પ્રેમ વિશે તમારું શું માનવું છે?
તમે જીવનમાં જે કંઈપણ પ્રવૃત્તિ કરો છો - જે કોઈપણ સપનાઓ જૂઓ છો તે બધામાં એક તત્વ સામાન્ય છે - પ્રેમ. પ્રેમ નામક લાગણીનું મૂલ્ય અનોખું છે. માનવીનું જાગૃત મન બે પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે - અભિમાન અથવા પ્રેમ.
એવરેજ લોકો પોતાના જીવનમાં અભિમાનને સ્થાન આપે છે. તેઓ પોતે જ સાચા છે એવો ફાંકો રાખે છે. તેઓ જીવનના ખેલને અભિમાનનો ખેલ જ માને છે. તેઓ એવું માને છે કે તેઓ પોતાની મહેનત અને વિચારોને કારણે જ સફળ છે. તેઓ તેની સફળતા માટે અન્ય કોઈને જશ આપતા નથી.
ખરેખર શું મહત્વનું છે? – પ્રેમ કે અભિમાન?
જયારે વર્લ્ડક્લાસ લોકો જાણે છે કે દરેક સફળતા પાછળ બે લાગણીઓ જવાબદાર છે - પ્રેમ અને વિનમ્રતા. તેઓ જાણે છે કે પ્રેમની રચના યુનિવર્સે કરી છે. જયારે અભિમાનની રચના માનવીએ કરેલી છે. સ્વમાન અને અભિમાનમાં બહુ મોટો તફાવત છે. માનવી પોતે અંદરથી ખોખલો છે તે છુપાવવા માટે અભિમાનનો સહારો લે છે.
અભિમાન અંગેની ખોટી માનસિકતા
ઘણા લોકો પોતાની જાતને બીજાથી ઉતરતા માને છે. તેથી તેઓ અભિમાન અને ગર્વથી પોતાની ખોખલી જાતને છુપાવે છે. મહાન લોકો માટે પ્રેમ અને સંતોષની લાગણી જ સાચી સફળતા છે. અન્ય લોકોના પ્રેમ અને સપોર્ટ વગર જીવનમાં સફળતા મળતી નથી. તેઓ જાણે છે કે એકલા સફળતાની જંગ ન જીતી શકાય. તેથી જ તેઓ બધા લોકોનો સહારો પણ લે છે અને બધા પ્રત્યે કૃતજ્ઞભાવ પણ રાખે છે. તેઓની પ્રેમ અને કૃતજ્ઞ ભાવનાને કારણે જ તેઓ વધુને વધુ સફળતાના શિખરો સર કરતા જાય છે. તેઓ સફળતાની વાત આવે ત્યારે માત્ર પોતાની જાતને જ જશ નથી આપતા. તે જાણે છે કે તેની પાછળ અનેક પ્રકારની પરિસ્થિતિઓ, લોકો, તેની મહેનત, તેના પ્રયત્નો જવાબદાર છે.
પ્રેમ શું છે?
પ્રેમ એક તાકાત છે. જો તમારી પાસે પણ આ તાકાત હશે તો તમારું ટેલેન્ટ નીખરતું જશે. તમને સફળ બનતા અટકાવી શકે તેવી એક જ લાગણી છે - અભિમાન. અભિમાન અને ડર નિષ્ફળતા તરફ લઇ જનાર લાગણીઓ છે. જયારે અભિમાન દરવાજો ખટખટાવે ત્યારે મહાન લોકો દરવાજો ખોલતા જ નથી. તેઓ એક જ લાગણીને આવકારે છે - પ્રેમ. તેઓના જીવનમાં અભિમાનને કોઈ સ્થાન હોતું નથી. તેઓ માત્ર કૃતજ્ઞતાની લાગણી અનુભવે છે.
નવશિખીયા લીડર્સને એવું અભિમાન હોય છે કે તેની સફળતા માટે તે એક જ જવાબદાર છે. આ માનસિકતાથી માનવીના મનમાં અભિમાન સિવાય કઈ વધતું નથી. આ અભિમાન જ તેઓને નિષ્ફળતાની સીડી તરફ લઇ જાય છે.
ફૂડ ફોર થોટ
તમારી માનસિકતા પ્રત્યે સજાગ બનો. તમારી જાતને થોડી થોડી કલાકે નીચેનો પ્રશ્ન પૂછો:
"શું હું હાલમાં અભિમાનને હાવી થવા દઈ રહ્યો છું કે પ્રેમની લાગણીને?"
આ પ્રશ્નનો જવાબ જ તમારા વર્તનનો અરીસો હશે. તમે કોઈપણ મુશ્કેલી, લોકો કે જીવન પ્રત્યે કેવું વલણ રાખો છો તેની પાછળ તમારી માનસિકતા જવાબદાર છે. જો તમે દુનિયાને અભિમાનના નજરિયાથી નહિ પરંતુ પ્રેમના નજરિયાથી જોશો તો જીવન અને દુનિયા વધુ સુંદર લાગશે. આમ તો તમને આ પ્રવૃત્તિ કરવી અજીબ લાગશે કારણ કે દિવસ દરમિયાન તમે અનેક લોકો સાથે કામ કરતા હો છો, અનેક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થતા હો છો – ત્યારે આ પ્રવૃત્તિ તમને યાદ પણ ન આવે. જરૂરી નથી કે તમે દરેક વખતે આ પ્રશ્ન પૂછો – જયારે તમે કોઈ મહત્વનો નિર્ણય લઇ રહ્યા હો કે જે તમારી કારકિર્દી અને જીવન સાથે જોડાયેલો હોય ત્યારે આ પ્રશ્ન ખાસ પૂછો. તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે.