લીડરશીપ વિશે તમારો શું વિચાર છે?

leadership by darshali.jpg

લીડરશીપ અંગેનો પ્રતિભાવ બદલવાનો સમય આવી ગયો છે. હા, આવું વાક્ય લખવા પાછળનો હેતુ એટલો જ છે કે – આજે નહી તો ક્યારે? ચેમ્પિયન કે પછી સફળતા હાંસિલ કરવાના અનેક સિક્રેટ શીખ્યા અને કદાચ અમલમાં મૂક્યા બાદ હવે એ સમય આવી ગયો છે કે અમુક માનસિકતાઓને મૂળથી જ બદલાવી નાખીએ. જેમ કે લીડરશીપ અંગેની માનસિકતા. આ સિક્રેટમાં એવરેજ લોકો લીડરશીપ અંગે ક્યાં ખોટા પડે છે અને ચેમ્પિયન ક્યાં આગળ નીકળી જાય છે તે સમજીશું. 

આમ તો જો તમે સફળતાના રસ્તા પર ચાલતા હશો તો તમે લીડરશીપ અંગે ઘણું વાંચેલ હશે, સાંભળ્યું હશે, અમલમાં મુક્યું હશે, તમે પોતે પણ કોઈના લીડર બન્યા હશો, કોઈની નીચે કામ કર્યું હશે – પણ જ્યાં સુધી તે લીડરશીપ થકી તમને તમારી મંઝીલ ન મળે ત્યાં સુધી બધું નકામું. આ લીડરશીપનો ફંડા તમારી જાતથી જ શરુ થાય છે. તમે લીડરશીપ વિશે શું વિચારો છો? તમને લીડરશીપ આપવામાં આવે તો તમે શું કરો? – આવું થોડું વિચારમંથન કરવાનું છે. તો શરુ કરીએ?

ખોટી માન્યતાઓને તોડો!

એવરેજ લોકોના મનમાં લીડર માટે કંઇક અલગ જ ચિત્ર હોય છે. જેમ કે તેઓ એવું માને છે કે લીડર કોઇપણ વ્યક્તિનું અપમાન કરી શકે, કોઈપણ વ્યક્તિને ખીજાઈ શકે છે. આવા ડરને કારણે એવરેજ લોકો તેના લીડરની નજરમાં ન આવે તે રીતે ચુપચાપ કામ કરતા રહે છે. તેઓ મુશ્કેલીઓથી ડરે છે. ચેમ્પિયન્સ લીડર્સને આવકારે છે. તેઓ લીડર પાસેથી માર્ગદર્શન લે છે અને પોતાનામાં જરૂરી બદલાવ પણ લાવે છે. 

કેવી માનસિકતા કેળવશો?

એવરેજ લોકો લીડરશીપને માત્ર એક રોલ માને છે. જયારે સાચો લીડર મન અને મગજથી લીડર જ હોય છે. તેના માટે લીડરશીપ એક રોલ કે નોકરી નથી. ઉત્તમ લીડર તેની ટીમને સાચી દિશામાં દોરી શકે છે. જે ટીમ તેના લીડરને અનુસરે છે તે જ ટીમ તેના લીડરને આદર અને સન્માન પણ આપે છે. તેથી લીડર પોતે પણ મોટીવેટ થઈને વધુ ઉત્તમ કામ કરે છે. 

ખરી લીડરશીપ કોને કહેશો?

ઉત્તમ લીડરનું ખરેખર કામ શું હોય છે - તે જાણો છો? - ઓર્ગેનાઈઝેશનમાં રહેલ દરેક વ્યક્તિની આવડત શોધીને તેને ઉત્તમ કામ કરવા પ્રેરવા. લોકોને પોતાના કામ માટે જશ આપવો. લોકોને પ્રોત્સાહિત કરવા. મહાન લોકો માટે લીડરશીપની વ્યાખ્યા અલગ છે. તેના મતે લીડરશીપ એટલે એક ટીમ ઉભી કરવી, ટીમમાં નવા આઈડિયાઝને આવકારવા અને ઓર્ગેનાઈઝેશનના વિઝન માટે ઉત્તમ કામ કરીને સફળતા મેળવવી. લીડરશીપ એક ઉત્તમ જવાબદારી છે. ચેમ્પિયન્સ લીડરશીપની તકને અને બદલાવને આવકારે છે અને વધુ ઉત્તમ બનવાના પ્રયત્નો ચાલુ જ રાખે છે.

ફૂડ ફોર થોટ

તમારી જાતને તમે લીડર છો કે નહિ તે માટે ૧ થી ૭ના સ્કેલ પર માપો. તમારી નજીકના ત્રણ લોકોને પણ તમે લીડર છો કે નહિ તે માટે ૧ થી ૭ના સ્કેલ પર આંકવાનું કહો. તેઓએ તમને જે નંબર આપ્યા તે નંબર પાછળના કારણો પણ પૂછો. આ પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવશે કે તમારામાં લીડરશીપના ગુણો છે કે નહિ. તેમજ હજુ ઉત્તમ લીડર બનવા માટે તમારે શું કરવાની જરૂર છે તે પણ તમે જાણી શકશો.

આ ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે પણ જો તમે તેને ગંભીરતાથી અનુસરો તો તે તમને ખરો દ્રષ્ટિકોણ જરૂરથી દેખાડશે. ઘણીવાર તમને એવું લાગતું હોય છે કે તમારી અંદર લીડરશીપના ગુણ છે – પણ જયારે ખરેખર તેને જીવવાનો સમય આવે ત્યારે તમે પાછા પડી જતા હોય તેવું પણ બની શકે. તેથી વાસ્તવિક ચિત્રને સમજવા માટે આવી પ્રવૃત્તિઓ કરતી રહેવી જોઈએ. જેથી યોગ્ય લીડરશીપ વિકસાવી શકાય, કારકિર્દી અને જીવનમાં બદલાવ પણ લાવી શકાય.