તમારા સપનાઓ અને ધ્યેયો હાંસિલ કરતી વખતે તમારી લાગણીઓ તમારા માટે ફાયદાકારક નીવડે છે કે પછી નુકસાનકારક? શું તમે ક્યારેય લાગણીઓને હાવી થવા દો છો અને ખોટા નિર્ણયો લો છો કે પછી લાગણીઓની સામે તમારું તર્ક હારી જાય છે? લાગણીઓ પણ અનેક પ્રકારની હોય છે. તમારા પર હકારાત્મક લાગણીઓ જેવી કે ઉત્સાહ અને ખુશી હાવી થાય છે કે પછી ડર અને ઈર્ષા જેવી લાગણીઓ તમારા નિર્ણયો અને જીવનને ખોખલા બનાવે છે?
આ બધા પ્રશ્નોના જવાબ તમારી જાતને પૂછો – તમે લાગણીઓ અને તર્ક વચ્ચે કેટલું સંતુલન રાખી શકો છો તે સમજાઈ જશે. આજના સિક્રેટમાં આ લાગણીઓનો યોગ્ય ઉપયોગ કેમ કરવો અને તેના માટે તમારી માનસિકતા કેવી રીતે ઉપયોગી સાબિત થશે તેની વાત કરવી છે.
લાગણી માટેનો દ્રષ્ટિકોણ
એવરેજ લોકોની વાત કરીએ તો તેઓ નિષ્ફળતાનો ડર, સમાજનો ડર આવા બધા અનેક પ્રકારના ડરને કારણે ક્યારેય ચેમ્પિયન બની શકતા નથી. તેઓ ડરને કારણે જીવનમાં યોગ્ય સમયે નિર્ણય પણ લઇ શકતા નથી. જયારે ચેમ્પિયન તો લાગણીઓને પોતાનો મોટીવેટર બનાવી દે છે. તે ડરને પણ મોટીવેશન માને છે. તેઓને જે કામ કે નિર્ણયથી સૌથી વધુ ડર લાગતો હોય તે તો તે સૌથી પહેલા કરે છે.
તમને જયારે પણ ડર લાગે ત્યારે તમારી જાતને એક પ્રશ્ન પૂછો, “વધુમાં વધુ શું થશે?” આ પ્રશ્ન પૂછ્યા બાદ તમને જે જવાબ મળશે તેના પરથી તમને ખબર પડી જશે તમારા મનમાંથી ડર કાઢી નાખવો કે પછી તેને તમારા પર હાવી થવા દેવો? જે લાગણીઓ આપણને નુકસાન કરતી લાગે તેને બદલાવી નાખો અથવા તો તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવી નાખો. પછી જુઓ – ચેમ્પિયન બનવાના રસ્તાઓ ખૂલવા લાગશે.
સ્ટ્રેટેજીનું મહત્વ
ચેમ્પિયન અને એવરેજ લોકો વચ્ચેનો મુખ્ય તફાવત – તેની માનસિકતા છે. એવરેજ લોકો સફળતા હાંસિલ કરવા માટે “હારી ના જાય એટલે રમતા રહીએ” એવી સ્ટ્રેટેજી વાપરે છે. જયારે ચેમ્પિયન “આકર્ષણનો સિદ્ધાંત”ની સ્ટ્રેટેજી વાપરે છે. તેને ખબર જ છે કે તે જેવું આકર્ષશે અને જેવી મહેનત કરશે તે મુજબ તેને જરૂરથી સફળતા મળશે જ. તમારી સ્ટ્રેટેજી જ નબળા વિચારો પર આધારિત હશે તો ક્યારેય સફળતા હાંસિલ નહી કરી શકો. તેથી તમારા વિચારો પર ખાસ ધ્યાન આપો. ત્યારબાદ સફળતાની સ્ટ્રેટેજી બનાવશો તો ચોક્કસપણે સફળતા મળશે.
સફળતા મળ્યા બાદની માનસિકતા
એવરેજ લોકોને એક સફળતા મળે પછી તેઓ પર અહંકાર હાવી થઇ જાય છે. તેથી જ તેઓને જયારે નિષ્ફળતાનો સામનો કરવાનો આવે ત્યારે તેઓ નિષ્ફળતાને પચાવી શકતા નથી. એટલું જ નહી ઘણા લોકો તો એવા હોય છે કે તેઓને સફળતા મળી જાય પછી પણ ખુશ નથી થતા. ઘણા લોકો એક વાર સફળતા હાંસિલ કરી લીધા બાદ આગળ શું કરવું તે વિચારતા જ નથી અને પછી દુનિયાથી પાછળ રહી જાય છે. જયારે ચેમ્પિયન આવું નથી કરતા. એવું કહું તો ચાલે કે ચેમ્પિયન સતત સફળતાની શોધમાં હોય છે. એક ધ્યેય હાંસિલ થયો, એકવાર સફળતા મળી – ફરીથી મુસાફરી શરુ. તેઓમાં સંતોષનું પ્રમાણ ઓછું હોય છે. તેઓ જીત મેળવી લીધા બાદ પણ પોતાની મુસાફરી ચાલુ રાખે છે. કંઈકને કંઇક નવું શીખે રાખે છે. નવા નવા મૂકામો હાંસિલ કરવા માટે મથે રાખે છે. તેની આ માનસિકતા જ તેઓને ચેમ્પિયન બનાવે છે.
શીખો! શીખો!
ચેમ્પિયન ક્યારેય શીખવાનું મૂકતું નથી. તેઓ સતત શીખતા રહે છે, તેઓ સતત પોતાની જાતને સુધારતા રહે છે. તેઓને ઉત્તમ બનવાની આદત પડી ગઈ હોય છે. તેથી તે હંમેશા ઉત્તમ ભવિષ્ય માટે વિચારતા રહે છે. અને પોતાના વિઝન પર કામ કરતા રહે છે. જો તમે પણ ચેમ્પિયન બનવા માંગતા હો તો ક્યારેય તમને જેટલું આવડે છે તેનાથી સંતોષ ન માની લો. તમારી જાતમાં અને તમારી આવડતમાં કંઇકને સુધારો, બદલાવ લાવતા રહો. નવું શીખતા રહો. તેનાથી જીવન જીવવાની પણ મજા આવશે. કંટાળશો નહી.
ફૂડ ફોર થોટ
તમારી જાતને નીચેના થોડા પ્રશ્નો પૂછો:
૧ હું કઈ બાબતથી મોટીવેટ થાઉં છું? નિષ્ફળ જવાના ડરથી કે પછી સફળતા હાંસિલ કરવાના ઉત્સાહથી?
૨ હું મારી જાતને સાબિત કરવા માંગું છું કે પછી હું મારી જાતને વ્યક્ત કરવા માંગું છું?
૩ મારા માટે એક જ વાર સફળતા હાંસિલ કરવી મહત્વની છે કે મને સતત કંઇક હાંસિલ કરવાની ખેવના છે?
૪ હું લાગણીઓને મારા પર હાવી થવા દઉં છું કે પછી હું લાગણીનો ઉપયોગ એક મોટીવેટર તરીકે કરું છું?
૫ હું એવરેજ વ્યક્તિ જ બનવા માંગું છું કે પછી ચેમ્પિયન બનવા માંગું છું?