મહાન લોકો માટે માનસિક શાંતિ ખૂબ જ મહત્વની છે
એવેરેજ લોકો એવું માને છે કે માનસિક શાંતિને શોધી શકાય અને મેળવી પણ શકાય. હકીકતમાં માનસિક શાંતિ મેળવવાની ન હોય તેને અનુભવવાની હોય. જો તમે શાંતિની શોધમાં નીકળશો તો એવું બની શકે કે તમને થોડીવાર માટે માનસિક શાંતિ મળી પણ જાય. પણ તે માનસિક શાંતિ કાયમી હોતી નથી. માનસિક શાંતિ અને આનંદની શોધ કરવાથી શાંતિ અને આનંદ નહિ મળે. મહાન લોકો જાણે છે કે તેઓ જયારે તેની આવડતનો મહતમ ઉપયોગ કરી લેશે, પોતાના ધ્યેય હાંસિલ કરી લેશે ત્યારે જ તેને માનસિક શાંતિ મળશે.
જયારે તમે કોઈ કામથી શારીરિક અને માનસિક એમ બંને રીતે થકી જાવ ત્યારે તમને ખબર જ હોય છે કે હવે કામ કરવાની ત્રેવડ નથી. ત્યારે તમારું મન આપોઆપ શાંત થઇ જાય છે. આ એક પ્રોસેસ છે. મનની શાંતિ મેળવવા માટે બીજી કોઈ અઘરી જહેમત ઉઠાવવી પડતી નથી. જો તમે તમારું ઉત્તમ પરફોર્મન્સ નહિ આપતા હો અને કરવા ખાતર જ કામ કરતા હશો તો તમને ક્યારેય માનસિક શાંતિ નહિ મળે. પોતાની જાતને છેતરવાથી માનસિક શાંતી મળતી નથી.
આડા અવળા ગમે તે કામ કરીને તમે તમારા મનને ભટકાડવાનો પ્રયત્ન કરશો અને સાચી મહેનત કરવાનું ટાળશો તો બની શકે તમે ક્યારેય માનસિક શાંતિ નહિ મેળવી શકો. વિચારો દ્વારા તમે મગજને છેતરી શકો મનને નહિ. મહાન લોકો પોતાની જાત સાથે ખૂબ જ પ્રમાણિક હોય છે. તેઓ સતત પોતાની ક્ષમતા વધારવા પર જ ધ્યાન આપે છે. મહાન લોકો જીવનની રમત જીતી જાય છે અને જીતની મજા માણે છે. તેથી તેને માનસિક શાંતિ મળે છે. જો તેને સફળતા ન મળે તો તેઓ પોતે બધા જ બનતા પ્રયત્નો કર્યા અને કોઈ કસર બાકી ન રાખી તે વિચારથી પોતાના મનને શાંતિ આપે છે. તેઓ માટે હાર અને જીત બહુ મહત્વ ધરાવતા નથી. જીત સુધી પહોંચવાની પ્રોસેસ અને પોતે કરી છુટેલા બધા જ પ્રયત્નો તેના માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. મહાન લોકો શાંતિ એટલા માટે અનુભવી શકે છે કારણ કે તેઓ માનવીનો સ્વભાવ અને માનવીની માનસિકતાની સારી સમજ ધરાવે છે.
ફૂડ ફોર થોટ
તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો:
૧ શું હું મારી જાત સાથે શાંતિપૂર્ણ રહી શકું છું?
૨ હું જે પ્રકારનો માનવી છું તેનાથી મને સંતોષ છે?
૩ હું જેવો છું તેવો મારી જાતને સ્વીકારું છું કે હું મારી જાતને સફળતા કે નિષ્ફળતાના આધારે સ્વીકારું છું અને સમજું છું?
તમારી જાત સાથે પ્રમાણિક બનો. પોતાની જાતને વચન આપો કે હવેથી તમે તમારી જાત સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા શીખશો. તમારી જાતને યાદ અપાવતા રહો કે મનને શાંતિ આપવા માટે તમારે પાસે જે જોઈએ છે તે બધું જ છે. તમારી જાતને સ્વીકારતા શીખો. કોઈ સફળતા કે નિષ્ફળતાના આધારે તમારી જાતને ઓછી કે વધુ ઉત્તમ ન આંકો.