તમે લોકોને સાંભળી શકો છો?

be a good listener.jpg

બોલવાની કળા – કે સારા વક્તા કહો – તેવા તો ઘણા લોકો તમને મળી જશે. બની શકે તમે પોતે પણ સારા વક્તા હો. પણ સફળતા હાંસિલ કરવા માટે સૌથી મહત્વની કળા છે – એક સારા શ્રોતા બનવાની કળા હોવી. શું તમે લોકોને સાંભળી શકો છો? તમે લોકોના વિચારોને સાંભળી શકો છો? કે પછી તમે તમારા જ વિચારો રજૂ કરવામાં રસ ધરાવો છો? તમારી સાંભળવાની કળા પરથી તમારી કારકિર્દી અને સંબંધો પર ઘણી અસર જોવા મળે છે. 

આજના સિક્રેટમાં વાત કરીશું – કઈ રીતે એક સારા શ્રોતા બની શકો અને શા માટે સારા શ્રોતા બનવું જરૂરી છે. તો શરુ કરીએ:

તમે કેવા છો?

એવરેજ લોકો સારા શ્રોતા હોતા નથી. જયારે ટીમમાં કોઈ વાતચીત થતી હોય ત્યારે તેઓ વાત પર ધ્યાન આપવાને બદલે પોતે હવે શું કહેશે તે વિચારવા લાગે છે. ૯૫% લોકો સારા શ્રોતા હોતા નથી.

કઈ રીતે સફળ ચેમ્પિયન જેવા બનશો?

ચેમ્પિયન્સ લોકોને સમજે છે અને લોકોને સાંભળે છે. તેની આ આવડતના કારણે જ તેઓ આરામથી કોઈપણ વ્યક્તિ સાથે જોડાઈ શકે છે. સેલ્સનું ઉદાહરણ લઈએ તો સેલ્સ મેનેજર ગ્રાહકની જરૂરિયાતને શાંતિથી સાંભળે છે અને સમજે છે. આ જ વર્લ્ડ ક્લાસ મેનેજર સેલ્સ મેનેજરની લાગણીઓને સમજે છે અને તેની જરૂરિયાતોને સાંભળે છે. તેઓ તેની વાત પરથી એ જાણે છે કે એવી કઈ બાબતો છે જેથી સેલ્સ મેનેજર મોટીવેટ થાય છે. ત્યારબાદ મેનેજર એ જ લાગણીઓ અને બાબતો થકી પ્રોત્સાહન આપે છે.

ચેમ્પિયન્સની માનસિકતા તદન અલગ હોય છે. જો તમારે લોકોના મગજમાં ખરેખર શું ચાલી રહ્યું છે તે જાણવું હોય તો સાંભળવાની કળા કેળવો. દરેક માનવી એક લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ હંમેશા એવા લોકોની શોધમાં હોય છે કે જે લોકો તેને સમજે.

મહાન લોકો મીટીંગમાં હોય કે કોકટેલ પાર્ટીમાં હોય - બધા લોકોને સાંભળે છે. તેની સાંભળવાની કળાને કારણે જ તેઓ બધાથી અલગ તરી આવે છે. દરેક ચેમ્પિયન્સ સાંભળવાની આદતને એક કળા માને છે. તેઓ આ કળાનો ઉપયોગ કરીને ધ્યેય હાંસિલ કરે છે.

જીવનના દરેક તબક્કાને ધ્યાનમાં લઇ લો. તમને સમજાઈ જશે કે જયારે તમે લોકોને સાંભળો છો ત્યારે કેટલો ફાયદો થશે. જરૂરી નથી કે દરેક વખતે તમારો અભિપ્રાય રજૂ કરો જ. સાથોસાથ એવું પણ જરૂરી નથી કે દરેક વખતે બધાને સાંભળો જ. તમને એ પણ ખબર હોવી જોઈએ કે કેવા લોકોને સાંભળવામાં સમય આપવો અને કેવા લોકોથી દૂર રહેવું. જેથી તમારો સમય ન બગડે. 

અંતે તો એક સારા શ્રોતા બનનારને નુકસાની ઓછી જ હોય છે. 

ફૂડ ફોર થોટ

કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનું શરુ કરો. તમારી જાતનું નિરીક્ષણ કરો કે કેટલા સમય સુધી તમે સામેવાળા વ્યક્તિને બોલતા સાંભળી શકો છો. જો તમને કોઈ બાબત ન સમજાય તો ફરીથી પૂછો. સામેવાળું વ્યક્તિ ખરેખર શું અનુભવી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કરો. તેની લાગણીઓને સમજો. આ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી તમારી સાંભળવાની કળા વિકસસે. આ પ્રકારની પ્રવૃત્તિથી તમે તમારી અંદર ધીરજની ભાવના કેળવી શકશો. લોકોને સાંભળતા શીખી શકશો. તમારા વિચારોને શાંત કરતા શીખી શકશો.

જયારે તમે શાંત થઈને અને પૂરેપૂરું ધ્યાન આપીને લોકોને સાંભળો છો ત્યારે પરિણામ જુદા આવે છે. તમે સામેવાળા વ્યક્તિને વધુ સરળતાથી સમજી શકો છો – તેની લાગણીઓને સમજી શકો છો અને તેના મુજબ વર્તન કરી શકો છો. તેથી જ સારા વક્તાની સાથોસાથ સારા શ્રોતા બનતા પણ શીખવું જોઈએ.