તમે દુનિયાને કેવી રીતે જૂઓ છો?
મથાળું વાંચીને કહેશો કે અત્યારે તો તમે દુનિયાને કોરોના, ઓમનીક્રોન અને કોને ખબર હજુ કેટલી મુશ્કેલીઓથી ઘેરાયેલ જૂઓ છો. પણ આ બધાથી દુનિયા થોડી અટકી જાય છે? તમે તમારી જાત માટે અને તમારી આસપાસના વાતાવરણમાં તો બદલાવ લાવી જ શકો ને! તો આજના ચેમ્પિયન બોર્ડમાં એ દ્રષ્ટિકોણની જ વાત કરીશું.
એવરેજ અને સફળ માઈન્ડસેટવાળા વ્યક્તિ વચ્ચેનો ફર્ક
એવરેજ લોકો કોઈ મુશ્કેલીની પરિસ્થિતિ આવે ત્યારે ખૂબ જ ડરી જાય છે, હતાશ થઇ જાય છે. તેઓ નિષ્ફળતાથી એટલી હદે ડરવા લાગે છે કે તેના ડરની અસર તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન પર પણ જોવા મળે છે. કોઈપણ અણધારી ઘટનાથી ચેમ્પિયન્સ ગભરાઈ જતા નથી. તેઓ કોઈપણ ઘટના અંગેનો દ્રષ્ટિકોણ બદલાવી નાખે છે. નવશિખીયા લીડર્સ જીતવા પાછળ દોટ મુકે છે. ચેમ્પિયન્સ માટે હાર કે જીત કરતા રમવું વધુ મહત્વનું હોય છે.
નવશિખીયા લીડર્સ અને ચેમ્પિયન્સ - એમ બંનેને જીતવું જ હોય છે પરંતુ ફર્ક માત્ર દ્રષ્ટિકોણનો હોય છે. ચેમ્પિયન્સ દબાણવાળી ઘટનામાં કે અણધારી ઘટનામાં ઘાંઘા થઇ જતા નથી. તેઓ પોતાની જાતને અને લાગણીઓને કાબૂમાં કરીને ઘટના અંગે નવો દ્રષ્ટિકોણ વિચારે છે અને સમસ્યાનું નિરાકરણ લાવે છે. મુશ્કેલીની પરિસ્થિતિમાં ચેમ્પિયન્સ વધુ ચતુરાઈથી કામ કરે છે.
પ્રેસર અને પરફોર્મન્સ વચ્ચે અનોખો સંબંધ છે. જયારે તમારા પર કોઈ કામ ચોક્કસ રીતે કરવાનું જ છે તેવું પ્રેસર આવે તો બની શકે તમારું પરફોર્મન્સ વધુ સારું થવાને બદલે બગડી જાય. તમે ડોનાલ્ડ ટ્રમ્પ હો કે ડોનાલ્ડ ડક હો - પ્રેસરમાં કામ કરવાનું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ મૂંઝાઈ જાય તે ખૂબ જ સ્વાભાવિક છે. ચેમ્પિયન્સને પ્રેસરવાળી પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું અને કઈ રીતે પોતાની જાતને સંભાળવી તે ખૂબ જ સારી રીતે આવડે છે.
જયારે નવશિખીયા લીડર્સ સમક્ષ કોઈ પ્રેસરમાં રહીને કામ કરવાની વાત કરવામાં આવે તો તેનું શરીર અને મન તે કામને એક પડકાર તરીકે જોવા લાગે છે. માનસિક રીતે તેઓ જાણે જીવન મરણની લડાઈ રમતા હોય તેવો અનુભવ કરવા લાગે છે. આ સમયે ચેમ્પિયન્સ એવું વર્તન કરે છે જાણે કોઈપણ પરિસ્થિતિ એક રમત માત્ર છે. તેઓ કોઈપણ પરિસ્થિતિને ખૂબ જ ગંભીરતાથી લઈને ગભરાઈ જતા નથી.
આવા સંજોગોમાં ચેમ્પિયન્સ પોતાની જાતને પ્રોત્સાહન આપવા માટે પોતાની જાત સાથે વાતો કરે છે. આ પદ્ધતિને સેલ્ફ ટોક કહે છે. કોઈપણ વ્યક્તિ આ ટેવ વિકસાવી શકે છે. નવશિખીયા લીડર્સ પોતાની જાત સાથે વાતો કરતા નથી અને કોઈપણ પરિસ્થિતિને ગભરાઈને ઘાંઘા થઇ જાય છે. તેથી જ તેઓ સફળતા મેળવતા નથી. તમારે જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો તમારો દરેક બાબત માટેનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ કેળવો. તમારો દ્રષ્ટિકોણ જેટલો વધુ સ્પષ્ટ તેટલું વધુ તમારું પરફોર્મન્સ સારું.
ફૂડ ફોર થોટ
તમારા જીવનની એવી કઈ ત્રણ ઘટનાઓ છે જેમાં તમે ખૂબ જ તણાવનો સામનો કર્યો હોય. તે લીસ્ટ બનાવ્યા બાદ તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો:
"હું મારી જાત સાથે કેવી વાતો કરીશ જેનાથી મારો તણાવ દૂર થશે?"
"મારા બાબતો અંગેના ક્યાં દ્રષ્ટિકોણ એવા છે જેના કારણે મારે ભૂતકાળમાં તણાવનો સામનો કરવો પડ્યો હતો? હું આ દ્રષ્ટિકોણને કઈ રીતે બદલાવી શકું?"