સતત શીખો - સતત આગળ વધો!
તમારા મતે શીખવું એટલે શું?
મોર્ડન સંસ્કૃતિમાં શીખવું એટલે માહિતી, થીયરી અને ડેટા યાદ રાખવા. આપણે શાળામાં પણ માહિતી ગોખતાં જ શીખીએ છીએ. એવરેજ લોકો માટે શીખવું એટલે રાત્રીના કોફીનો કપ લઈને જાગવું અને પુસ્તકો ગોખવા. ઉત્તમ પરફોર્મર્સ આ જૂની રીતને નકારે છે. તેઓએ શીખવા માટેની પોતાની જ અલગ ટેકનીક શોધી કાઢી છે. જીમ રોહન નામના વક્તા કહે છે કે - "શાળાકીય શિક્ષણ દ્વારા તમે જીવન ગુજારી શકશો. પરંતુ પોતાની જાતે શીખેલું શિક્ષણ તમને નસીબદાર અને ધનવાન બનાવી શકે છે."
ખરો ખર્ચ ક્યાં કરવો જોઈએ?
તેથી જ ચેમ્પિયન્સ મોટાભાગનો ખર્ચ પુસ્તકો, ટેપ્સ, સીડીનો ઉપયોગ સ્વવિકાસ માટે કરે છે. તેઓ તેના ધંધામાં નફો કેમ વધારી શકાય, ઉત્તમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય અને માર્કેટિંગ અંગેના ફંડા પણ શીખતા જ રહે છે. તેઓ ખૂબ જ વાંચન કરીને અનેક વિષયોમાં નિષ્ણાંત બની જાય છે. એવરેજ લોકો આખા વર્ષ દરમિયાન ૬૦૦ રૂપિયા પણ માંડ ખર્ચ કરે છે. જયારે અમેરિકા જેવા રાષ્ટ્રમાં ૧% ધનવાન લોકો વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ૬૦,૦૦૦નો ખર્ચ સ્વવિકાસ પાછળ કરે છે.
સ્વ વિકાસ શા માટે જરૂરી?
તેઓ અનેક પ્રકારના સેમિનાર્સ, વર્કશોપ અને કાર્યક્રમોમાં ભાગ લેતા રહે છે. એવરેજ લોકો માટે આ કાર્યક્રમો નાણાનો અને સમયનો બગાડ માત્ર છે. તેઓ પોતાનો મોટાભાગનો ખર્ચ લોટરી ટીકીટ, ટીવી, સિગરેટ, આલ્કોહોલ અને અન્ય મનોરંજનના માધ્યમ પાછળ ખર્ચે છે. મહાન લોકો પોતાની જાતને મુર્ખ સમજે છે. તેઓ સતત શીખતા રહે છે. જયારે એવરેજ લોકોને એવું અભિમાન હોય છે કે તેઓએ બધું જ શીખી લીધું છે. વર્લ્ડ ક્લાસ લોકો જાણે છે કે તેઓ જેટલું વધુ શીખશે તેટલું વધુ તેને જ્ઞાન મળશે અને તેઓ વધુ સફળ બની શકશે. તેઓ સતત કંઇક નવું નવું શીખવાની શોધમાં હોય છે. જેમ પ્રેમનો કોઈ અંત નથી. તેમ શીખવાનો કોઈ જ અંત નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કંઇક ને કંઇક શીખતા જ રહેવું જોઈએ.
ફૂડ ફોર થોટ
તમારા સ્વવિકાસ માટે એક આયોજન નક્કી કરો. નવું નવું વાંચો, સાંભળો, સેમિનાર્સ અને વર્કશોપમાં પણ જાઓ. દર મહીને અમુક ચોક્કસ પુસ્તકો વાંચશો જ અને અમુક સીડી સાંભળશો જ તેવું પોતાની જાતને વચન આપો. આવી જીવનશૈલી તમને તમારા કારકિર્દી પ્રત્યે વધુ સજાગ બનાવશે.