બોલ્ડ હોવું તમારા વ્યક્તિત્વ સાથે જ જોડાયેલું છે? કે પછી તેનો સંબંધ તમારી કારકિર્દી – તમારી નોકરી, ધંધો સાથે પણ છે? ખરેખર બોલ્ડ હોવું એટલે શું? – તમારા વિચારો ખુલ્લા મને રજૂ કરવા? ખોટા નિર્ણયોની સામે તમારો અવાજ કરવો? માનસિકતામાં બદલાવો લાવવા? વિચારોમાં બદલાવ લાવવા? આત્મવિશ્વાસથી ભરપૂર હોવું? – બધાની વ્યાખ્યા અલગ હોય છે.
આજના સિક્રેટમાં એક એવા જ ગુણની વાત કરવી છે – જે મોટાભાગના સફળ લોકોમાં જોવા મળે છે – આ ગુણ છે – બોલ્ડ હોવું – પોતાના વિચારો રજૂ કરવામાં ક્યારેક ન અચકાવું. ચાલો હવે એ પણ જાણી લઈએ કે ચેમ્પિયન બોલ્ડ શા માટે હોય છે? – તેનાથી ફાયદો શું થાય છે? તેમજ એવરેજ લોકો બોલ્ડ ન બને તો શું ગુમાવશે?
ચેમ્પિયન કેવા હોય?
મોટાભાગના ચેમ્પિયન્સ બોલ્ડ હોય છે. તેનામાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે. તેઓ કોઈના નકારાત્મક દ્રષ્ટિકોણની પરવા કરતા નથી. જયારે ચેમ્પિયન્સ બધા લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ તેની ટીમને પ્રોત્સાહન આપવામાં ધ્યાન આપે છે. તેઓ તેના લીડર્સ અને તેના ધંધાકીય માર્કેટને પ્રભાવિત કરવામાં ધ્યાન આપે છે. ચેમ્પિયન્સ એવરેજ લોકોના મતને ધ્યાનમાં લેતા નથી. ઘણીવાર ચેમ્પિયન્સ પોતાના મન પરથી કાબૂ ગુમાવી બેસે છે અને ઉદ્ધત બની જાય છે. આવા સંજોગોમાં તેના મેન્ટર ચેમ્પિયન્સને સાચા રસ્તા પર લાવે છે.
એવરેજ લોકોની ભૂલ શું?
એવરેજ લોકોને સતત એવો ડર હોય છે કે - લોકો તેને પસંદ કરશે કે નહિ. લોકો તેને આદર - સન્માન આપશે કે નહિ. ચેમ્પિયન્સના મતે એવરેજ લોકો ખૂબ આળસુ હોય છે. બોલ્ડ બનવા અને ઉદ્ધત બનવા વચ્ચે લાંબો તફાવત છે.
શું કરવું જોઈએ?
ચેમ્પિયન્સ હંમેશા પોતાની જાતને મોટીવેટ કરતા રહે છે. તેઓ સતત પોતાની જાતને કહે છે - "હું હજુ થોડી મહેનત કરીશ એટલે મારા ધ્યેયની નજીક પહોંચી જઈશ. હું જીતની નજીક જ છું." એવરેજ લોકો બીજા લોકો આવીને તેને મોટીવેટ કરે તેની રાહ જોતા હોય છે. ચેમ્પિયન્સ માટે મોટીવેશન સફળતાની સીડીનો એક ભાગ છે. તમારા વિચારોમાં નાનો એવો ફેરફાર તમારા જીવનના પરિણામો બદલી શકે છે.
ઘણીવાર નાનો એવો માઈન્ડસેટનો બદલાવ તમારા નિર્ણયો બદલાવી નાખશે, તમારા દૃષ્ટિકોણ બદલાવી નાખશે, તમારા વિચારો પણ બદલાશે.
તમે નોકરી કરતા હો કે તમારા ધંધામાં પણ લોકો સાથે બોલ્ડ બનતા શીખો. જો તમે તમારા વિચારો જ લોકો સામે મૂકી નહીં શકતા હો તો પછી નિર્ણયોનો કાબૂ પણ તમારા હાથમાં નહીં હોય. તમે પોતે બોલ્ડ હશો
ફૂડ ફોર થોટ
આજથી જ બોલ્ડ બનવાનું શરુ કરો. તમારા નિર્ણયો પ્રત્યે મક્કમ રહો. નિખાલસ રહો. તમારા ડરને એક દિવસ માટે રજા આપી દો. નિષ્ફળતા શબ્દને જ ભૂલી જાવ. એક દિવસ માટે આ પ્રકારની માનસિકતા રાખીને જીવો. અહી એક વાત ખાસ યાદ રાખવા જેવી કે તમારી બોલ્ડ બનવાની ખરી વ્યાખ્યા શું છે? કારણ કે ઘણીવાર બોલ્ડ અને રૂડ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે – જે ઘણા લોકો ચૂકી જતા હોય છે. તેથી તમારા બોલ્ડ વર્તન પ્રત્યે સજાગ રહો તે પણ એટલું જ જરૂરી છે. દિવસના અંતે તમારા વિચારો અને લાગણીઓને ચકાસો. જો તમને આ પ્રવૃત્તિ ફાયદાકારક લાગે તો ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિ અપનાવો.