બીજાને જાણવા કરતા સ્વને જાણો!

KNOW YOURSELF.jpg

એક બહુ જુનું ગીત છે – “કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે કહેના.” આ ગીત તો તમે ઘણીવાર સાંભળ્યું હશે પણ તે ગીતના શબ્દો જીવનમાં ઉતારવા અઘરા લાગે છે. માનવજાતિને પોતાનો અંતરઆત્મા શું કહે છે તે સાંભળવા કરતા બીજા લોકો તેના વિશે શું કહે છે તે જાણવું વધુ ગમે છે. જો કે ચેમ્પિયન આવી માનસિકતા નથી ધરાવતા. એવરેજ લોકો બીજા તેના માટે સારો અભિપ્રાય આપશે તો ખુશ થઇ જશે અને ખરાબ અભિપ્રાય આપશે તો દુઃખી થઇ જશે. જયારે ચેમ્પિયન અભિપ્રાય તો બધા લોકોના સાંભળશે પણ વિચલિત કોઇપણ અભિપ્રાયથી નહી થાય. તેમજ કોઇપણ વ્યક્તિનો અભિપ્રાય પોતાના પર હાવી પણ નહી થવા દે. ચેમ્પિયન એક જ માનસિકતા અનુસરે છે:

“જો તમે તમારી જાત માટેના અભિપ્રાયમાં સ્પષ્ટ હશો તો તમે અનેક લોકોને પ્રેરણા આપી શકશો.”

આજના સિક્રેટમાં તમારી સાથે સ્વ વિશે સ્પષ્ટતા હોવી કેટલી જરૂરી છે તેની જ વાત કરવી છે. મોટાભાગના લોકો બીજા લોકોને સમજવામાં, બીજા લોકોને સમજીને પોતાની જાતને બદલવામાં વ્યસ્ત હોય છે. જયારે ચેમ્પિયન થોડા અલગ હોય છે. તેઓ પોતાની જાત વિશે વિચારે છે. પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરે છે. તેનામાં અનોખો આત્મવિશ્વાસ હોય છે. ચેમ્પિયન માનસિકતા ધરાવનાર લોકોને તમે આરામથી ઓળખી શકશો. તેઓની વાણી, વર્તન અને વિચારમાં ઘણો ફર્ક હોય છે. લોકો જયારે  ટોની રોબીન્સને સાંભળે કે પછી રોબીન શર્માને – આ બધા જ લોકો અન્યને પ્રેરણા આપી શકે છે. તેઓની વાતની છટા જ એવી છે. તેઓનો આત્મવિશ્વાસ ગજબનો છે. આ પ્રકારના ચેમ્પિયન બીજા તેના વિશે શું વિચારે છે તેના પર ધ્યાન આપતા નથી. તેઓ પોતાના કામ પર જ ધ્યાન આપે છે.

ચેમ્પિયન માનસિકતા ધરાવનારા લોકો હંમેશા ઉત્સાહમાં હોય છે. તેઓ હંમેશા કંઇક ને કંઇક નવું શીખતા રહે છે. તેઓ ક્યારેય જીવનથી થાકતા નથી. તેઓ પોતાના ધ્યેયો પૂરા કરવા માટે સખ્ત મહેનત કરે છે. તે તેની ઇચ્છાઓને પૂરી કરવા માટે સ્વ શિસ્તનું પાલન કરે છે. આવું બધું ત્યારે જ થઇ શકે જયારે તમે તમારી જાતને સારી રીતે ઓળખી શકતા હો.

તમને ખબર હોવી જોઈએ કે તમારે જીવનમાં શું હાંસિલ કરવું છે, શા માટે હાંસિલ કરવું છે અને તે હાંસિલ કરવા માટે તમે શું કરી શકો છો? આવા સમયે તમે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે તે જાણવા પર ધ્યાન આપશો તો ક્યારેય નહી આગળ વધી શકો. એવરેજ લોકો પોતાના જીવનનો હેતુ શોધવા માટે અને તેના પર કામ કરવા માટે બહુ સમય વ્યતીત કરતા નથી. તેઓ પોતાની નવ થી પાંચની નોકરીથી ખુશ હોય છે. તેઓને જીવનનો હેતુ શોધીને પોતાનું જીવન સાર્થક કરવામાં કોઈ જ રસ નથી હોતો. તેઓ તેના જીવનનો મોટાભાગનો સમય મનોરંજન કરવામાં અને જીવન એક ઘરેડની જેમ જીવી નાખવામાં વિતાવી દે છે.

જયારે ચેમ્પિયન ક્યારેય આ રીતે જીવી શકતા નથી. તેઓ પોતાની આવડત, સમય અને સપનાઓની કદર કરે છે. તેઓ પોતાના જીવનમાં આવતી દરેક પરીસ્થિતિનો સામનો કરે છે. તેઓ પોતાની જાતને વધુ સારી બનાવવા માટે મહેનત કરે છે. જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો એક સત્ય સમજી લો – તમારી જાતને ઓળખશો તો સફળ થઇ શકશો. બીજાની દુનિયામાં ડોકિયા કરવા કરતા તમારી જાતમાં ડોકિયું કરો. તમારી જાતને સ્વીકારો. તમારી જાતમાં જરૂરી બદલાવો લાવો. એકવાર સ્વને જાણી લેશો પછી દુનિયા જીતવી વધુ સહેલી બની જશે.

ફૂડ ફોર થોટ

જો તમારે સ્વને ઓળખવી હશે તો તેના માટે મહેનત કરવી પડશે. ગંભીરતા દાખવવી પડશે. અત્યારે તમારા જીવનને અને તમારી જાતને ૧ થી ૧૦ નંબરમાં આંકો. તમે તમારી જાતને ઓળખવા માટે અને  તમારે જેવું જીવન જોઈએ છે તેવું જીવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છો? જો તમારામાં જ સફળ થવાની ઈચ્છા નહી હોય તો ગમે તેટલા મોટીવેશનના પુસ્તકો વાંચી લેશો કે લોકોને સાંભળી લેશો તો પણ સફળતા હાંસિલ નહી કરી શકો.