તમે પ્રગતિ વિશે શું વિચારો છો?

આજના સિક્રેટમાં પ્રગતિ વિશે કેવી માઈન્ડસેટ હોવું જોઈએ તે સમજીશું.

પ્રગતિથી ડરવાનું હોય??

મોટાભાગના લોકો બદલાવ અને પ્રગતિની વાત આવે એટલે ડરી જાય છે. તેઓ માટે બદલાવ ભયાનક છે. કારણ કે તેઓ માટે જે તે બદલાવ અજાણ્યો છે. તેથી જે તે બદલાવ તેને અનુકૂળ હશે કે કેમ તે વાતથી તેઓ અજાણ હોય છે. તેઓ વર્ષોથી ચાલી આવતી ઘરેડ મુજબ જ કામ કરવા માંગતા હોય છે. તેઓ જૂના દિવસોને ભૂલીને કંઇક નવું કામ અપનાવતા ડરે છે. જયારે મહાન લોકો જાણે છે કે દુનિયામાં આગળ વધવા માટે પ્રગતિ અને બદલાવ જરૂરી છે. બદલાવ અને સ્વપ્રગતિને આવકારવી જોઈએ.

માનસિકતાનો તફાવત અને તેની અસર

નવશિખીયા લીડર્સ અને મહાન લોકો વચ્ચેનો તફાવત દિવસેને દિવસે વધતો જાય છે. આ તફાવત તેઓના ધંધામાં અને જીવનમાં પણ જોવા મળે છે. મહાન લોકો સતત પ્રગતિ અને ભવિષ્યની જ વાતો કરતા હોય છે. તેની ફિલોસોફી સરળ છે - હંમેશા આગળ વધતું રહેવું. હંમેશા પ્રગતિ કરતી રહેવી. મોટાભાગના લોકો કંઇક બદલાવ આવે એટલે જૂના દિવસોને યાદ કરે રાખે છે અને ભૂતકાળમાં ખોવાયેલ રહે છે. જયારે ચેમ્પિયન્સ બદલાવને હસતા હસતા આવકારે છે. જો હંમેશા બધું પહેલાં જેવું જ રહેશે તો પોતાની કે કંપનીની ક્યારેય પ્રગતિ નહિ થાય.

ડરને ભગાડવો શા માટે જરૂરી?

કોઈપણ વ્યક્તિ, કંપની અને સમાજમાં સમયાંતરે બદલાવ આવવો અને પ્રગતિ થવી જરૂરી છે. તે વિકાસ પ્રક્રિયાનો એક ભાગ છે. નવશિખીયા લીડર્સ બદલાવ અને પ્રગતિથી દૂર ભાગે છે. તેઓનો ડર જ તેની સાથે વાતો કરે છે અને કહે છે - "જો હું આ નવા વાતાવરણમાં ટકી નહિ શકું તો?" તેઓને પોતાની આવડત અને અનુભવ પર શંકાઓ હોય છે. જયારે વર્લ્ડક્લાસ લોકો તરત જ પોતાના મનને કહે છે - "હું દરેક બદલાવ માટે તૈયાર છું. હું પ્રગતિ માટે તૈયાર છું."

ફૂડ ફોર થોટ

પ્રગતિ માટે તમારું વલણ કેવું છે? તમે પ્રગતિથી ડરો છો કે પ્રગતિને આવકારો છો?  આજના દિવસ માટે એક પ્રવૃત્તિ કરો. કોઈપણ બદલાવને પ્રેમથી આવકારો. તમને ડર લાગતો હોય તો પણ તે બદલાવને આવકારો. તમારી જાતને અને બીજા લોકોને તમે જે તે બદલાવ માટે કેટલા ઉત્સાહી છો તે જણાવો. આવું કરવાથી તમે શું અનુભવો છો તે પણ ચકાસો. તમારા મનમાંથી બદલાવનો ડર કાઢી નાખો. સામાન્ય લોકો દરેક બાબતોથી ડરે જ છે. તમારી આસપાસ એવા લોકો હશે તો તેઓ પણ તમને ડરાવવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો તમે એક દિવસ માટે બદલાવને આવકારવાનું પસંદ કરશો તો દિવસના અંતે તમને જ ખ્યાલ આવશે કે તમારે કેવી માનસિકતા રાખવી છે. વર્લ્ડ ક્લાસ લોકો જેવી કે પછી સામાન્ય લોકો જેવી. તમે પ્રગતિને સ્વીકારવા માંગો છો કે પ્રગતિથી ભાગવા માંગો છો?