ કરે છે. માની લો કે તમારું સપનું એક મહાન અભિનેતા બનવાનું છે. તેના માટે તમે તમારા જ શહેરમાં રહેશો, તે ક્ષેત્રના લોકોને નહી મળો, તે ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ભાગ નહી લો, તે ક્ષેત્રના સફળ લોકો વિશે વાંચશો નહી, જાણશો નહી અને કઈ શીખશો નહી – તો સફળતા મળશે? ના, નહી મળે.
“તમારે જે જોઈતું હોય તે હાંસિલ કરવા માટે તમારી આસપાસ તેવા વાતાવરણનું સર્જન કરવું પડે.”
તમારા મનને પણ તૈયાર કરવું પડશે. નવું વાતાવરણ, નવા લોકો, નવી પ્રવૃત્તિઓ અને નવું નવું શીખવાનું – આ બધું તમને અમુક લેવલે અનકમ્ફર્ટેબલ અનુભવ કરાવશે. આવા સમયે તમારા મનને પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રાખવું પડશે. જેથી કરીને તમે નાસીપાસ ન થઇ જાવ, ડીપ્રેશનમાં ન આવી જાવ.
ઘણા એવરેજ લોકો સાથે એવું થતું હોય છે કે તેઓ નવા વાતાવરણમાં પહોંચી તો જાય છે પણ તેઓ ડરી જાય છે, તેઓને પોતાની જાત પરથી જ આત્મવિશ્વાસ ઉઠી જાય છે. તેઓને એવું લાગવા માંડે છે કે તેઓ સફળતા હાંસિલ કરી શકે તેમ નથી. તેથી તેઓ હારી જાય છે. અને પીછે હઠ કરીને પોતાના વર્ષો જૂના વાતાવરણમાં આવી જાય છે.
જયારે ચેમ્પિયનની માનસિકતા થોડી અલગ હોય છે. તેઓ તો પડકારોને હસતા હસતા આવકારે છે. તેઓ દરેક પરિસ્થિતિમાંથી કંઇકને કંઇક શીખવા તૈયાર રહે છે. તેને ખબર છે કે જો તેને આગળ વધવું હશે તો અનકમ્ફર્ટેબલ ઝોનમાં આવવું જ પડશે. તો જ વિકાસ શક્ય છે.
તમે જે કામ અનેક વર્ષોથી, એક સરખા લોકો સાથે અને એક જ શહેરમાં કરતા આવ્યા છો તે જ જીવનભર કરતા રહેશો તો તમને પરિણામ પણ વર્ષોથી જે મળતું આવ્યું છે તે જ મળશે. જો તમારે કંઇક નવું અને વધારે હાંસિલ કરવું હોય તો સામાન્ય કરતા કંઇક નવું કરવા પણ તૈયાર રહેવું પડશે.
નવા લોકો, નવી પ્રવૃત્તિઓ કરવાથી ડરો નહી. બહુ બહુ તો શું થશે? – તમને કંઇક નહી આવડે અથવા તો તમે કોઈ લોકો સાથે ભળી નહી શકો તો તમને તમારી જાત વિશેના સત્યો સમજાશે. હવે તમારે આગળ વધવા શું બદલાવો લાવવાની જરૂર છે તે પણ સમજાઈ જશે. પણ જો તમે નવી તકોને આવકારશો જ નહી તો સફળતા હાંસિલ કરવાના સપના પણ ભૂલી જવા જોઈએ.
ફૂડ ફોર થોટ
જો તમે તમારી આસપાસ સફળતાનું વાતાવરણ ઉભું કરવા માંગતા હો તો સૌથી પહેલા તમારા સર્કલમાંથી નકારાત્મક લોકોને દૂર કરી દો. એવા લોકો કે જેને જીવનમાં આગળ વધવામાં રસ નથી, એવા લોકો કે જે બીજાને અને પોતાની જાતને હતાશા જ આપી શકે છે તેઓને તમારા જીવનમાંથી દૂર કરી દો. ત્યારબાદ તમારા અર્ધજાગૃત મન પર કામ કરવાનું શરુ કરી દો. તમારે કેવા લોકોને મળવું છે, કેવી પ્રવૃત્તિઓ કરવી છે – આ બધું જ આકર્ષવાનું શરુ કરી દો. તેના માટે મહેનત પણ કરો. યાદ રાખો, તમારી દુનિયાનું સર્જન તમે જ કરી શકો. તમે સિંહ છો તો સિંહ જેવા લોકો સાથે રહો. ઘેટા સાથે રહીને તમે પોતે ઘેટા બની જશો. યોગ્ય લોકોનું મહત્વ સમજો. સારા લોકોને તમારી આસપાસ રાખો કારણ કે જેવો સંગ તેવો રંગ આ વાત ઘણા અંશે સાચી જ છે.