તમે તમારી જાત સાથે કેવી વાતો કરો છો?

self talk.jpg

તમે તમારી જાત સાથે કેવી વાતો કરો છો?

આખા દિવસ દરમિયાન આપણે જેટલીવાર પોતાની જાત સાથે વાતો કરીએ છીએ તેને "સેલ્ફ ટોક" કહે છે. ઘણા વર્ષોથી અનેક ફિલોસોફર્સ, સાયકોલોજીસ્ટસ અને નિષ્ણાતો કહેતા આવ્યા છે કે આપણા માનસ પર સેલ્ફ ટોકની મહત્તમ અસર જોવા મળે છે. તમે તમારી જાતને જે કંઈપણ કહો છો તેવા જ તમે બની જાવ છો. એવરેજ લોકો પોતાની જાત સાથે જેવી વાતો કરે છે તેવી જ અસર તેના જીવન પર પણ જોવા મળે છે. આગળ ઉલ્લેખ કર્યો છે તે મુજબ માનવીનું મન એક કમ્પ્યુટર સીસ્ટમ જેવું છે. મનનું પ્રોગ્રામિંગ અને રીપ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે તેની અસર માનવીના જીવન પર જોવા મળે છે.

ડોક્ટર શાદ હેમસેટરે "વોટ ડુ યુ સે વેન યુ ટોક ટુ યોરસેલ્ફ" નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તે કહે છે કે - સામાન્ય રીતે માનવી જયારે પોતાની સાથે વાત કરતો હોય તો ત્યારે ૭૭% વાતો તો નકારાત્મક હોય છે. આ પુસ્તક મુજબ આપણે સેલ્ફ ટોક વખતે મોટાભાગે મનને કોઈ વાત મનાવવા માંગતા હોઈએ છીએ અથવા કોઈ વાત નકારવા માંગતા હોઈએ છીએ. ચેમ્પિયન્સ તેના દરેક વિચારોને ધ્યાનથી સાંભળે છે અને સારા આઈડિયાને સ્વીકારે પણ છે. જો તમારે કોઈ ચેમ્પિયન્સને ઓળખવા હોય તો તેની વાત ધ્યાનથી સાંભળો. તેની ભાષા સાંભળો.

વર્લ્ડ ક્લાસ લોકોએ તેના મનનું રિપ્રોગ્રામિંગ કરવા માટે અનેક વર્ષો વ્યતિત કર્યા હોય છે. તેઓ પોતાની જાત સાથે વાત કરતી વખતે અને અન્ય સાથે વાત કરતી વખતે સારી ભાષાનો ઉપયોગ કરે છે. વર્લ્ડ ક્લાસ લોકો માટે કઈ જ અશક્ય નથી. તેઓ કોઈપણ આઈડિયાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે પોતાના આઈડીયાનું મનમાં વારંવાર પુનરાવર્તન કરતા રહે છે. ડોક્ટર હેમશેટરના મતે - કોઈપણ બાબતનું વારંવાર પુનરાવર્તન કરવાથી એક સમય પછી મન જે તે બાબતને વાસ્તવિક માની લે છે. મહાન લોકોની સફળતાના અનેક રહસ્યોમાંથી અમુલ્ય રહસ્ય છે - સેલ્ફ ટોકની કળા. આ પોતાની જાતને સાથે વાત કરવાની આવડત ખૂબ સહેલી છે આમ છતાં બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. આ પુસ્તકમાં અનેક ટેકનિક્સ આપેલી છે તેમાંથી સેલ્ફ ટોક સૌથી સરળ ટેકનીક છે.

એવરેજ લોકો આગળ વધી નથી શકતા તેનું મુખ્ય કારણ એ જ છે કે તેઓ સેલ્ફ ટોકનો અસરકારક ઉપયોગ નથી કરતા. મહાન લોકોને તેના આઈડિયા પર પૂરો ભરોસો હોય છે, તેઓ આઈડિયાનો અમલ કરી જ શકશે તેવું વિચારવાનું શરુ કરી દે છે. સેલ્ફ ટોક દ્વારા તેનો વિચાર અશક્યમાંથી શક્ય બની જાય. ચેમ્પિયન્સ તેના આઈડિયા માટે કામ કરવા લાગે છે અને અંતમાં તેનું સપનું પૂરું થઇ જાય છે.

ફૂડ ફોર થોટ

તમે તમારી જાત સાથે શું વાત કરો છો અને અન્ય સાથે શું વાત કરો છે તે બાબતે સજાગ રહો. પોતાની જાતને પ્રશ્ન પૂછો - "મારી સફળતા કે નિષ્ફળતા માટે મારી ભાષા અને મનનું પ્રોગ્રામિંગ જવાબદાર છે?" તમારી આસપાસના લોકો સાથે વાત કરતી વખતે તમે કેવી ભાષાનો ઉપયોગ કરો છો તે ચકાસો. તમારી આસપાસના લોકો પણ તમારી સાથે વાત કરતી વખતે કેવી ભાષાનો ઉપયોગ કરે છે તે પણ ચકાસો. આ અનુભવથી તમને જે જરૂરી લાગે તે બદલાવ તમારી ભાષા અને મનના પ્રોગ્રામિંગમાં લાવો.