પાછળ જોવું પણ જરૂરી ખરું!
જો તમે બોલીવુડના ફેન હો તો તમને શાહરૂખ ખાન ગમતો હોય તેવી શક્યતાઓ ખરી. તેમાં પણ જો તમને ખરેખર શાહરૂખ ખાન ગમતો હશે તો તમે જરૂરથી તેની પાછલી જિંદગી વિશે પણ જાણતા હશો. કઈ રીતે એક નાની સર્કસમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આજે બોલીવુડનો બાદશાહ કહેવાય છે. તેણે પણ શરૂઆત તો નાની જ કરી હતી. હજુ મહત્વની વાત – શરૂઆત તો કરવાની હિંમત કરી ને!
ચેમ્પિયન એ જ વ્યક્તિ બની શકે છે કે જે પોતાના સપના પૂરા કરવા માટે શરૂઆત કરી શકે. એટલું જ નહી – જીવનના સફળતાના મુકામો હાંસિલ કરી લીધા બાદ પણ પોતાની શરૂઆત ન ભૂલે. કારણ કે તમે જ્યાં સુધી અને જેવી રીતે શરૂઆત કરો છો તે ક્યારેય ભૂલો નહી.
હવે તમને એમ થશે કે આ બધી વાતો તો ઘણીવાર સાંભળેલી અને સમજેલી છે. તેને ચેમ્પિયન બનવા સાથે શું લેવા-દેવા? બસ તેની જ વાત આજે સિક્રેટ નંબર ૨૨માં કરવી છે.
તમને એક વાત તો સમજાઈ ગઈ હશે કે જીવનનો કોઇપણ તબક્કો હોય – એક વાર તો એકડો ઘૂંટવો પડે છે. પણ શરૂઆત કરી દેવું પુરતું નથી. તેમાં આગળ વધતું રહેવું પડશે. હવે ઘણા વાંચકોની સફળતા મેળવવા માટેની દલીલ અલગ હશે –
“મોટી કંપનીમાં નોકરી, વધુ પગાર અને સારી કોલેજમાં ભણતર હોય તો જ સફળ થઇ શકાય.”
આ વ્યાખ્યા ખોટી છે. ચેમ્પિયન બનવા માટે તમારી પાસે ઉપર મુજબનું કંઈપણ નહી હોય તો પણ તમે ચેમ્પિયન બની જ જશો. ચેમ્પિયન બનવાની ઈચ્છા અને મહેનત કરવાની તલપ હોવી જોઈએ. તેથી તમારી જાતને આવા બધા બહાના આપવાનું બંધ કરો અને સફળતા તરફ આગળ વધવા લાગો.
ચેમ્પિયન બનવું એ કોઈ રાતોરાતની વાત નથી. જયારે કોલસો ઘસાઈ ઘસાઈને હીરો બનશે ત્યારે જ તેની કદર થશે. જો તમારે પણ ચેમ્પિયન બનવું હશે તો દરેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડશે. સારા, ખરાબ, મીઠા અને કડવા. – બધા જ અનુભવો.
હા, અહી તમે એક ચતુરાઈ વાપરી શકો – જરૂરી નથી કે તમે જ બધા અનુભવો કરો. જીવનની ઘણી બાબતો બીજાના અનુભવોમાંથી શીખી લેવાની હોય છે. તેથી સમય પણ બચે છે અને નુકસાની પણ નથી થતી. પણ હા, અનુભવોમાંથી પસાર થવું તે એક શરત જરૂરથી છે.
ઘણીવાર લોકો અનુભવોમાં એટલા ખોવાઈ જાય છે કે તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી. અનુભવોમાંથી શીખવાનું છે. પછી તે સારો હોય કે ખરાબ. – તે અનુભવો પકડીને બેસી રહેવાનું નથી. તેથી મુવ ઓન થતા શીખો.
ત્રીજી મહત્વની વાત છે – ઉપકારની ભાવના. તમે જીવનમાં તરત જ આગળ વધી જતા નથી. તમારી સફળતા પાછળ અનેક અનુભવો અને અનેક લોકો જવાબદાર હોય છે. તેથી જીવનના દરેક તબ્બકામાં મળતા લોકોનો આભાર માનતા રહો. ઉપકાર માનવા માટે તમારા યોગ્ય ભાષાનો ઉપયોગ કરતા પણ શીખવો પડશે.
મહત્વની વાત સમજવાની એ છે કે તમારી શરૂઆતને ક્યારેય ભૂલો નહી. તમારો ભૂતકાળ જ તમને ઘણીવાર મોટીવેટ કરી દેશે. તેથી હંમેશા આગળ વધતા રહો.
ફૂડ ફોર થોટ
દરરોજ ૧૦ મિનીટ માટે તમારા ભૂતકાળને યાદ કરો. તમારા મનમાં ટહેલ કરવા માટે નીકળો. જેથી કરીને તમને જીવનમાં આગળ વધતું રહેવા માટે મોટીવેશન મળતું રહે.
આભાર
દર્શાલી સોની