મુશ્કેલીને તક બનાવી શકાય?

opportunity.jpg

મુશ્કેલીને તક બનાવી શકાય?

મથાળું વાંચીને તમે કહેશો - હા, પણ જીવનમાં તેવું ખરેખર કરવા માટે કઈ માનસિકતા અપનાવવી પડશે તેની વાત આજના સિક્રેટમાં કરીશું:

મોટાભાગના લોકો મુશ્કેલીઓથી ડરી જાય છે. મુશ્કેલીઓથી દૂર ભાગે છે. જયારે ચેમ્પિયન્સ માટે મુશ્કેલીઓ પોતાના વિચારોને અને આવડતને વિકસાવવાની તક છે.  જો તમારે ખરેખર માનસિક રીતે સક્ષમ અને મજબૂત બનવું હોય તો સંઘર્ષનો સામનો કરતા શીખો. તમારે ધ્યેય માટે કંઈપણ કરી છૂટવાની તૈયારી રાખો. મુશ્કેલીઓનો સામનો કર્યા વગર તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. તો પછી શા માટે મુશ્કેલીઓથી ભાગવું જોઈએ? સફળતાનો રસ્તો અઘરો જ હોવાનો. તેથી સહેલા રસ્તા અને સરળ સફળતાની આશા જ ન રાખતા.

મિડલ ક્લાસ માનસિકતાવાળા લોકો મુશ્કેલીઓને અવગણવાનો પ્રયત્ન કરે છે. તેઓ સરળ રસ્તાની શોધમાં હોય છે. પણ યાદ રાખજો - સરળ રસ્તાઓ માત્ર ટૂંકાગાળાની સફળતા અપાવે છે. લાંબાગાળાની નહિ. વર્લ્ડક્લાસ લોકો પોતાનો રસ્તો જાતે કંડારે છે. મુશ્કેલીઓ આવે ત્યારે જ તમારી સાચી તાકાત અને નબળાઈઓનો ખ્યાલ આવે છે. મુશ્કેલીઓ ખરા અર્થમાં સફળતાનો માપદંડ છે. મુશ્કેલીના સમયમાં જ તમારી સાચી આવડતની પરિક્ષા થાય છે. મુશ્કેલીઓ દ્વારા તમારું વ્યક્તિત્વ વિકસે છે.

જો તમે ક્યારેય મુશ્કેલીઓનો સામનો નહિ કરો તો તમારા વ્યક્તિત્વના વિકાસની તકો પણ ગુમાવી બેસશો. મહાન લોકો મહાન એટલે જ હોય છે કારણ કે તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે આમ છતાં હાર માનતા નથી. તેથી જ તેઓ મિડલ ક્લાસ લોકોથી જુદા તરી આવે છે. જો તમે જીવનરૂપી રમત રમશો જ નહિ તો જીતવું અને હારવુંની સમજ જ નહિ કેળવી શકો. મેદાનમાં ઉતર્યા વગર કઈ રીતે ખબર પડશે કે તમે શુરવીર છો કે નહિ?

ચેમ્પિયન્સ શા માટે સરળતાથી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે તે ક્યારેય વિચાર્યું છે? - તેઓ સતત પોતાની જાતને વિકસાવવા, પોતાની આવડતમાં વધારો કરવા પ્રયત્નો કરતા જ રહે છે. તેઓ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા તૈયાર હોય છે. એવરેજ લોકો તો મુશ્કેલીનું નામ સાંભળતા જ ભાગાભાગી કરવા લાગે છે. ભાગેડુવૃતિ સફળતા ન અપાવી શકે. મુશ્કેલીઓનો સામનો કરવા માટે મનથી મક્કમ બનવું પડે. નિષ્ફળતાના ડરને જડમૂળથી દૂર કરવો પડે. એવું નથી કે મહાન લોકોને નિષ્ફળતાનો ડર નથી લાગતો. તે પણ એક સામાન્ય માનવી જ છે. પરંતુ ફરક એટલો છે કે તેઓ મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત ધરાવે છે. તેઓ ડરનો હિંમતથી સામનો કરે છે. જો તમે દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થઇ ગયા હશો તો એક સમય આવશે જયારે તમે સાચા અર્થમાં મક્કમ મનોબળવાળા ખેલાડી હશો.

ફૂડ ફોર થોટ

એવી કઈ ત્રણ મુશ્કેલીઓ છે જેનો તમે હાલમાં સામનો કરી રહ્યા છો તેનું એક લીસ્ટ બનાવો.  હવે એવી કલ્પના કરો કે જો તમે આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરશો તો વધુમાં વધુ શું ખરાબ પરિણામ આવી શકે?  જો તમે ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હો તો દ્રઢતાથી મુશ્કેલીઓનો સામનો કરવાનું શરુ કરી દો. એકવાર જો તમે ડરનો સામનો કરતા શીખી જશો તો તમને ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલી ક્યારેય નહિ હરાવી શકે. જો તમને સફળતા મળી જશે તો તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. જો તમે નિષ્ફળ જશો તો તેમાંથી પણ કંઇક નવું શીખશો. હતાશ ન થતા. સતત પ્રયત્નો કરતા રહેજો.