નાણાનો ઉપયોગ સાધન તરીકે કરો. તેને સર્વસ્વ ન માનો.

champion board.jpg

તમે નાણા વિશે શું વિચારો છો? નાણા એક જરૂરિયાત છે? નાણા સફળતા હાંસિલ કરવા માટે જરૂરી છે? નાણા થકી તમે ધારો તે હાંસિલ કરી શકો છો? નાણા વગર બધું જ નકામું છે? નાણા એક સાધન માત્ર છે? નાણા એક માયા છે? નાણા મેળવવા તમે ખૂબ જ મહેનત કરશો કે સહેલો રસ્તો અપનાવશો? – તમારો નાણા અંગેનો વિચાર કોઇપણ હોઈ શકે. પણ જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો નાણા વિશે એક ચોક્કસ દ્રષ્ટિકોણ કેળવતા શીખવું પડશે. આજના સિક્રેટમાં તમારે નાણા માટે કેવી માનસિકતા રાખવી જોઈએ તે જ આપણે શીખવાના છીએ. તો શરુ કરીએ:

ચેમ્પિયનની માનસિકતા

એવરેજ લોકોને હંમેશા એવું લાગે છે કે જો તેઓ સમૃદ્ધ હશે તો જ તે ખુશ રહી શકશે. તેના માટે નાણા એ જીવનનું સૌથી મોટું લક્ષ્ય હોય છે. તેથી તેઓ વધુને વધુ નાણા કમાઈને તેમાંથી સંતોષ અને ખુશી પામવાનો પ્રયત્ન કરે છે. પણ તેવું ખરેખર થતું નથી. ચેમ્પિયન એવરેજ લોકો કરતા થોડા અલગ હોય છે. તેઓ સમૃદ્ધિની શોધમાં નથી, તેઓ વિકાસની શોધમાં છે. તેઓ નાણાને સર્વસ્વ માનતા નથી. તેઓ નાણાને એક સાધન માત્ર માને છે. તેના માટે ખુશીનું મૂળ નાણા નથી. તેના માટે સ્વ વિકાસ વધારે મહત્વનો છે. તેઓને સતત નવું નવું શીખવું ગમે છે, આગળ વધવું ગમે છે. તેને નાણા મળે તો જ સંતોષની લાગણી અનુભવાય તેવું નથી. તેઓ સ્વ વિકાસ, સફળતા અને નાણા આ બધાથી સંતોષની લાગણી અનુભવે છે.

ઘણા એવરેજ લોકો એવું માને છે કે જો તેઓને પૂરતા નાણા મળી જશે તો તેઓને મનની શાંતિ મળી જશે. હકીકતમાં એવું થતું નથી. ઘણીવાર તો ઉલટું થાય છે. વધુ પડતા નાણા આવી જાય તો લોકો વધુ પડતા તણાવમાં આવી જાય છે. ઘણા લોકોને નાણાનો સાચો ઉપયોગ કરતા ના આવડતું હોય તેથી પણ તેઓની મનની શાંતિ છીનવાઈ જાય છે. જયારે ચેમ્પિયન ક્યારેય પણ તેની શાંતિ માટે નાણા પર આધાર રાખતા નથી. તેઓ એવી પ્રવૃત્તિઓ શોધે છે જેનાથી તેઓના મનને શાંતિ મળે અને સંતોષની લાગણી અનુભવાય.

ચેમ્પિયન એ વાત સારી રીતે સમજે છે કે સંતોષ અને શાંતિની લાગણી નાણા સાથે જોડાયેલ નથી. તે તો એક માનસિકતા છે. જો તમે તમારા વિચારો અને લાગણીઓ પ્રત્યે સજાગ હશો તો તમે દુનિયાના કોઇપણ છેડે, કોઇપણ પ્રવૃત્તિ કરીને પણ શાંતિ મેળવી શકશો.

ચેમ્પિયનના સિદ્ધાંતો

સૌથી પહેલા તો ચેમ્પિયન તેના સમય અને એનર્જીનો સાચી દિશામાં ઉપયોગ કરે છે. તેઓ વ્યર્થ બાબતમાં પોતાના જીવનનો અમૂલ્ય સમય બગાડતા નથી. તેથી તેઓને નાણા હાંસિલ કરવા તે બહુ અઘરું કામ નથી લાગતું. તેઓ એ વાત સારી રીતે જાણતા હોય છે કે કઈ દિશામાં તેની એનર્જીનો સાચો ઉપયોગ કરવામાં આવે તો સફળતા હાંસિલ કરી શકાય છે.

તેઓ પોતાના આનંદ માટે નાણા પર આધારિત રહેતા નથી. તેઓ તેની ગમતી પ્રવૃત્તિઓ કરીને આનંદ મેળવે છે. તેઓ સતત શીખતા રહે છે. તેઓ પોતાના કામમાં સંતોષની લાગણી શોધે છે. તેઓ કામના પરિણામ પર પોતાની ખુશી અને સંતોષનો આધાર રાખતા નથી. તેઓ કામની પ્રોસેસમાં જ ખુશ હોય છે.

ચેમ્પિયન “કોઝ એન્ડ ઈફેક્ટ – કારણ અને અસર”ના સિદ્ધાંતને અનુસરે છે. તે સારી રીતે તેના અર્ધજાગૃત મનની શક્તિના પ્રભાવ વિશે જાણે છે. તેને ખબર છે કે જેવા તેના વિચારો હશે, તેવા તેના એક્શન હશે અને તે એક્શન મુજબના જ તેઓને પરિણામ મળશે. તેથી જ તેઓ હંમેશા હકારાત્મક વિચારોને મહત્વ આપે છે. તેઓ નકારાત્મક વિચારોને પોતાના પર હાવી થવા દેતા નથી.

ભૂલ ક્યાં થાય છે?

જે લોકો માટે નાણા જ સર્વસ્વ છે તે લોકોને તમે ગમે તેટલા નાણા આપી દો તો પણ તેઓને સંતોષનો અનુભવ થતો નથી. તેના મનમાં સતત વધુને વધુ નાણા કમાવવાની જ ચાહ હોય છે. તેઓ માટે નાણા જ સર્વસ્વ છે. તેઓ એ નથી સમજી શકતા કે નાણા એક સાધન માત્ર છે. તેનાથી જ તમને સંતોષ મળે તેવું જરૂરી નથી. જયારે ચેમ્પિયન નાણા અને પરિણામ કરતા પોતાના કામમાંથી ખુશી અને સંતોષ મેળવે છે. તેઓ ક્યારેય નાણાથી પ્રભાવિત થઇ જતા નથી. તેમજ નાણાનો નશો તેના મન પર હાવી થવા દેતા નથી.

નાણા કેવી રીતે મેળવવા?

એવરેજ લોકો માટે નાણા સર્વસ્વ હોય તેનું કારણ એક એ પણ છે કે તેની બધી જરૂરિયાતો નાણાથી જ સંતોષાય તેવું તેને લાગે છે. તેમજ તેઓ પાસે નાણા મેળવવાની સાચી રીત નથી હોતી. તેથી તેઓને નાણા ભેગા કરવાનું કામ અઘરું લાગે છે અને તેઓ તણાવમાં આવી જાય છે. જયારે ચેમ્પિયન નાણા મેળવવાનું કામ સરળ કરી નાખે છે. તેઓ પોતાનું ગમતું કામ કે શોખને જ પોતાના નાણા કમાવવાનું સાધન બનાવી લે છે. હવે કયો માણસ પોતાનું ગમતું કામ કરતો હોય તો પણ દુઃખી થાય? કોઈ નહી. તેથી ચેમ્પિયનને ક્યારેય નાણા મેળવવા અઘરા નથી લાગતા. તેઓ નાણા કમાવવા માટે નથી જીવતા. તેઓ એક સારું જીવન જીવવા માટે નાણા કમાય છે. તેથી જ એવું કહી શકાય કે નાણા એ આખી કેક નથી. પણ તે કેક પરની ચેરી છે. જીવનમાં નાણા સિવાય ઘણું છે જેમાંથી તમે ખુશી હાંસિલ કરી શકો.

ફૂડ ફોર થોટ

તમારી જાતને એક પ્રશ્ન પૂછો,

“હું ખુશી મેળવવા માટે કારણ પર ફોકસ કરું છું કે પરિણામ પર? હું નાણા મેળવવા માટે જ કામ કરું છું કે પછી મારી મનની ખુશી માટે કામ કરું છું?”

આ પ્રશ્નના જવાબ પરથી તમને સમજાઈ જશે કે તમારે તમારી નાણા અંગેની માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે કે નહી?