મન પરનો કાબૂ - ખરી ચાવી!

calm mind.jpg

તમે ક્યારેય વિચાર્યું છે કે વર્લ્ડક્લાસ લોકો વર્લ્ડક્લાસ શા માટે કહેવાય છે? - તેઓ નક્કી કરી શકે છે કે તેઓને શું જોઈએ છે, શા માટે જોઈએ છે અને કેવી રીતે મળશે. તેઓ માનસિક રીતે ખૂબ શિસ્તબદ્ધ હોય છે. તેના પરફોર્મન્સમાં તમને શિસ્તની ઝલક જોવા મળશે જ. કોઈપણ ધંધાનું જેમ એક ઉત્તમ વ્યવસ્થાતંત્ર હોય તો ધંધામાં સતત સફળતા મળે છે તે જ રીતે માનવીના મનનું વ્યવસ્થાતંત્ર ઉત્તમ હોય તો તે ધારે તે મેળવી શકે છે. એવરેજ લોકોનું મન હંમેશા ભટકતું રહે છે. તેઓને પોતાને જ ખબર નથી હોતી કે તેને શું જોઈએ છે. તેમજ તેઓ પોતાને ગમતું કામ મેળવી શકશે કે કેમ તે બાબતનો પણ આત્મવિશ્વાસ નથી હોતો.

એવરેજ લોકો પોતાના વિચારોની પ્રોસેસ પર પૂરતું કામ કરતા નથી. તેઓ ટીવી, ફરવું, ડ્રગ્સ, સિગરેટ તેમજ અનેક નકામી પ્રવૃતિઓમાં પોતાનો સમય બગાડી નાખે છે. તેઓ પોતાને ટૂંકાગાળામાં ખૂશી મળે તેવી બાબતો પર જ ધ્યાન આપે છે. તેઓની વિચારસરણી લાંબાગાળાની હોતી જ નથી. એવરેજ લોકોને ખબર જ હોય છે કે ઉત્તમ જીવન જીવવા માટે એક સચોટ આયોજન કરવું જરૂરી છે. પરંતુ તેઓ એ બાબત પર ધ્યાન આપવાને બદલે  બહારની નકામી પ્રવૃતિઓમાં પોતાનો સમય વ્યતીત કરી દે છે. વિચારવું - તેમાં પણ સાચી દિશામાં વિચારવું તે સૌથી અઘરી પ્રવૃત્તિ છે. 

મહાન લોકો સમયના આયોજન પાછળ અને ઉત્તમ સ્ટ્રેટેજી ઘડવા પાછળ ઘણો સમય વ્યતીત કરે છે. અંતમાં તેઓ એક ઉત્તમ આયોજન સાથે ઉત્તમ પરફોર્મન્સ આપીને પોતાનો ધ્યેય હાંસિલ કરે છે. એવરેજ લોકો માત્ર પોતાના વેકેશનનું આયોજન કરવામાં સમય વ્યતિત કરે છે. જયારે ચેમ્પિયન્સ દરરોજ તેનો સમય કેવી પ્રવૃતિઓ પાછળ વ્યતિત કરશે તેનું ચોક્કસ આયોજન કરે છે અને તે મુજબ કામ પણ કરે છે. તેઓ સતત વધુને વધુ ઉત્તમ આયોજન કરવાના પ્રયત્નો કરતા રહે છે.

માનવીનું મન એક નદીના પાણી જેવું છે. તેમાં સતત અનેક વિચારો વહેતા રહે છે.મહાન લોકોને તેના વિચારોને એક ઉત્તમ વ્યવસ્થાતંત્રમાં ગોઠવતા આવડે છે તેમજ પોતાના વિચારોને સાચી દિશામાં વાળતા પણ આવડે છે. તેઓ પોતાના સપનાઓ અને ધ્યેયોને સતત એક મૂર્તિની જેમ ઓપ આપતા રહે છે. તેઓ તેના ધ્યેય પ્રત્યે ખૂબ જ સ્પષ્ટ હોય છે. તેઓ સતત સજાગ રહીને જીવનરૂપી તકની રમત રમતા રહે છે. તેઓ રમતના કોઈપણ લેવલે હોય તો પણ હાર માનતા નથી.

ફૂડ ફોર થોટ

તમારા મનનું વ્યવસ્થાતંત્ર કેવું છે - તેને ૧ થી ૭ના સ્કેલ પર માપો. બીજા શબ્દોમાં કહીએ તો તમારું મન ધ્યેયો પ્રત્યે કેટલું સ્પષ્ટ છે, તમરી રોજબરોજની પ્રવૃતિઓમાં તમે કેટલા શિસ્તબદ્ધ છો, તમારા મનના વિચારોનું આયોજન કેવું છે - આ બધી જ બાબતોને ૧ થી ૭ના સ્કેલ પર માપો. જો તમારો સ્કોર પાંચ કરતા ઓછો હોય તો તમારા ધ્યેયોને ફરીથી ચકાસવાની જરૂર છે. તમારે ખરેખર શું જોઈએ છે અને કેવી રીતે જોઈએ છે તે જાણો અને એક ચોક્કસ ધ્યેય નક્કી કરો. જેમ એક કંપનીમાં ચોક્કસ માળખું હોય તે જ રીતે તમારા મનમાં પણ એક ચોક્કસ માળખાની રચના કરો. તમારા જીવનની પ્રાયોરીટી કઈ છે તેના પર ધ્યાન આપો. મન ફાવે તે રીતે કામ ન કરો. આયોજનપૂર્વક કામ કરો.