ચાલો કલ્પના કરો કે તમે તમારા મિત્રો સાથે ઘણા લાંબા સમય પછી વાતો કરી રહ્યા છે. આ વાતોમાં તમે કઈ બાબતોની વાતો સૌથી પહેલા કરો છો? તેનું નિરિક્ષણ કરો. શું તમે ભૂતકાળની વાતોને વાગોડો છો? શું તમે ભૂતકાળની નિષ્ફળતાની વાતો કરો છો કે પછી ભૂતકાળમાં મળેલી સફળતા કે જે હવે તમને વધુ યાદ આવી રહી છે તેની વાત કરો છો? તમે શું કરી શક્યા હોત અને શું ન કરી શક્યા તેની વાત કરો છો?
કે પછી તમે ભવિષ્યની વાતો કરનારા વ્યક્તિ છો? જે ભવિષ્યમાં શું કરવાના છે અથવા શું કરવાનું વિચારી રહ્યા છે તેની વાત કરે છે. શું તમે ભવિષ્યમાં શું હાંસિલ કરવાના છો તેના આયોજનો અને ધ્યેયોની વાત કરો છો?
આ બંને પ્રકારના વ્યક્તિતમાંથી તમે કયું વ્યક્તિત્વ ધરાવો છો? – તેના પરથી તમે એવરેજ માનસિકતા ધરાવો છો કે પછી ચેમ્પિયન માનસિકતા તે નક્કી થશે. એવરેજ માનસિકતા ધરાવતા લોકો હંમેશા ભૂતકાળમાં ખોવાયેલા રહે છે. તેઓને એવું લાગે છે કે તેના વર્તમાન અને ભવિષ્ય કરતા ભૂતકાળ વધુ સારો હતો. તેઓ ભૂતકાળને ભૂલી શકતા નથી અને ભૂતકાળને ભૂલવા પણ નથી માંગતા.
જયારે ચેમ્પિયન હંમેશા ભવિષ્ય અને વર્તમાનમાં જીવવાનું પસંદ કરે છે. તેઓ ભૂતકાળની કોઈ સફળતાને ઝકડી નથી રાખતા અને નિષ્ફળતાનો અફસોસ નથી કરતા. તેઓ ઉત્તમ ભવિષ્યની કલ્પના કરવાનું વધુ પસંદ કરે છે. તેઓને પોતાની જાત પર આત્મવિશ્વાસ હોય છે કે તેઓ એક ઉત્તમ ભવિષ્યનું સર્જન કરી જ શકશે. તેઓ ભવિષ્યની ઉત્તમ કલ્પના કરીને પોતાની જાતને મોટીવેશન આપતા રહે છે.
તેઓ એ વાત જાણે છે કે માનવીનો ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય તો પણ જો તે ઉત્તમ માનસિકતા કેળવે અને સારા ભવિષ્ય માટે આયોજન કરે તો જરૂરથી સફળતા હાંસિલ કરી શકે છે. ચેમ્પિયન તેને મળેલા સમયની કિંમત કરે છે. તેઓ તેના ભવિષ્યના મૂલ્યને ક્યારેય ઓછું આંકતા નથી. તેઓને ખબર છે કે ભૂતકાળ ખરાબ હોય કે વર્તમાન ખરાબ હોય તેનો મતલબ એવો નથી કે ભવિષ્ય પણ ખરાબ જ હશે. તેઓ જીવન અને ભવિષ્ય પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવે છે. તેઓ એક જ ફોર્મ્યુલાને અનુસરે છે:
“જો પરિસ્થિતિમાં કઈ ફેરફાર ન થવાનો હોય તો જે કંઈપણ પરિણામ આવશે તેની જવાબદારી મારી રહેશે.”
તેઓ પોતાના એક્શનની જવાબદારી લે છે. તેઓને ખબર છે કે તેના સારા કે ખરાબ ભૂતકાળ પાછળ શું જવાબદાર છે અને તેના આવનારા ભવિષ્ય માટે પણ તે જ જવાબદાર હશે તેવી માનસિકતા ધરાવે છે. તેઓ ક્યારેય સમય, પરિસ્થિતિ કે અન્ય લોકો પર દોષ નાખતા નથી.
ચેમ્પિયનના જીવનમાં જયારે પણ મુશ્કેલી આવે ત્યારે તે મુશ્કેલીઓનો સામનો કરે છે અને સમજી વિચારીને નિર્ણય લે છે. તેઓ પોતાના ભૂતકાળને વખોડવાને બદલે તેમાંથી શીખે છે. તેઓ ભૂતકાળમાં કરેલી ભૂલ ફરીથી ન કરે તેના પર ખાસ ધ્યાન આપે છે. તેઓ માટે ભૂતકાળ એક દુઃખદ સ્વપ્ન નથી પણ ભૂતકાળ એક શીખવાનો સમયગાળો છે.
જો તમે પણ ચેમ્પિયન બનવા માંગતા હો તો નીચેની અમુક માનસિકતા અપનાવોં અને અમુક માનસિકતાઓને છોડી દો:
૧ ભૂતકાળમાંથી શીખો તેને પકડી ન રાખો. આગળ વધી જાવ.
૨ વર્તમાનને સારું બનાવવા માટે તમારા વિચારો અને તમારા એક્શન જ જવાબદાર છે.
૩ ક્યારેય પરિસ્થિતિ, વ્યક્તિ કે સમય પર તમારી નિષ્ફળતાનો દોષ ન નાખો.
૪ ઉત્તમ ભવિષ્ય માટે ઉત્તમ આયોજન કરવું જરૂરી છે. અને આ આયોજનનો અમલ કરવો પણ તેટલો જ જરૂરી છે.
૫ ઉત્તમ ભવિષ્ય જીવવા માટે ભૂતકાળને પાછળ મૂકતા શીખવું પડશે.
૬ તમે જેવા વિચારો ધરાવશો તેવું જ તમારું ભવિષ્ય બનશે. તેથી સારા વિચારો પર વધુ મહત્વ આપો.
૭ તમારો ભૂતકાળ સારો હતો કે ખરાબ તેમાં સતત જીવવાનું બંધ કરી દો.
૮ તમે ભૂતકાળને બદલી શકવાના નથી. તેથી તેના પ્રત્યેનો મોહ દૂર કરી દો.
૯ પણ આવનારું ભવિષ્ય તમારા હાથમાં છે. તેથી ઉત્તમ ભવિષ્ય બનાવવા માટે તમારા વર્તમાન પર ધ્યાન આપો.
૧૦ ક્યારેય તમારી જાતને પરિસ્થિતિનો ગુલામ ન માનો. તમે ધારો તે હાંસિલ કરી શકો છો. બસ તમારે ઉત્તમ આયોજન અને તેનો અમલ કરતા શીખવાનું છે.
૧૧ ઉત્તમ ભવિષ્યની કલ્પના કરીને પણ તમે તમારો આત્મવિશ્વાસ વધારી શકો છો.
૧૨ ઉત્તમ ભવિષ્ય બનાવવા માટે તમે “આકર્ષણનો સિધ્ધાંત” અપનાવી શકો છો.
ફૂડ ફોર થોટ
તમારી જાતને નીચેનું વાક્ય વારંવાર કહો:
“મારો ભૂતકાળ મારા માટે મહત્વનો છે. કારણ કે મારું વર્તમાન અને મારું ભવિષ્ય મારા ભૂતકાળ સાથે સંકળાયેલ છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે મારી સમજશક્તિ વધી છે. તેથી તે ભૂલોમાંથી શીખીને હું હવે એક સુંદર ભવિષ્યની રચના કરીશ.”
આ વાક્ય દ્વારા તમે તમારા ભૂતકાળના નકારાત્મક અનુભવને હકારાત્મક અનુભવમાં ફેરવી દીધો. તેમજ સાચી શક્તિ અને શક્યતાઓ ભવિષ્યમાં જ રહેલી છે. તેથી જ્યાં સુધી તમને ઉપરોક્ત વાક્ય પર વિશ્વાસ ન આવી જાય ત્યાં સુધી વાક્યનું પુનરાવર્તન કરતા રહો.