શું તમે સત્ય અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જાણો છો?

truth by darshali soni.jpg

ચાલો આજે એક સાવ સરળ પ્રવૃત્તિ કરીએ - તમારા અરીસા પાસે જાવ. બસ તમારી જાતને ખાલી જૂઓ. શું તમને અરીસામાં જે વ્યક્તિ દેખાઈ રહ્યું છે તે જ વ્યક્તિ તમે છો? શું એ અરીસાનું પ્રતિબિંબ જ તમારું સત્ય છે? શાંતિથી વિચારો. તમે માત્ર બાહ્ય સત્યને જોઈ રહ્યા છો. તમારી અંદરની વાસ્તવિકતા દેખાડે તેવા તો અરીસા ક્યાં માર્કેટમાં મળે જ છે? ખરું ને? તમે થોડીવાર તમારી જાતને અરીસામાં જોશો એટલે અનેક પ્રકારની તમારી વાસ્તવિકતાઓ રાડો નાખી નાખીને બોલવા લાગશે. એ અવાજ માત્ર તમને જ સંભળાશે.

બની શકે આ વાસ્તવિકતાઓ સારી પણ હોય અને ખરાબ પણ હોય. હવે માની લો કે તમે એવરેજ માનસિકતા ધરાવતા વ્યક્તિ છો તો તમે આ વાસ્તવિકતાઓથી ભાગવાનો પ્રયત્ન કરશો અને જો તમે વર્લ્ડક્લાસ ચેમ્પિયન હશો તો તેનો હિંમતથી સામનો પણ કરશો. તમે કોણ છો તે તમારે નક્કી કરવાનું છે.

બસ તો આજે આપણે એવા બે શબ્દોની વાત કરવી છે જેની વચ્ચે આમ તો બહુ જ પાતળી ભેદરેખા છે પણ જો તે તફાવત સમજાઈ જાય તો મગજની દરેક ગેમમાં જીતી શકાય. કઈ અઘરી અઘરી વાતો કરવાને બદલે તમને સાવ સરળ ભાષામાં સત્ય અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત કહી દઉં -

વાસ્તવિકતામાં બે જ વાત શક્ય છે - બ્લેક ઓર વાઈટ. તેમાં અન્ય કોઈ રંગોને કે ભ્રમને જગ્યા જ નથી. જયારે સત્યમાં ગ્રે પણ હોઈ શકે અને પચરંગી રંગો પણ હોઈ શકે. સીધો અર્થ છે - સત્ય આપણું મન, વિચારો અને માન્યતાઓ બનાવે છે જયારે વાસ્તવિકતા - પરિણામો  બનાવે છે.

આઇન્સ્ટાઇન તો એવું કહેતા કે સત્ય એ માનવીએ ઘડેલો ભ્રમ માત્ર છે. વળી તે ભ્રમ પણ એટલો ખતરનાક હોય કે વાસ્તવિકતા જેવો જ લાગે. તમને પેલું ઇન્સેપ્શન મુવી તો યાદ જ હશે. ચાલો હજુ થોડું સ્પષ્ટ જણાવું -

એક બિલિયોનર કંપનીનો સીઈઓ અચાનક જ ચિંતામાં પડી જાય છે. તેની કંપનીના મોટાભાગના ડીરેક્ટર એકસાથે કંપનીમાં રાજીમાનું આપી દે છે. કંપનીના શેરના ભાવ ઘટી જાય છે. કર્મચારીઓ પણ અસુરક્ષીત અનુભવવા લાગે છે. કંપની નુકસાનીમાં હોય છે. આમ છતાં કંપનીના સ્થાપકના મનમાં એવું સત્ય સ્થપાઈ ગયું હોય છે કે તે ગમે તેમ કરીને આ ફડચામાંથી બહાર આવી જશે. તેના માટે તેનો વિચાર જ સત્ય બની જાય છે અને તે વિચાર જ વાસ્તવિકતા બની જાય છે.

જયારે વાસ્તવિકતા તો કંઇક અલગ જ હોય છે. કંપનીની વાસ્તવિક હાલત એટલી ખરાબ હોય છે કે અંતે કંપનીને નાદારી નોધાવાનો વારો આવે છે. હવે બિલિયોનર કંપનીના સીઈઓને આ આવનાર પરિસ્થિતિ ધ્યાનમાં નથી આવી એવું તો તમે ના કહી શકો. હા પણ તેણે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરવાનો જરૂરથી પ્રયત્ન કર્યો હશે અથવા તો તેના માટે તેનું સત્ય જ એટલું મોટું થઇ ગયું કે વાસ્તવિકતા દેખાઈ જ નહી.

આ ઉદાહરણ પરથી સમજવાનું એ છે કે જો તમે જીવનમાં કે પછી ધંધામાં સત્ય અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજતા ચૂકી જશો તો તમે ચેમ્પિયન નહી બની શકો. તેથી જ તો જયારે કોઈ નિર્ણય લેવાની વાત આવે ત્યારે લાગણીઓ અને સત્યને ધ્યાનમાં રાખવાને બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં લો. કારણ કે વાસ્તવિક તમને ક્યારેય ખોટા માર્ગે નહી દોરે.

હવે હું તમને સત્ય અને વાસ્તવિકતાનું બીજું પાસું સમજાવું તે પહેલાં એક પ્રવૃત્તિ કરીએ - તમારી જાતને એક પ્રશ્ન પૂછો - "હું કોણ છું?" - જવાબ ઘણા બધા આવશે - માનવી, દીકરો, પતિ, પિતા, ધંધાર્થી, હોશિયાર, મિત્ર, ભાઈ - આવા તો ઘણા બધા જવાબો મળશે. પણ શું તે બધા જવાબો જ તમારું સત્ય છે? કે પછી વાસ્તવિકમાં તમે આ બધા રોલ કરતા પણ કંઇક અલગ છો. શાંતિથી વિચારી જૂઓ.

ચાલો તમને હવે બીજું પાસું જણાવું - જાગૃત મન અને અર્ધજાગ્રુત મન. અર્ધજાગૃત મનમાં તર્કને સ્થાન નથી હોતું. તે તો તમે જે કહેશો તે સ્વીકારી લેશે. ટૂંકમાં તમે અર્ધજાગૃત મન થકી ધારો તેવા સત્યોનું સર્જન કરી શકશો. પણ જયારે જાગૃત મન તો બધું જ માપે અને તોલે છે. તેને તો ખબર જ છે કે નગ્ન વાસ્તવિકતા શું છે અને પોતે માની લીધેલી વાસ્તવિકતા શું છે. ચેમ્પિયન તરીકે તમારે આ તફાવતને જ સમજતા શીખવાનો છે.

માની લઈએ કે તમને આ એકપણ ફિલોસોફી પલ્લે નથી પડતી અને પાડવી પણ નથી. તો ભગવદ્ ગીતામાં કહેલી એક મસ્ત વાત કહું -

"જે વાસ્તવિકતા નથી તે ક્યારેય વાસ્તિવકતા નહી બની શકે, અને જે વાસ્તવિકતા છે તે હંમેશા વાસ્તવિકતા જ રહેશે."

ટૂંકમાં પેલા બર્ડમેન મુવીનો ડાયલોગ છે ને - "ઈટ ઈઝ વોટ ઈટ ઈઝ."

ફૂડ ફોર થોટ

આજે એવી દસ બાબતોનું લીસ્ટ બનાવો જે તમારા માટે માની લીધેલી વાસ્તવિકતા હોય. હા, સત્યનું લીસ્ટ. આ લીસ્ટ પરથી તમને એ ખબર પડશે કે એવી તો તમારા મનમાં અનેક માન્યતાઓ હશે જેને તમે વાસ્તવિકતા માનો છો પણ તે તો માત્ર સત્ય જ છે. અને યાદ છે ને કે સત્યને તો બદલાવી શકાય અને વાળી પણ શકાય. હવે આ લીસ્ટ પરથી તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં સત્યને દૂર કરવું છે અને કેટલી વાસ્તવિકતાઓનો સામનો કરવો છે.