શું તમે માફી માંગી શકો છો?

forgive.jpg

તમે છેલ્લીવાર ક્યારે લોકોને માફ કર્યા હતા? કે પછી તમે કોઈને માફ કરી શકતા નથી? તમારી માફી માટેની માનસિકતા કેવી છે? તેની જ વાત આજના સિક્રેટમાં કરવી છે. સૌથી પહેલા તો એ જાણી લઈએ કે ચેમ્પિયન અને એવેરેજ લોકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે? કઈ વિચારસરણીને લીધે તેઓ અલગ તરી આવે છે?

ચેમ્પિયન્સ સજાગ મનથી લોકોને માફ કરતા શીખે છે. જયારે એવરેજ લોકો બદલાની ભાવના રાખે છે અને પોતાના દુશ્મનોને ભૂલતા નથી. તેમજ ભૂતકાળમાં જ ખોવાયેલ રહે છે. ચેમ્પિયન્સ બધું જ ભૂલીને આગળ વધવામાં માને છે. એવેરેજ લોકો અહંકારથી જીવન જીવે છે. જયારે ચેમ્પિયન્સ સ્વાભિમાનથી જીવન જીવે છે. લોકો અને ચેમ્પિયન્સ વચ્ચેનો મોટો તફાવત એ છે કે ચેમ્પિયન્સ માફ કરવાની માનસિકતાને એક આદત બનાવી દે છે. મોટાભાગના લોકો નાની વાતને પણ મનમાં લઈને અન્ય લોકોને માફ કરી શકતા નથી. અને જીવનભર માટે તે વાત કે ઘટનાને મનમાં વાગોળવાનું ચાલુ રાખે છે. સામેવાળાને માફ કરવાની વાત તો દૂર રહી તેઓ તે ઘટનાને પણ વર્ષો સુધી ભૂલી શકતા નથી.

જો કે દરેક મુશ્કેલીઓના કોઈને કોઈ રસ્તાઓ તો હોય જ છે. તે જ રીતે જો તમે લોકોને સરળતાથી માફ ન કરી શકતા હો તો તેના પણ રસ્તાઓ છે. ચાલો તે પણ જાણી લઈએ.

જો તમારું માઈન્ડસેટ પ્રેમથી ભરપુર હશે તો જ તમે મેન્ટલ ટફનેશ અને મનની શક્તિને ઊંડાણપૂર્વક સમજી શકશો. ચેમ્પિયન્સ તેના કામને પ્રેમ કરે છે, તેની આસપાસના દરેક લોકોને પ્રેમ કરે છે અને પોતાની જાતને પણ તેટલો જ પ્રેમ કરે છે. તમારી અંદર પ્રેમનું તત્વ છે કે નહિ તે જાણવા માટે તમે કઈ રાશીના છો અને તમારી જન્મકુંડલી શું કહે છે તે જાણવાની જરૂર નથી. એ બધા તો માનવીએ ઉભા કરેલા ગતકડા જ છે. દરેક વ્યક્તિમાં દયા, પ્રેમ અને પરોપકારનું તત્વ રહેલું જ હોય છે.

દરેક માનવીના એક્શન અને રિએકશન પાછળ બે જ લાગણીઓ જવાબદાર છે: ડર અને પ્રેમ. જો માનવી તર્કબદ્ધ જ હોત તો ડર અને પ્રેમને જીવનમાં સ્થાન જ ન મળ્યું હોત. માનવી તો લાગણીશીલ પ્રાણી છે. તેઓ ગમે ત્યારે ગમે તેવા નિર્ણયો લઇ લે છે. માનવીને સમજવા અને ઓળખવા અઘરા છે. તેઓ લાગણીશીલ છે તેથી જ તેનામાં માફ કરી દેવાની પણ ક્ષમતા હોય છે.

જે માનવી પોતાની લાગણીઓને અને સજાગ મનની શક્તિઓને સમજી શકતો નથી તે માનવી લોકો સાથે અહંકારભર્યો વ્યવહાર કરે છે. તેઓ વિચાર્યા વગરના નિર્ણયો લે છે. આમ પણ તમે એવી તો અપેક્ષા ન જ રાખી શકો કે માનવી દરેક વખતે તર્કબદ્ધ વર્તન જ કરે. તો તો દરેક માનવી રોબોટ બની જાય – એક લાગણી વિનાનો રોબોટ. તેથી માફ કરવા માટે સૌથી પહેલા તમારી લાગણીઓને સમજવી જરૂરી છે. તમે જેટલું વધારે તમારી લાગણીઓ પર ખાસ કરીને દયાની ભાવના પર કામ કરશો તેટલું જલ્દી લોકોને માફ કરતા શીખી જશો.

તેથી જ મહાન લોકોના જાગૃત અને અર્ધજાગૃત મનના મૂળમાં પ્રેમ જ હોય છે. તેઓ માનવીના વર્તનને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે છે. તેઓ લોકોને જલ્દીથી માફ કરી દે છે. તેઓ લોકો પ્રત્યે નફરતની ભાવના રાખતા નથી. તેઓ માનવીના મન અને મગજને સમજીને જ નિર્ણયો લે છે. માફી આપવાની આદત તમને તમારા કામના સ્થળે, તમારા સંબંધોમાં અને તમારા જીવનમાં પણ મદદરૂપ થશે. તેથી બીજાના નહી પણ તમારા પોતાના જીવનને સરળ બનાવવા માટે થઈને લોકોને માફ કરતા શીખો. કારણ કે આ બધી નકારાત્મક લાગણીઓને તમારા મનમાં રાખીને કોઈ જ ફાયદો થવાનો નથી. તમારું મન ખોટી જગ્યાએ સમય બગાડશે તેટલી નુકસાની જરૂરથી થશે.

ફૂડ ફોર થોટ

એવા લોકોનું લીસ્ટ બનાવો જેને તમે હજુ સુધી માફ ન કરી શક્યા હો. તે લોકોને માફ કરી દો. તમારી જાતને ઘૃણા અને નફરતની ભાવનામાંથી મુક્ત કરી દો. તમે તે લોકોને મનથી માફ કરી દો. તે લોકોને જાણ કરવાની જરૂર નથી. તમે જયારે મનથી જ એ લોકોને માફ કરી દો છો ત્યારે તમે સ્વીકારો છો કે દરેક વ્યક્તિ અંતમાં તો એક લાગણીશીલ માનવી જ છે. તેમજ કોઈ વ્યક્તિનો ક્યારેય બીજા વ્યક્તિને દુઃખ આપવાનો આશય હોતો નથી.