તમે અત્યાર સુધીના જીવનમાં અનેકવાર એવા ધર્મસંકટમાં પડ્યા હશો કે જ્યાં લાગણીઓને મહત્વ આપવું કે તર્કનું તે જ નહી સમજાય. માનવીનું મન જ એવું છે. ઘણીવાર લાગણીઓ એટલી હાવી થઇ જાય છે કે વાસ્તવિકતા ભૂલી જવાય છે. અને અંતે પસ્તાવાનો વારો આવે છે. તમે જ તમારા જીવનમાં ડોકિયું કરીને જુઓ – ઘણીવાર એવું થયું હશે કે તમારે તર્કથી નિર્ણય લેવાનો હોય. આમ છતાં તમે લાગણીથી નિર્ણયો લઇ લીધા હોય. પછી દુઃખી તમારે જ થવું પડ્યું હોય.
જીવનમાં કારકિર્દી, સંબંધો, સ્વ – આ બધા જ તબક્કામાં લાગણીઓ અને તર્ક વચ્ચે સંતુલન કરવું જરૂરી છે. સાવ સરળ વાત સમજાવું – આજના સિક્રેટ નંબર દસમાં હું તમને કઈ રીતે લાગણીઓથી પરે નિર્ણય લેવો તે શિખવીશ.
૧ એક કે બાદ એક
માની લો કે તમારી સામે એકસાથે ઘણી સમસ્યાઓ ઉભી થઇ ગઈ છે. ત્યારે તમે શું કરશો? બધી જ સમસ્યાઓનો એક સાથે ઉકેલ લાવશો કે પછી એક કે બાદ એકની માનસિકતા અનુસરશો? જવાબ એટલો જ છે – એક સાથે બધા ઘોડે ના ચડવું જોઈએ. ચેમ્પિયન માનસિકતા ધરાવતા લોકો એક સમયે એક જ પ્રશ્નનું નિરાકરણ લાવે છે. તેઓ દરેક અઘરી બાબતને પહેલા તો સરળ બનાવી દે છે. પછી તર્ક લડાવીને તેનું નિરાકરણ લાવી દે છે. તમે પણ એક પછી એક જ ઉકેલ લાવો.
૨ લાગણીને આપો લગામ!
ચેમ્પિયન તેની લાગણીઓને ક્યારેય હાવી થવા દેતા નથી. તેઓ જે કંઈપણ સમસ્યા છે તેને ઉકેલવા પર ધ્યાન આપે છે. તે વ્યક્તિની સમસ્યા સાથે જોડાય છે – વ્યક્તિ સાથે નહી. ટૂંકમાં જો તમે સમસ્યા લાવનાર વ્યક્તિ સાથે લાગણીઓથી જોડાઈ જશો તો નિર્ણય નહી લઇ શકો. લાગણીઓ તમારા પર હાવી થઇ જશે.
એક વાત યાદ રાખો – તમારી કે બીજા કોઈની સમસ્યામાં એટલા ઊંડા ન ઉતરી જાવ કે તમને કોઈ તર્ક જ ના સુઝે. લાગણીઓને એક લગામ આપી દો. જેથી કરીને તેની અસર ઉકેલ પર ન પડે.
૩ ધ પ્રેસિડેનશિયલ પ્રોબ્લેમ સોલ્વીંગ ટેકનીક
લેખક સ્ટીવ સાયબોલ્ડની મેન્ટલ ટફનેસ યુનિવર્સીટીમાં આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનીક મુજબ – તર્કથી ઉકેલ લાવવો, એક પછી એક પ્રશ્નનું નિરાકરણ લાવવું, લાગણીઓને હાવી થવા ન દેવી. આટલી બાબતો પર ધ્યાન આપવામાં આવે છે.
આ ટેકનીક હું તમને એક ઉદાહરણથી સમજાવું:
માની લો કે નરેન્દ્ર મોદી સામે દરરોજ કોઈ સમસ્યા આવે છે. (જો કે નથી આવતી!) ત્યારે તેણે એક મેન્ટલ બોક્સ બનાવી નાખવાનું. તેમાં દરેક પ્રશ્નોને વર્ગીકૃત કરી નાખવાના. પછી દરેક પ્રશ્નોને મેન્ટલ બોક્સમાં ગોઠવી દેવાના. પછી પ્રશ્નોની કેટેગરી મુજબ તેનું નિરાકરણ લાવવાનું.
ટૂંકમાં એક સાથે પ્રશ્નો ઉકેલવાને બદલે તમે કેટેગરી મુજબ નિરાકરણ લાવો તો બહુ સહેલું છે. તમે પણ આ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો.
૪ તર્કનું ગણિત
ચેમ્પિયન જાણે છે કે દરેક પ્રશ્નનો તાર્કિક ઉકેલ જ હોય છે. શિખાઉ એવરેજ લોકો લાગણીઓના દરિયામાં ડૂબી જાય છે. જયારે ચેમ્પિયન તર્કની હોળી લઈને નીકળી પડે છે. અને કિનારા સુધી પહોંચી પણ જાય છે. એક વાત હંમેશા યાદ રાખો – દરેક સમસ્યાના ઉકેલ છે. નક્કી તમારે કરવાનું છે કે લાગણીથી ઉકેલ લાવવો કે તર્કથી.
ફૂડ ફોર થોટ
તમારા જીવનમાં અત્યારે કોઇપણ તબક્કાના જેટલા પ્રશ્નો હોય તેનું એક લીસ્ટ બનાવી લો. ત્યારબાદ તે દરેક પ્રશ્નોને કેટેગરી મુજબ ગોઠવી દો. એક પછી એક પ્રશ્નના જેટલા ઉકેલો મળે તે લખી નાખો. બની શકે એક પ્રશ્નના ૩ ઉકેલ હોય – લાગણીથી, તર્કથી અને યોગ્ય આ રીતે.
આ રીતે બધા ઉકેલો લખ્યા બાદ એક પછી એક પ્રશ્નનું નિરાકરણ નક્કી કરો. પછી તેનો અમલ કરી નાખો. થઇ ગયું ને જીવન સરળ! એક જ વાત સમજવાની છે – જો એવરેજ માનસિકતા ધરાવશો તો લાગણીઓના વંટોળમાંથી ક્યારેય બહાર નહી નીકળી શકો. ચેમ્પિયન બનો અને તર્કથી રસ્તાઓ શોધો. કારણ કે જયારે તમે તર્કથી નિર્ણય લો છો ત્યારે દરેક પાસાઓને ચકાસી શકો છો. લાગણીમાં તો પળવારમાં કઈ વિચાર્યા વગર જ નિર્ણય લઇ લો છો. જે ખોટું છે. આજે તમારા જીવનના પાનાંઓ ફેરવીને જુઓ કે જીવનના ક્યાં તબક્કામાં તર્કથી નિર્ણયો લઇ શકાયા હોત.