તમે “તમને” કેટલું ઓળખો છો?
તમને ખબર છે કે તમને ક્યાં સમયે કામ કરવું ગમે છે અને ક્યાં સમયે તમે કંટાળી જાવ છો? ક્યાં સમયે તમે ઉત્તમ પરફોર્મન્સ આપી શકો છો અને ક્યાં સમયે તમે ખૂબ જ થાકી જાવ છો? ક્યાં સમયે તમે મસ્ત આરામ કરી શકો છો અને ક્યાં સમયે તમને વધુને વધુ કામ કરવાનું મન હોય છે?
જો તમને આ બધા જ પ્રશ્નોના જવાબ ખબર હોય તો તમે તમારી “પરફોર્મન્સ સાયકલ” જાણો છો. દરેક વ્યક્તિની કામ કરવા માટેની એક રીત હોય છે. ચોક્કસ સમય હોય છે. તમારે તમારી પેટર્નને ઓળખતા શીખવાની છે. જેથી કરીને તમે તે પેટર્નને અનુસરીને ઉત્તમ પરફોર્મન્સ આપી શકો. ચેમ્પિયન પોતાની પરફોર્મન્સ સાયકલ સારી રીતે જાણે છે.
આ પરફોર્મન્સ સાયકલ જાણવાથી શું ફાયદો થશે? તમે પેલી વાર્તા સાંભળેલી હશે. એક શિકારીને લાકડું કાપવાનું કામ સોંપવામાં આવ્યું. તે આખો દિવસ કુહાડી લઈને લાકડું કાપતો રહ્યો. અંતમાં તે થાકી ગયો. તેમજ તેણે ધાર્યું હતું તેટલું લાકડું પણ તે કાપી શક્યો નહી. આ જ કામ બીજા શિકારીને સોંપવામાં આવ્યું. તેણે આખો દિવસ સતત લાકડું કાપ્યું નહી. તેણે થોડો સમય પોતાની કુહાડીની ધાર કાઢવામાં પણ વિતાવ્યો. જેથી કરીને તે વધુ અસરકારક રીતે લાકડું કાપી શક્યો.ટ તેણે કામ કરતા કરતા પોતાના શરીરને પણ આરામ આપ્યો. જેથી કરીને તે થાકી ન જાય. આ વાર્તા પરથી તમારે શું શીખવાનું છે?
“રોબોટ ન બનો.”
તમારી આવડત અને સમયનો ઉપયોગ ચતુરાઈથી કરો. તમે રોબોટ નથી. કે જેણે સતત કામ કરતું રહેવાનું છે. આમ પણ જો તમે તમારી જાતને રોબોટ માનશો તો ગમે ત્યારે તમારી બેટરી પૂરી થઇ જશે. તમે ઉત્તમ પરફોર્મન્સ નહી આપી શકો. તેથી તમારી જાતને માનવી જ સમજો. જરૂર પડે ત્યારે તમે પણ રીચાર્જ થઇ જાવ. તેના માટે તમે અનેક રસ્તાઓ અપનાવી શકો છો. જેમ કે –
“સંતુલનનું મહત્વ સમજો”
દરેક વ્યક્તિના જીવનમાં અનુભવોનું મહત્વ સૌથી વધુ હોય છે. એક ચેમ્પિયન તરીકે તમારે તમારા અનુભવોનો યોગ્ય ઉપયોગ કરતા શીખવાનું છે. જેમ કે જીવનના સારા અનુભવો તમને હતાશામાં આશા જગાડશે. તે જ રીતે ખરાબ અનુભવો તમને નિરાશા આપશે. આ સમયે તમારી લાગણીઓને કાબુ કરી લો. નકારાત્મક અનુભવો અને વિચારોને તમારા પર હાવી ન થવા દો. તેમાંથી કંઇક શીખો અને આગળ વધી જાવ. આમ પણ જીવનમાં સંતુલનનું બહુ જ વધારે મહત્વ છે. જેટલું મહત્વ જીવનમાં સુખનું છે તેટલું જ મહત્વ જીવનમાં દુઃખનું પણ છે. સિક્કાની બંને બાજુને આવકારવી જોઈએ. તેથી તમે વધુ મજબુત મનોબળના બની શકશો.
લાગણી અને તર્ક વચ્ચેનું સંતુલન, સુખ અને દુઃખ વચ્ચેનું સંતુલન, સારા અને ખરાબ અનુભવો વચ્ચેનું સંતુલન, હકારાત્મક અને નકારાત્મક વિચારો વચ્ચેનું સંતુલન, કામ અને આરામ વચ્ચેનું સંતુલન – આ બધું જ જરૂરી છે.
ફૂડ ફોર થોટ
આજે એક પ્રવૃત્તિ કરો. જેને આપણે નામ આપીશું – “લાઈફ બેલેન્સ ચેકઅપ”. જીવનના અલગ અલગ તબક્કાને એક કાગળમાં વહેંચી લો – કારકિર્દી, વ્યક્તિગત જીવન, કુટુંબ, મિત્રો, આધ્યત્મિક. તમને જરૂરી લાગે તે બધા જ તબક્કા તમે ઉમેરી શકો છો. ત્યારબાદ જીવનના દરેક તબક્કામાં કેટલું સંતુલન છે, કઈ પેટર્ન છે. કઈ પેટર્નમાં ફેરફાર લાવવાની જરૂર છે. કઈ પેટર્નને હજુ વધુ સારી બનાવવાની જરૂર છે. તેના પર કામ કરો. આ બેલેન્સ શીટ તૈયાર થઇ જશે પછી તમને સમજાશે કે હવે તમારે જીવનમાં ક્યાં તબક્કામાં કામ કરવાની જરૂર છે.
આભાર
દર્શાલી સોની