તમને ખબર છે કે તમારી પાસે જેટલા વિચારો કે માન્યતાઓ રહેલી છે તે તમારી પોતાની નથી? હા, આ વાત સાચી છે. તમે જે માન્યતાઓ ધરાવો છો, તમે જે રીતે વર્તન કરો છો, મુશ્કેલીની પરિસ્થિતિમાં જે રીતે નિર્ણયો લો છો તેની પાછળ વર્ષોથી તમારા મનમાં બનેલી માન્યતાઓ જવાબદાર છે. પણ આ માન્યતાઓ બનાવે છે કોણ?
તમે જન્મો ત્યારથી લઈને સમજણા થાવ ત્યાં સુધી તમારી આસપાસ રહેનાર લોકો - માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો, સંબંધીઓ અને મોટા થયા બાદ શિક્ષકો, સહકર્મચારીઓ અને બોસ. તો ટૂંકમાં એવું કહી શકાય કે તમે જન્મો ત્યારે જે ઓરીજીનલ પીસ હો તે જન્મ્યા બાદ આ બધા લોકોનું મિશ્રણ બનીને રહી જાવ છો.
જો કે આ માન્યતાઓ જાળમાંથી બહાર નીકળી શકાય તેમ છે. તમે ઈચ્છો તો રાજાના પાયદળ બનવાને બદલે તમે પોતે રાજા બની શકો તેમ છો. તમારે જીવનભર નોકરી કરવી જરૂરી નથી. જીવનભર ધંધો કરવો પણ જરૂરી નથી. તમે માત્ર તમારા વિચારો અને નવી માન્યતાઓ થકી પણ એક રાજા જેવું આરામદાયક જીવન જીવી શકો છો. ટૂંકમાં ચેમ્પિયન બની શકો છો.
મારા નાના હંમેશા કહેતા કે - "તમે જેવા બનવા માંગો છો તેવા લોકોની આસપાસ રહો." આ વાત સાચી છે. કારણ કે તો જ તમે તેઓના વિચારો અને માનસિકતાઓને શીખી શકશો ને. ચેમ્પિયન બનવા માટે તેના રસ્તે ચાલવું પડે છે. તેની જેમ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. હવે આજે આપણે સિક્રેટ નંબર ૮માં એ જ શીખવાના છીએ કે કઈ રીતે ચેમ્પિયન જેવી બિલીફ સીસ્ટમ કેળવવી.
કઈ રીતે નવી બિલીફ સીસ્ટમ બનાવશો?
કંઈપણ નવું સર્જન કરવું હોય તો જૂનાનો વિનાશ કરવો પડે છે અથવા તો તેમાં જરૂરી લાગતા સુધારા કરવા પડે છે. સૌથી પહેલો રસ્તો છે - મેન્ટલ રીપ્રોગ્રામિંગ. તમારી જૂની માન્યતાઓને તોડો. ખાસ કરીને એવી માન્યતાઓ કે જે તમારો વિકાસ અટકાવતી હોય. તે પછી ધંધાના ક્ષેત્રે પણ હોઈ શકે અને જીવનના ક્ષેત્રમાં પણ. તમે ઈચ્છો તો એક લીસ્ટ બનાવો - તમારી નિષ્ફળતાનું લીસ્ટ. જેથી કરીને તમને એ ખબર પડશે કે કઈ માન્યતાઓને કારણે તમે પાછા પડ્યા હતા. બસ જે જવાબ મળે તેના પરથી નકામી માન્યતાઓને દૂર કરી દો.
બીજો રસ્તો છે - સેલ્ફ ટોક. તમારી જાત સાથેના તમારા સંબંધો કેવા છે? તમે તમારી જાતને ધિક્કારો છો કે પછી પ્રેમ કરો છો? તમે તમારી જાત સાથે હકારાત્મક વાતો કરો છો કે પછી નકારાત્મક? માન્યતાઓ ઘડવામાં અને બદલાવવામાં સેલ્ફ ટોક મહત્વનો ફાળો આપે છે. કારણ કે તેનું સીધું કનેક્શન અર્ધજાગૃત મન સાથે છે. તેથી તમારી સેલ્ફ ટોકમાં જરૂરી ફેરફાર લાવો. હકારાત્મક વિચારો હકારાત્મક દુનિયા બનાવશે.
તમે પેલો બ્રેઈનવોશ નામનો શબ્દ સાંભળ્યો હશે. કોઈવાર મનનું હકારાત્મક બ્રેઈનવોશિંગ પણ કરવું પડે છે. અમુક વિચારો અને માન્યતાઓ તમારી કારકિર્દીને નુકસાન કરતી હશે. તેને દૂર કરી દો. નકારાત્મક વિચારો અને માન્યતાઓને દૂર કરવાનો સરળ રસ્તો છે - હકારાત્મક વિચારો અને માન્યતાઓ. તે કામ અઘરું છે પણ અશક્ય નથી. તેથી કોઈ બીજું વ્યક્તિ આવીને તમારું બ્રેઈનવોશ કરી જાય તેના કરતા તમે જ તમારા મનને કાબૂમાં લઈને બ્રેઈનવોશ કરો.
આ રસ્તા તો થયા માન્યતાઓ તોડવા માટેના અને નવી માન્યતાઓ ઘડવા માટેના. પણ શું તમે આ રસ્તાઓ અપનાવવા માટે તૈયાર છો? શું તમે ખરેખર ચેમ્પિયન બનવા માંગો છો? જો જવાબ હા હોય તો આગળ વાંચો. માન્યતાઓ તોડવા સિવાય હજુ એક પહેલું પર કામ કરવું પડશે. - તમારી આસપાસનું વાતાવરણ.
તમને તમારી આસપાસના લોકો, તમારું કામ, તમારા વિચારો અને વર્તન - ગમે છે? તમને તમારું વર્તમાન ગમે છે? - જવાબ કોઇપણ હોય. તમે તે વાતાવરણમાં ફેરફાર કરી શકો છો. જરૂર લાગે તો કામનો પ્રકાર બદલાવો. જરૂર લાગે તો નવા લોકો સાથે મિત્રતા પણ કરો. અને જરૂર લાગે તો વર્તમાન પરિસ્થિતિને બદલવા માટે જરૂરી પગલા લો. માન્યતાઓ અને વાતાવરણ તમને ચેમ્પિયન બનાવવામાં મોટો ભાગ ભજવે છે.
હવે માની લો કે તમારું માનવું કંઇક અલગ છે. તમારા મતે ઈન્ટેલીજન્ટ લોકો જ ચેમ્પિયન બની શકે છે. જો કે આ વાત સાચી નથી. દરેક વ્યક્તિ પાસે ઈન્ટેલીજન્સ તો હોય જ છે. માત્ર તેનો સાચા સમયે અને સાચી જગ્યાએ ઉપયોગ કરતા શીખવાનું હોય છે. ચેમ્પિયન બનવાનો એક માત્ર આધાર ઈન્ટેલીજન્સ નથી. તેથી તે ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખજો. કારણ કે જીવનરૂપી મુવીનો મેઈન હીરો તો તમારી માન્યતાઓ એટલે કે બિલીફ સીસ્ટમ છે. ઈન્ટેલીજન્સ તો માત્ર સ્પોર્ટીંગ એક્ટર છે.
હવે તમને સરળ રીતે એટલું તો સમજાઈ જ ગયું હશે કે - માન્યતાઓ, વિચારો, ઈન્ટેલીજન્સ - આ ત્રણના સમન્વયથી તમે રાજા એટલે કે ચેમ્પિયન બની શકો છો. તો ચાલો આજે શું કરવાનું છે તે જાણી લઈએ:
ફૂડ ફોર થોટ
તમારી માન્યતાઓનું લીસ્ટ બનાવી લો. તેમાંથી કઈ માન્યતાઓ કામની છે અને કઈ માન્યતાઓ નકામી છે તેનું વિશ્લેષણ કરો. કઈ નવી માન્યતાઓ અપનાવી શકાય તેમ છે તેનું પણ એક લીસ્ટ બનાવો. બસ - આ જવાબો પરથી જ તમને ચેમ્પિયન બનવાનો રસ્તો મળી જશે.