શું કહે છે તમારી અંતરઆત્મા?
આજે શરૂઆત જ એક મહત્વના પ્રશ્નથી કરવી છે. તમે કોને સાંભળો છો? – તમારી આસપાસના લોકોને? તમારા અંગત સ્વજનોને? તમારા ધંધાના ભાગીદારને? તમારા માર્કેટને? તમારા પાડોશીઓને? તમારા મિત્રોને? તમારા ભગવાનને? કે પછી તમારી જાતને? કે પછી તમારી અંતરઆત્માને?
આ પ્રશ્નના જવાબ પરથી તમને એક વાત ખબર પડશે – તમે એવરેજ માનસિકતા ધરાવો છો કે પછી ચેમ્પિયનની માનસિકતા ધરાવો છો. એવરેજ લોકો હંમેશા – “લોગ ક્યાં કહેગે” માનસિકતામાં જીવતા હોય છે. તેથી જ તેઓ પાછળ રહી જતા હોય છે. જયારે ચેમ્પિયનની માનસિકતા અલગ હોય છે. તેઓ પોતાની અંતરઆત્માને સાંભળે છે. તેનું મન શું કહે છે તેના પર તે ધ્યાન આપે છે. તે બીજા લોકોના વિચારોથી પ્રભાવિત પણ નથી થતા કે પછી હતાશ પણ નથી થતા. તેના માટે પોતાના મનના વિચારો અને વિચારોની સ્પષ્ટતા સૌથી વધુ મહત્વની હોય છે. જો તમે પણ આવા વ્યક્તિ બનવા માંગતા હો તો શું કરશો? એક સરળ શબ્દ સમજાવું –
“મેન્ટલ બેગેજ”
ભૂતકાળના કડવા અનુભવો, ન ગમતી લાગણીઓનો સંગ્રહ, બીજા લોકો શું કહેશે તેનો ડર, નિર્ણય શક્તિનો અભાવ, સ્વ શિસ્તનો અભાવ – આ બધાને મેન્ટલ બેગેજ કહેવાય છે. જેને તમે કારણ વગરનું માથે લઈને ફરતા હો છો. એકવાર તમારા મગજમાંથી આ બેગેજ હટાવી લો. પછી જુઓ – કેટલો હળવાશનો અનુભવ કરશો. આવું કરવા માટે તમારે કોઈ રોકેટ સાયન્સ ટેકનીક નથી વાપરવાની. તમારા મગજ પરનો કાબુ, વિચારો અને લાગણીઓ પરનો કાબુ. આ જ તમને મેન્ટલ બેગેજ દૂર કરવામાં મદદ કરશે.
તમારા મગજમાં હંમેશા જેટલી સ્પષ્ટતા વધુ હશે તેટલી ઓછી મૂંઝવણ અનુભવશો. એક વાત યાદ રાખજો – મૂંઝવણ તમને વધુ ગૂંચવી નાખશે. તેના કરતા સ્પષ્ટતા અને એક્શનને વધુ મહત્વ આપો.
“ફોર વે ટેસ્ટ” ટેકનીક
રોટરી ઈન્ટરનેશનલ કંપનીએ ચેમ્પિયન બનવા માટે અને ઓર્ગેનાઈઝેશનને ઉત્તમ રીતે ચલાવવા માટે એક ટુલ કે ટેકનીકની રચના કરી છે. આ ટેકનીક મુજબ જયારે પણ તમે જીવનમાં કે ધંધામાં કોઈ મોટો નિર્ણય લેતા હો ત્યારે તમારી જાતને નીચેના ચાર પ્રશ્નો પૂછો:
૧ શું બાબત, વિચાર કે રસ્તો સત્ય છે?
૨ શું તમે જે-તે વિચાર માટે બધી જ રીતે વિશ્લેષણ કરી લીધું છે? તમારા નિર્ણય માટે તમે તટસ્થ છો?
૩ શું આ નિર્ણય થકી તમારી પ્રતિષ્ઠાને કોઈ અસર થશે? શું આ નિર્ણય થકી તમારા સંબંધો પર કોઈ અસર જોવા મળશે?
૪ શું આ નિર્ણય તમને લાંબાગાળે ફાયદાકારક સાબિત થશે?
આ ચાર પ્રશ્નોના જવાબ મળી ગયા બાદ તમે વધુ સ્પષ્ટ થઇ જશો. તેમજ તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે.
સેલ્ફ ઈમેજ
એક સરસ સુવાક્ય છે –
“તમે આખી દુનિયાને મૂર્ખ બનાવી શકશો. પણ તમે ક્યારેય તમારી જાતને મૂર્ખ નહી બનાવી શકો.”
જો તમારે તમારી જાતને મૂર્ખ ન બનાવવી હોય તો તમારા અંતરઆત્માને સાંભળવાનું શરુ કરી દો. આખી દુનિયા પાસેથી સલાહ ભલે લો. પણ અંતે તમને જે યોગ્ય અને પ્રેક્ટીકલ લાગતું હોય તે જ કરો. જેથી કરીને તમને અફસોસ ન થાય. તમે જીવનમાં જે કંઈપણ નિર્ણયો લો છો કે પછી કોઈ એક્શન લો છો તેની અસર તમારી સેલ્ફ ઈમેજ પર જોવા મળશે. તમારા માટે પ્રતિષ્ઠા એક સ્વાભિમાન જેટલી જ મહત્વની હોવી જોઈએ.
ચેમ્પિયન આ વાત સારી રીતે જાણે છે. તેથી જ તે દરેક નિર્ણયો અને એક્શન સમજી વિચારીને જ લે છે. તે ઉત્તમ નિર્ણય લેવા માટે પોતાની અંતરઆત્માને સાંભળે છે.
ફૂડ ફોર થોટ
આજે તમારી જાતને એક મહત્વનો પ્રશ્ન પૂછો. તેનો જવાબ પણ પ્રમાણિકતાથી જ આપજો.
“હું મારા જીવનના નિર્ણયો મારી અંતરઆત્માને સાંભળીને લઉં છું કે પછી તર્કને ધ્યાનમાં રાખીને લઉં છું? કે પછી બીજા લોકોના અભિપ્રાયોને આધારે નિર્ણયો લઉં છું?”
જે જવાબ મળશે તેના પરથી તમને ખબર પડી જશે કે હવે તમારે કઈ દિશામાં પગલા લેવાની જરૂર છે. આ સમય તમારી જાતનું વિશ્લેષણ કરીને સુધરવાનો સારો સમય છે.
આભાર
દર્શાલી સોની