નફા પ્રત્યેનો ખરો દ્રષ્ટિકોણ કયો?

profit.jpg

મોટાભાગના લોકોની એવી માન્યતા હોય છે કે વધુ નફાની આશા રાખવી એટલે લાલચને આવકારવી. જયારે વર્લ્ડક્લાસ લોકો જાણે છે કે જો નફો વધુ હશે તો નવી તકોને પણ ઝડપી શકાશે. તેમજ કંપનીમાં જે ઇનોવેશન અને સુધારા વધારા કરવાની જરૂર છે તેમાં પણ નાણા રોકી શકાશે. કોઈપણ ધંધાની આત્મા ધંધાનો નફો છે. તેમજ નફો વધે એટલે અનેક પ્રકારની જવાબદારીઓ પણ વધી જાય છે. જો તમે નવશિખીયા લીડર્સની સમક્ષ નફો રજુ કરશો તો તેઓ લાલચુ બનીને ખોટા નિર્ણયો લેવા માંડશે. જયારે આ જ નફો વર્લ્ડક્લાસ લોકોની સમક્ષ રજુ કરવામાં આવે તો હજુ વધુ નફો કેમ કમાઈ શકાય તેના માટે તેઓ સજાગ થઇ જશે. તેમજ હજુ વધુ નફો વધારવા માટેના જરૂરી પગલાઓ લેવા માંડશે.

વર્લ્ડક્લાસ લોકો નફાનું પણ એવી રીતે રોકાણ કરે છે જેથી ધંધાને વધુમાં વધુ ફાયદો થાય. તેના મતે દુનિયાના દરેક ધંધાઓ એકબીજા સાથે જોડાયેલા છે. વર્લ્ડક્લાસ લોકોની ફિલોસોફી ખૂબ જ સરળ છે. "જો તમને કંઈપણ વધુ આપવામાં આવે છે તો સામે અપેક્ષાઓ પણ વધુ જ હશે." જો તમને વધુ સતા આપવામાં આવે તો તેની સાથે અનેક જવાબદારીઓ પણ આવે છે. ધંધાનો મુખ્ય હેતુ નફો ન હોય તેવું બની શકે. પરંતુ ધંધામાં નફા વગર પ્રગતિ શક્ય નથી તે પણ એક સત્ય જ છે. નફા વગરનો ધંધો જ નકામો છે.

જો તમારા ધંધામાં નફો જ નહિ થતો હોય તો ધંધામાં અથવા સમાજમાં કોઈ સારા કાર્ય માટે નાણાની જરૂર હશે ત્યારે તમે કોઈ મદદ નહિ કરી શકો. વર્લ્ડક્લાસ લોકો માત્ર પોતાના ધંધાનું જ નથી વિચારતા તેઓની વિચારસરણી વૈશ્વિક સ્તરની હોય છે. જયારે મિડલ ક્લાસ લોકો આજનો મેચ કોણ જીતશે અને રાજકારણમાં કોણ હારશે - તેવી વાતોમાં સમય બગાડતા હોય ત્યારે વર્લ્ડક્લાસ લોકો દુનિયાને આજ કરતા વધુ સારી બનાવવા માટે કામ કરતા હોય છે. તેઓ સતત ધંધાની અને દેશની પ્રગતિ વિશે વિચારતા હોય છે.

ફૂડ ફોર થોટ

તમારા નફામાંથી થોડા નાણાનું રોકાણ તમારા સમાજમાં કરો. તમે કેટલા નાણા સમાજ પાછળ ખર્ચો છો તે મહત્વનું નથી. સમાજ માટે પણ વિચારવું અને તેના માટે થોડો વધારે નફો કમાવવો - આ વિચારસરણીને અનુસરવાનું શરુ કરી દો. સમય જતા તમને આદત પડી જશે. આ આદતથી તમે સમાજ માટે કંઇક કર્યું તેવી ખૂશી અને સંતોષની લાગણી અનુભવાશે.