શું તમે નિષ્ઠાવાન છો?

goal.jpg

સફળતા અને નિષ્ઠા

આમ તો આપણી રોજબરોજની વાતોમાં નિષ્ઠાને લગતી વાતો નથી થતી. બધાને એવું જ લાગતું હોય છે કે તેઓ પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. પણ શું ખરેખર એવું હોય છે? આજના સિક્રેટમાં એ જ સમજીએ કે સફળ લોકો નિષ્ઠાને કેટલું મહત્વ આપે છે અને એવરેજ લોકો ક્યાં પાછા પડી જાય છે. 

નિષ્ઠા અંગેની વિચારસરણી

એવેરેજ લોકો ડરમાં જીવતા હોય છે. જયારે ચેમ્પિયન્સને તેની નિષ્ઠા અને પ્રમાણિકતા પર પૂરો વિશ્વાસ હોય છે. ઘણીવાર લોકો હરીફાઈમાં જલ્દી આગળ થઇ જવાની હોડમાં નિષ્ઠાની ચુકી જતા હોય છે. ચેમ્પિયન્સના સ્વભાવના મૂળમાં નિષ્ઠા, પ્રેમ અને પ્રમાણિકતા હોય છે. ચેમ્પિયન્સની પ્રતિષ્ઠા પણ તેના નિષ્ઠાવાન સ્વભાવના કારણે જ વધુ હોય છે. 

તેઓ કોઈપણ ધંધામાં કામ કરવાનું નક્કી કરે તે પહેલા તેના મુલ્યોને વધુ મહત્વ આપે છે. જો કોઈ ધંધો એવો હોય જેમાં ઝડપથી નાણા તો મળે છે પરંતુ તે છેતરપીંડી છે તો ચેમ્પિયન્સ આવા ધંધાથી દૂર ભાગે છે. હાલના સમયમાં તો લોકોને ઓછી મહેનતે વધુ નાણા કમાવવા મળતા હોય તો નિષ્ઠા નામના ગુણ વિશે વિચારતા પણ નથી. સમાજ ધીમે ધીમે સ્વાર્થી બનતો જોય છે. ખેર! તેની વાત પછી ક્યારેક. 

કામના સ્થળે નિષ્ઠાવાન બનો!

મહાન લોકોના કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ જાણે જ છે કે જયારે નિર્ણય લેવાનો સમય આવે ત્યારે ચેમ્પિયન્સ નિષ્ઠાપૂર્વક પ્રમાણિક નિર્ણય જ લેશે. નિષ્ઠા ચેમ્પિયન્સના લોહીમાં હોય છે. તેઓ સફળતા મેળળવા માટે કોઈ ખોટું કામ કરતા નથી.  જયારે તમને કોઈ ચેમ્પિયન એમ કહે તે કંઇક કામ કરશે જ તો તેના પર પૂરો વિશ્વાસ રાખજો. કારણ કે તેઓ વચનબદ્ધ હોય છે. વર્લ્ડ ક્લાસ લોકોના નિયમો અને વર્તન અલગ હોય છે.

 જો તમને બીઝનેસ સ્કુલમાં એક શીખવાડવામાં આવ્યું હોય કે - હાથ મિલાવવો જ સાચી ધંધાકીય ડીલની નિશાની છે. તો બની શકે તમારો આ વિચાર અમુક ચેમ્પિયન્સમાં ખોટો પૂરવાર થાય. ઘણા ચેમ્પિયન્સ તેના શબ્દો થકી કામની ખાતરી આપતા હોય છે. કોઈપણ ચેમ્પિયનને ઓળખવાની નિશાની છે - તેની નિષ્ઠા. 

દરેક વ્યક્તિની કોઈને કોઈ નબળાઈ હોવાની. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. પણ હા, નિષ્ઠા એક એવો ગુણ છે જે વ્યક્તિને સફળતા તરફ આગળ લઇ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે સફળતા એટલે માત્ર નાણા અને નામના નહીં – તમારું વ્યક્તિત્વ કેવું છે, તમે લોકો સાથે કેવી રીતે કામ કરો છો, તમે નિષ્ઠાવાન છો કે નહીં – એવા તો અનેક પરિબળો કામ કરતા હોય છે.

ફૂડ ફોર થોટ

આજથી જ નિષ્ઠાવાન બનવાનું શરુ કરી દો. આ વાત કહેવામાં સહેલી લાગશે. પણ તેના માટે તમારે તમારી જાત પર, તમારા વિચારો અને વર્તન પર કાબૂ કરતા શીખવો પડશે. તમારે તમારી લાગણીઓને અને લાલચને પણ કાબૂ કરવું પડશે. 

તમારી જાતને અને અન્ય લોકોને તમે જેટલા વચનો આપો છો તે વચનો પૂરા પણ કરો. મહાન લોકો જે માનસિકતાથી જીવતા હોય તે માનસિકતાથી જીવવાનું શરુ કરી દો. જો તમને એકવાર નિષ્ઠાવાન બનવાની આદત પડી જશે તો જરૂરથી તમે સફળ બની શકશો. કારણ કે સારી આદત તમારો ઉદ્ધાર જ કરશે.