આમ તો મોટાભાગના લોકો એ જ કહેશે જે તે વર્ષોથી વાંચતા અને સાંભળતા આવ્યા છે – નિષ્ફળતામાંથી શીખો, નિષ્ફળતાથી હતાશ ન થાવ, તેને સફળતા તરફનું એક ડગલું માનો અને આવું તો ઘણું બધું. પણ શું આપણે ખરેખર આવી માનસિકતાઓને અપનાવી શકીએ છીએ કે પછી નાની એવી મુશ્કેલી કે નિષ્ફળતાથી પણ આપણા માથાના વાળ ખેંચવા લાગીએ છીએ? તેની જ વાત આજના સિક્રેટમાં કરવી છે. નિષ્ફળતાની વાત આવે ત્યારે લીડરશીપ પણ સાથેસાથે વણાઈ જ જાય. તો તેનાથી જ શરૂઆત કરીએ:
લીડરશીપ કેવી હોવી જોઈએ?
સામાન્ય રીતે બે પ્રકારના લીડર્સ હોય છે: એક કે જે તેના કર્મચારીઓના મનમાં ડર પેદા કરે છે. બીજો લીડર કે જે તેના કર્મચારીઓના મનમાં પ્રેમની લાગણી પેદા કરે છે. પહેલા પ્રકારનો લીડર રાજકારણ કરીને અને લોકોને ડરમાં રાખીને નેતૃત્વ કરે છે. જયારે બીજા પ્રકારનો લીડર પોતે પણ નીડર હોય છે અને તેના કર્મચારીઓને પણ નીડર બનાવે છે. બે જુદી પ્રકારની માનસિકતા ધરાવતા લીડર્સ જુદી જુદી રીતે નેતૃત્વ કરે છે. ચાલો આ વાતને અમેરિકાના કોર્પોરેટ કલ્ચરના ઉદાહરણથી સમજીએ:
અમેરિકાની એક કંપનીનો સેલ્સ મેનેજર તેના કર્મચારીઓને પોતાના મિત્રો બનાવી દે છે. તે સેલ્સ મેનેજરને મિત્રતાના સંબંધો વિકસાવવામાં રસ હોય છે. જયારે બીજો સેલ્સમેનેજર લાગણીની પળોજણમાં ન પડતા તેના દરેક કર્મચારીઓને ચેમ્પિયન કેમ બનાવવા તેના પર ધ્યાન આપે છે.
કેવા લીડર્સ ન હોવા જોઈએ?
અમુક લીડર્સ એવા હોય છે કે જે જોહુકમી કરવામાં માને છે. તેઓ તેના કર્મચારીઓના દ્રષ્ટિકોણ જાણવામાં રસ દાખવતા નથી. જયારે ઉત્તમ લીડર હિટલર પણ નથી બનતા અને મધર ટેરેસા પણ નથી બનતા. ઉત્તમ સેલ્સ લીડરના માત્ર બે જ ધ્યેય હોય છે: સેલ્સ વધારવું અને લોકોને ચેમ્પિયન્સ બનાવવા. આવા લીડર્સ ઘણીવાર અળખામણા બની જાય છે. કારણ કે તેઓ તેના કર્મચારીઓને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જ લીડર જયારે કોઈ ટીમનો સભ્ય હતાશ થઇ જાય ત્યારે તેને મોટીવેટ કરીને ફરી કામ કરવા પ્રેરે છે.
તમે આ માનસિકતા અપનાવી શકો?
જેમ નાનું બાળક ગમે તેવી પરિસ્થિતિમાં અનુકુળ થઇ જાય છે તે જ રીતે ઉત્તમ લીડર્સ ગમે તેવી અઘરી પરિસ્થિતિને પોતાને અનુકુળ બનાવી લે છે. તેઓ દરેક વ્યક્તિમાંથી કંઇક ઉત્તમ બહાર આવે તેવી શોધમાં હોય છે. ઘણીવાર તે તેના કર્મચારીઓને ઉત્તમ બનાવવા માટે આકરું વલણ પણ અપનાવે છે.
ઘણીવાર આ જ લીડર નિખાલસ અને પ્રેમાળ પણ બની જાય છે. ચેમ્પિયન્સ હંમેશા તલવારની ધાર પર ચાલતા હોય છે. તેઓ તેનો ધ્યેય હાંસિલ કરવા માટે ગમે તેવું જોખમ ઉઠાવવા પણ તૈયાર હોય છે. તેઓને નોકરીમાંથી નીકાળી દેવામાં આવે તો પણ તેઓ હાર માનતા નથી.
તેઓ હંમેશા તેની ટીમને આગળ વધારવા માંગતા હોય છે. તેઓ તેની ટીમમાં એક હકારાત્મક બદલાવ જોવા માંગતા હોય છે. તેઓ તેની ટીમની નિષ્ફળતા માટે પોતાની જાતને જવાબદાર માને છે. વર્લ્ડક્લાસ લીડર્સના પોતાના મુલ્યો, વિચારો અને માન્યતાઓ હોય છે. તે કોઈપણ હાલતમાં તેના વિચારો પર ટકેલા રહે છે. જો કોઈપણ કંપની તેની લીડરશીપ સમજી ન શકે અને તેને કાઢી મૂકે તો પણ તેઓ હતાશ થતા નથી. તેને પોતાની આવડત પર પૂરતો ભરોસો હોય છે. મહાન લોકો માટે હંમેશા બધા જ દરવાજા ખુલ્લા જ હોય છે. તેથી જ તેઓ ક્યારેય હાર માનતા નથી.
ફૂડ ફોર થોટ
જો તમે લીડર કે મેનેજર કે કોચ હો તો નીચેનો પ્રશ્ન તમારી જાતને પૂછો:
૧ હું પ્રેમ કે ડર - કઈ લાગણીથી પ્રેરાઈને નેતૃત્વ કરું છું?
૨ હું - લોકો મને પસંદ કરે તેના પર ધ્યાન આપું છું કે ઉત્તમ લીડર બનવા પર ધ્યાન આપું છું?
૩ શું મારામાં દરેક વ્યક્તિમાંથી કંઇક ઉત્તમ શોધીને તેને ચેમ્પિયન બનાવવાની આવડત છે?
૪ હું અઘરી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરું છું?
૫ હું સ્વ સ્વાર્થને મહત્વ આપું છું કે ટીમને મહત્વ આપું છું?