તમે લોકોના વખાણ કરી શકો છો?
નવશિખીયા લોકો અન્ય લોકોના વખાણ કરતા ખચકાય છે. તે ભાગ્યે જ કોઈના વખાણ કરે છે. જયારે ચેમ્પિયન્સ તેની રોજબરોજની વાતોમાં બધા લોકોના વખાણ કરે છે. તેના માટે કોઈપણ વ્યક્તિના વખાણ કરવા ખૂબ જ સામાન્ય બાબત છે. વખાણ સાંભળવા કોને ન ગમે? એક રીસર્ચ મુજબ ૯૫% લોકોને ઉત્તમ રીતે વાતચીત કરતા આવડતું નથી. માનવી એક લાગણીશીલ પ્રાણી છે. તેથી તેઓને સારા શબ્દો સાંભળવા, વખાણ સાંભળવા ગમે છે. વખાણથી તેઓને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે.
શબ્દો ખૂબ જ શક્તિશાળી હોય છે. તેથી ક્યાં શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારા પર આધાર રાખે છે. ચેમ્પિયન્સ સમજી વિચારીને ચોક્કસ શબ્દો શોધીને જ કોઈ વ્યક્તિના વખાણ કરે છે. આ ઉપરાંત તે જરૂર પૂરતા જ વખાણ કરે છે. અતિશયોક્તિ કરતા નથી. હા, કોઈ વ્યક્તિ કંઇક સારું કામ કરે તો તેઓ તરત જ તેના વખાણ કરે છે. ચેમ્પિયન્સ જાણે છે કે ઘણીવાર થોડા સારા શબ્દોથી પણ કોઈ વ્યક્તિ ખુશ અને પ્રોત્સાહિત થઇ શકે છે. જો તમે કોઈ વ્યક્તિના પ્રમાણિકતાથી વખાણ કર્યા હશે તો તે તમને વર્ષો સુધી યાદ રાખશે.
સારા શબ્દો બોલવામાં નાણા ખર્ચવા પડતા નથી. સારા શબ્દોના કારણે તમે લોકોને યાદ જરૂરથી રહી જશો. કોઈપણ ઓર્ગેનાઈઝેશનના દરવાજા ખોલવા માટે અને લોકોના દિલ સુધી પહોંચવા માટે વખાણ અને વિનમ્રતા ઉત્તમ હથિયાર છે. મહાન લોકો સારા શબ્દો અને વખાણ દ્વારા તેના કર્મચારીઓના મનમાંથી કામની બોજ હળવો કરી નાખે છે. બધા લોકો ક્યારેક તો એકલું અનુભવતા જ હોય છે. તેઓ કોઈને કોઈ મુશ્કેલીઓનો સામનો કરતા જ હોય છે. ફર્ક એટલો છે કે લોકો પોતાનું દુઃખ કોઈને સામે રજુ કરતા નથી. આવા સમયે ચેમ્પિયન્સ આવા લોકોના વખાણ કરીને તેને આશાનું એક કિરણ આપે છે. વખાણથી લોકો તરત જ પ્રોત્સાહિત થઇ જાય છે.
ફૂડ ફોર થોટ
પોતાની જાતને વચન આપો કે હવેથી તમે લોકોના વખાણ કરશો. સારા શબ્દોનો ઉપયોગ કરશો. જો વખાણ કરવા તમારી આદત બની જશે તો ભવિષ્યમાં તમારા દરેક લોકો સાથેના સંબંધો વધુ સારા બનશે. બીજા લોકો સાથે વાત કરતી વખતે હંમેશા યાદ રાખો કે દરેક વ્યક્તિને વખાણ સાંભળવા ગમે છે. તેઓ ગમે તેટલા નાના હોદા પર હોય કે મોટા હોદા પર હોય - તેઓને વખાણ સાંભળવા ગમે જ છે.