બાળક અને પિતા તેના ઘરના બગીચામાં રમી રહ્યા છે. બાળકને ક્રિકેટ બહુ જ ગમતું હોય છે. તેથી દરરોજ સાંજે તેના પિતા ઘરે આવે એટલે તેની સાથે ક્રિકેટ રમે. પિતાજી બોલિંગ કરે અને બાળક મસ્ત મજાની બેટિંગ. પિતાજી બિલિયોનર હોવા છતાં દરરોજ તેના બાળક માટે સમય કાઢે અને પ્રેમથી તેની સાથે રમે.
એક દિવસ પિતાજી બોલિંગ કરે છે અને બાળક બેટિંગ કરવાને બદલે અચાનક જ જમીન પર ઢળી પડે છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સારામાં સારા ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. ડોક્ટરની એક્સપર્ટ ટીમ અનેક પ્રકારના ટેસ્ટ કરે છે. પણ બાળકને શું થયું છે તે ખબર પડતી નથી. બધા જ હિંમત હારી જાય છે. અને અંતમાં એક ટેસ્ટ પરથી એવી ખબર પડે છે કે બાળક પાસે વધુ સમય નથી. ૧૦ વર્ષનું બાળક વધુ આયુષ્ય લઈને નથી આવ્યું તેવી તેના પિતાને ખબર પડે છે. તે અંદરથી પડી ભાંગે છે. જે વ્યક્તિ કરોડોનો ધંધો લઈને બેઠો હોય તે લાગણીની સામે તૂટીને વિખેરાય જાય છે.
જયારે માણસ દુઃખી હોય ત્યારે તે અનેક જાતના બેતુકા તર્ક લગાવતા રહે છે. બસ તેને આવા તર્કમાંથી કંઇક રસ્તો મળી જશે તેવી આશામાં. પિતા પણ એવું જ કરે છે. તે એમ વિચારે છે કે - "જો હું મારો બધો જ બીઝનેસ અને પ્રોપર્ટી દાનમાં આપી દઈશ તો મારો દીકરો સાજો થઇ જશે. કારણ કે આ બધું કાર્મિક હોય છે. હું મારું બધું જ ભૌતિક સુખ જતું કરી દઈશ તો મારો દીકરો - મારા પ્રેમ અને લાગણીને લીધે જીવી જશે."
બસ તેના આવા તર્કને લીધે તે ખરેખર બધું જ જતું કરી દે છે. અને આશ્ચર્યની વાત તો જુઓ - બાળક અચાનક જ સાજુ થવા લાગે છે. ડોક્ટરને પણ એક કલુ મળી જતા તેને સાજો કેમ કરવો તેનો ઉપાય મળી જાય છે.
ધીમે ધીમે બાળક સાજુ થઇ જાય છે. ફરીથી એ જ બગીચામાં બાળક અને પિતા ક્રિકેટ રમવા લાગે છે. આને તમે શું કહેશો - ચમત્કાર? કર્મ? અંધશ્રદ્ધા? લાગણીઓનો પ્રભાવ?
શાંતિથી વિચારશો તો ખબર પડશે કે જે વ્યક્તિ બિલિયોનર હોય તે બુધ્ધીશાળી તો હોવાનો જ. તો તેને એમ પણ ખબર હોવાની કે જે તે જતું કરી રહ્યો છે તે બધું જ તે પાછુ પણ હાંસિલ કરી જ શકશે. તે સમયે તેના માટે લાગણીઓ અને પોતાના દીકરાને બચાવી લેવાની ઈચ્છા અને જનુન જ આવો નિર્ણય લેવા પ્રેરે છે. અને કદાચ આ ઈચ્છા જ તેને જીવન સામે જીતાડી દે છે.
આજે આપણે એક એવા જ સિક્રેટની વાત કરવી છે - "ચેમ્પિયન માટે લાગણી જ પ્રેરકબળ હોય છે."
જો હું તમને એક સરળ તર્ક સમજાવું - તમે એવા એવરેજ લોકોને જોયા જ હશે કે જે નાણા અને ભૌતિક સુખ-સમૃદ્ધી પાછળ ભાગતા જ રહે છે. તેને એવું લાગે છે કે નાણા અને જાહોજલાલી જ સાચી ખુશી છે. ટૂંકમાં તેઓ સતત બાહ્ય વાતાવરણ અને પરિબળોને સૌથી વધુ મહત્વ આપે છે. જયારે તમે ચેમ્પિયનને જોશો તો ખ્યાલ આવશે કે તેઓ આંતરિક પરિબળોને વધુ મહત્વ આપે છે. તેના માટે ઇચ્છાઓ, સપનાઓ, જનુન, મનની શાંતિ - આ બધું વધારે મહત્વનું હોય છે. તેની પાસે રોલ્સ રોય હોય કે ના હોય તેનાથી તેને કોઈ જ ફર્ક પડતો નથી.
આવું શા માટે? કારણ કે તેઓને ખબર હોય છે કે એક સમય એવો આવશે જયારે નાણા અને ભૌતિક સુખ-સુવિધાઓથી માનવી કંટાળી જશે. અંતમાં તો તે પ્રેમ, શાંતિ, લાગણીની શોધમાં જ નીકળશે. તેથી જ મહાન લોકો તર્કને નહી પણ લાગણીઓને વધુ મહત્વ આપે છે.
અહી એક વાત એ પણ સમજી લો કે ચેમ્પિયન લાગણીને કેટલી હદે મહત્વ આપવું તે પણ સારી રીતે જાણે છે. કારણ કે જીવનના દરેક નિર્ણયોમાં લાગણી અને તર્ક વચ્ચે સંતુલન રાખવું પણ જરૂરી છે. તમે જ વિચારો ને - જે વિદ્યાર્થીને પહેલો નંબર જોઈતો હોય છે તે નાણા માટે રાત-દિવસ જાગીને મહેનત કરે છે કે પછી એકવાર પહેલો નંબર આવી જાય તે પછીની મનમાં જે ખુશી, તેના કુટુંબમાં જે ખુશી અને પોતાને સપનું પૂરું થયાનો સંતોષ મળશે - તેના માટે કરે છે. જવાબ તમને મળી જ જશે.
ચાલો આ બધી વાત તો સમજ્યા - પણ કઈ રીતે લાગણીઓને ઓળખવી, સમજવી તે પણ જાણવું પડશે ને. સરળ ઉપાય છે - તમારી જાતને સતત પૂછતા રહો - "તમારે શું જોઈએ છે અને શા માટે જોઈએ છે?" જ્યાં સુધી સંતોષકારક જવાબ ન મળી જાય ત્યાં સુધી તમારી જાતને પૂછતા જ રહો. જીવનમાં વિચારો અને લાગણીની સ્પષ્ટતા સૌથી વધુ મહત્વની હોય છે. તમે તમારી લાગણીઓ અને ઈચ્છા માટે જેટલા વધુ સ્પષ્ટ તેટલા વધુ ઝડપથી આગળ વધી શકશો.
તમને એમ ખબર પડી જાય કે તમને કીટકેટ ભાવે છે તો પછી તમે દુકાનમાંથી કીટકેટ જ લેશો ને. બીજું કઈ શોધવામાં તમારો સમય જ પસાર નહી કરો. કઈ ચોકલેટ શું કામ સારી અને ખરાબ તેનો તર્ક સમજવામાં પણ વ્યસ્ત નહી રહો, બસ કીટકેટ લઈને નીકળી જશો. આવું જ લાગણીઓ અને સપનાઓનું છે. તમારી લાગણીઓ જ તમને ચેમ્પિયન બનવામાં મદદરૂપ થશે.
ફૂડ ફોર થોટ
એક મસ્ત પ્રશ્ન પૂછો તમારી જાતને - "માની લો કે તમે ૩૦ સેકન્ડ પછી મરી જવાના છો. તમારે તમારા બાળકોને એ કહેવાનું છે કે જીવનમાં ખુશ રહેવા માટે કઈ ત્રણ બાબત મહત્વની છે. તો તમે તે છેલ્લી ૩૦ સેકન્ડમાં શું જવાબ આપશો?"
આ જવાબ જ તમારા જીવનની સફળતાની ચાવી છે.