હાલના ડીજીટલ યુગમાં જશ મેળવવાની, પ્રખ્યાતી મેળવવાની, વધુ લાઈક્સ અને કમેન્ટ મેળવવાની તાલાવેલી વધવા લાગી છે. આવી માનસિકતા પહેલા પણ હતી જ – બસ આ ડિજીટલ યુગે તેને વધુ પડતી હવા આપી દીધી છે. આજના સિક્રેટમાં એવરેજ લોકો શા માટે જશ અને સ્વીકારણાની પાછળ ભાગે છે અને કઈ રીતે સફળ – ચેમ્પિયન તેનાથી અલગ તરી આવે છે તેની વાત કરીશું.
સૌથી પહેલા તો એ માનસિકતા કાઢવી રહી કે તમને તમારા દરેક કામનું જશ મળે, પ્રોત્સાહન મળે, સફળતા મળે, વખાણ મળે તો, વાહવાહ મળે તો જ તમે સફળ કહેવાઓ. આવું નથી – આ એક સમાજે – આપણે બધાએ જ ભેગા થઈને ઉભી કરેલી માનસિકતા છે – જે આપણને જ પાછળ પાડે છે, બીજા વ્યક્તિથી વધુ આગળ નીકળી જવાની હરીફાઈમાં નાખે છે. જેની ખરેખર કોઈ જરૂરિયાત જ નથી.
ક્યારેક મહાન લોકોનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે તેનું કામ ઉત્તમ સર્જન કરવાનું હતું – તેના માટે જશ લેવા દોડવાનું, વાહવાહ મળે તેવી અપેક્ષાઓમાં જીવવાનું નહોતું. જો કે આજના ડિજીટલ વાતાવરણમાં આ વાત ગળે ઉતારવી અઘરી લાગી શકે. પણ અમુક દૃષ્ટિકોણ બદલવાથી ફાયદો થશે. તો ચાલો જાણીએ એવરેજ અને સફળ લોકો વચ્ચેનો તફાવત:
એવરેજ લોકો ક્યાં થાપ ખાઈ જાય છે?
એવરેજ લોકો માટે માહિતી એ સફળતાની ચાવી છે. તેઓને હંમેશા પોતાની સફળતા અને પોતાનો પાવર ગુમાવી દેવાનો ડર હોય છે. એવરેજ લોકો અભિમાનથી જીવતા હોય છે. તેને એવો ભય હોય છે કે જો તેની પાસે રહેલી માહિતી અને જ્ઞાનની બધાને ખબર પડી જશે તો તેનું કોઈ મૂલ્ય નહિ રહે. ઘણા ઓર્ગેનાઈઝેશનમાં કોઈ સફળતાનો જશ લઇ લેવાની હરીફાઈ થતી હોય છે. એવરેજ લોકોના મનમાં એવો ડર ઘર કરી ગયો હોય છે કે - કોઈ તેને નોકરીમાંથી કાઢી નાખશે તો? એવેરેજ લોકો તેનું જ્ઞાન શેર કરતા ડરે છે.
સફળ વ્યક્તિ કઈ રીતે અલગ તરી આવે છે?
ચેમ્પિયન્સ બધા કરતા અલગ હોય છે. ચેમ્પિયન્સ જાણે છે કે માહિતી મેળવવી તો બહુ સહેલી છે. માહિતી થકી જ સફળતા મેળવી શકાય તે એક ભ્રમ છે. આ દૃષ્ટિકોણ સફળ લોકોને એવરેજ લોકોથી અલગ તારવી દે છે.
એવરેજ લોકો માને છે કે - "જ્ઞાન જ સાચી તાકાત છે." જયારે મહાન લોકો માને છે કે - "જ્ઞાનનો અમલ જ સાચી તાકાત છે."
ચેમ્પિયન્સ પોતાનું જ્ઞાન બધા સાથે વહેંચવામાં માને છે. તેઓ તેના ઓર્ગેનાઈઝેશનમાં તેના કર્મચારીઓ સાથે સતત માહિતી શેર કરતા રહે છે. ચેમ્પિયન્સ કોઈ જશની હરીફાઈનો ભાગ જ હોતા નથી. ચેમ્પિયન્સમાં ડરનું નામોનિશાન નથી હોતું. તેઓ બધાના દ્રષ્ટિકોણ જાણવા, બધાના હકારાત્મક અને નકારાત્મક વિચારસરણી જાણવા તત્પર હોય છે.
તેને ખબર જ જ હોય છે આ ઓર્ગેનાઈઝેશનમાં નહિ તો બીજા કોઈ ઓર્ગેનાઈઝેશનમાં - તેની આવડત અને જ્ઞાનની કિંમત તો થશે જ. તેઓને કોઈના જશની કે કોઈના વખાણની જરૂર હોતી નથી. તેઓ તેના જ્ઞાન અને તેની આવડતથી વાકિફ જ હોય છે. તેના માટે “લોકો તેને ઓળખે તો જ સફળતા હાંસિલ કરી કહેવાય તેવો કોઈ દૃષ્ટિકોણ નથી હોતો.”
ફૂડ ફોર થોટ
શું તમે તમારી માહિતી અને જ્ઞાનના ભંડારને તમારા ઓર્ગેનાઈઝેશનમાં શેર કરવા તત્પર છો? – કે પછી તમે પણ એવી માનસિકતા ધરાવો છો કે તમારું જ્ઞાન તમારા સુધી જ સીમિત રાખશો. આ જવાબને ૧ થી ૭ના સ્કેલમાં માપો.
જો તમારો જવાબ ૫થી ઓછો હોય તો તમારું મન અભિમાનને વધુ મહત્વ આપે છે તેવું કહી શકાય. તમારી જાતને વચન આપો કે તમે હવે અભિમાન નહિ પણ પ્રેમ અને કૃતજ્ઞતાની માનસિકતા કેળવશો. તમારી જાતને વચન આપો કે હવે તમે આત્મવિશ્વાસથી કામ કરશો. લોકો તમને સ્વીકારે અને તમારા વખાણ કરે જ તેવી કોઈ અપેક્ષાઓ નહીં બાંધો.