તમને કોઈ એમ પૂછે કે સફરજનનો સ્વાદ કેવો હોય? તો તમે શું કહેશો - મીઠો. કેમ તમે તીખો કે કડવો નહી કહો? કારણ કે તમને એક વિચાર શીખવવામાં આવ્યો કે સફરજન મીઠું હોય. તેના પરથી તમે એવો દ્રષ્ટિકોણ બનાવી લીધો કે સફરજન તો મીઠું જ હોય. તેથી તમે સફરજનના બીજા કોઈ સ્વાદ કે પ્રકાર વિશે વિચાર્યું જ નહી. બની શકે ક્યારેક સફરજનનો સ્વાદ ખાટો પણ હોય. કોને ખબર ટેકનોલોજી આગળ વધે અને સફરજનનો સ્વાદ તીખો પણ કરી નાખે.
આ બેતુકી વાત કરવાનો મતલબ એટલો જ છે કે તમે જે વિચારો છો તે જ સાચું છે તેવું જરૂરી નથી. કારણ કે તમારા વિચારો અને દ્રષ્ટિકોણ મર્યાદિત છે. જેને તમે તોડીને નવા વિચારો અને નવા દ્રષ્ટિકોણને જીવનમાં જીવી શકો છો.
પણ માનવીનું મન તેની આસપાસના લોકો અને તેના વિચારો અને વાતાવરણને કારણે મર્યાદિત વિચારો જ કરી શકે છે. તેઓને અમુક બાબતો અશક્ય જ લાગે છે. અમુક બાબતો અવાસ્તવિક જ લાગે છે. પણ તે વાત સાચી નથી. જો તમે chempiચેમ્પિયનની માનસિકતા પર નજર કરશો તો ખ્યાલ આવશે કે તેના માટે કઈ અશક્ય છે જ નહી.
જેમ કે માની લો કે કોઈ ચેમ્પિયન માનસિકતા ધરાવતો વ્યક્તિ હાલમાં વર્ષની ૧૦ લાખની કમાણી કરતો હોય. જો તમે તેને કહો કે આવતા વર્ષે ૧૦૦ લાખની કમાણી શક્ય છે? તેનો જવાબ શું હશે? - "હા કેમ નહી?" તેની બદલે આ જ સવાલ તમે કોઈ એવરેજ માનસિકતાવાળા વ્યક્તિને પૂછો તો? - "શક્ય નથી જ."
હું એમ નથી કહેતી કે ચેમ્પિયન તેની બનાવેલ અવાસ્તવિક દુનિયામાં જીવે છે. તેથી તેની પાસે વિચારોની મર્યાદા નથી હોતી. ચેમ્પિયન એટલા માટે અવાસ્તવિક વિચારી શકે છે કારણ કે તેને ખબર છે કે કોઇપણ વિચારને યોગ્ય દિશા, મહેનત અને બુદ્ધિ થકી હકીકતમાં બદલાવી શકાય છે. તેઓને પોતાની જાત પર જ એટલો વિશ્વાસ હોય છે.
ચેમ્પિયનની હજુ એક માનસિકતા તમને જણાવું. સામાન્ય રીતે તમે કોઈ વ્યક્તિને તમે તેનો ધ્યેય શું છે તે પૂછશો એટલે તે શું કહેશે? - કોઈ કારકિર્દીનો ધ્યેય, કુટુંબનો ધ્યેય, પ્રેમનો ધ્યેય અને ભૌતિક સુખ-સમૃદ્ધિ. વળી જો વ્યક્તિ ધાર્મિક હશે તો એવો પણ કોઈ ધ્યેય ઉમેરી દેશે.
પણ તમે વ્યક્તિના જવાબ ધ્યાનથી સાંભળશો તો સમજાશે કે આ બધા જ ધ્યેયો એક મર્યાદામાં બંધાયેલા હોય છે. તેઓ "થીંક બીગ"ની માનસિકતા અપનાવી જ શકતા નથી. તેઓને ખબર જ નથી કે માન્યતાઓ અને વિચારોની મર્યાદામાંથી બહાર નીકળશો તો બહુ સુંદર અને સફળ દુનિયા જીવી શકો તેમ છો.
જો તમારે "થીંક બીગ"ની વિચારસરણી અપનાવવી હશે તો જૂની માન્યતાઓને તોડવી પડશે. ફરીથી નવા સપનાઓ અને ઇચ્છાઓ વિચારવી પડશે. તમારી એવરેજ માન્યતાઓને બાય બાય કહેવું પડશે. તમને જે અશક્ય અને હાસ્યાસ્પદ લાગતું હોય તેવા વિચારોને સપનાઓ બનાવવા પડશે અને તે હાંસિલ કરવા માટે કામ કરવું પડશે. કારણ કે માત્ર મોટા વિચારો અને સપનાઓ જોવાથી કઈ નહી થાય. મોટું વિચારીને તેનો અમલ પણ કરવો પડશે ને.
માની લઈએ કે તમે "થીંક બીગ"ની વિચારસરણી શીખી ગયા. તો હવે પ્રશ્ન આવે - વિઝનનો. તમારી કારકિર્દીનું વિઝન શું છે? તમારા જીવનનું વિઝન શું છે? તમે જીવનમાં ખરેખર શું હાંસિલ કરવા માંગો છો? - આ બધા પ્રશ્નોના જવાબ એક કાગળ પર લખો. તમારી જાતને અને વિચારોને રોકો નહી. તમારા ખરેખર જે વિચારો અને સપનાઓ અને વિઝન હોય તેના વિશે લખો.
આ વિઝન તમે કોઈને વંચાવશો તો કહેશે કે આ તો અશક્ય છે. આ તો બહુ મોટું વિઝન છે. ત્યારે તમારે જવાબ આપવાનો - "કોની તુલનામાં મોટું વિઝન છે?" આ જવાબ તમને તમારા વિચારો અને સપનાઓ પર ટકી રહેવામાં મદદરૂપ થશે.
વિઝન વિચારી લેવાથી અને લોકોને જવાબ આપી દેવાથી કામ નહી પૂરું થાય. વિઝનને હાંસિલ કરવા માટે એક્શન લેવા પડશે. માસ્ટર પ્લાન બનાવવો પડશે. પછી તેના પર અમલ કરવાનું શરુ કરવું પડશે.
હજુ તમને થોડું મોટું વિચારતા શીખવું. તમે કોઈ વિચાર કે સપનું વિચારશો એટલે એવું માની લેશો કે આ જ ઉત્તમ અને શ્રેષ્ઠ વિચાર છે. પણ તેવું જરૂરી નથી. હંમેશા તમે વિચાર્યું છે અને કલ્પના કરી છે તેના કરતા વિશેષ સારું કંઇક તો હોવાનું જ છે. હું એમ પણ નથી કહેતી કે તમારું વિઝન વારંવાર બદલતા રહો. હા, પણ જયારે વિઝન નક્કી કરો છો ત્યારે બધી જ પ્રકારની મર્યાદાઓની પરે વિચારીને નક્કી કરો.
વિચારો, વિઝન, દ્રષ્ટિકોણ, માન્યતાઓ, થીંક બીગ - આજના સિક્રેટમાં આ જ સિક્રેટ સામગ્રી શીખવાની છે.
ફૂડ ફોર થોટ
તમારું કોઈ એક વિઝન તમારી નજીકના વ્યક્તિ સામે રજૂ કરો. તેના મતે તમારું વિઝન કેવું છે તે અભિપ્રાય સાંભળો. જો તે તમને એમ કહે કે - "વિઝન બહુ મોટું કે અશક્ય છે." તો જવાબ આપો - "કમ્પેરડ ટુ વોટ?". આ શબ્દ અને જવાબ તમને દરેક મર્યાદાઓ તોડીને આગળ વધવામાં મદદરૂપ થશે.