તમે તમારી જાતને કેટલું ઓળખો છો?

know yourself.jpg

તમે તમારી જાતને કેટલું ઓળખો છો?

ગરીબી રેખા નીચે જીવતા લોકો, વર્કિંગ ક્લાસ લોકો અને મિડલ ક્લાસ લોકોની માનસિકતા સરખી જ હોય છે. તેઓની સફળતા માટેની માન્યતાઓ, વિચારસરણી સમાન હોય છે. તેઓ એક હદ કરતા વધુ સફળ થવાની કે મોટા સપના જોવાની માનસિકતા જ ધરાવતા નથી. તેઓએ પોતાના વિચારો અને સપનાઓને એક મર્યાદામાં બાંધી લીધા હોય છે. આમ પણ બાળપણમાં આપણો ઉછેર કઈ રીતે થયો છે, કેવા લોકો આપણી આસપાસ હોય છે, આપણી આસપાસનું વાતાવરણ કેવું હોય છે તેના પરથી જ આપણી વિચારસરણી અને માન્યતાઓ ઘડાતી હોય છે. 

ગરીબી રેખા નીચે જીવતા લોકો, વર્કિંગ ક્લાસ લોકો અને મિડલ ક્લાસ લોકો પોતાના જ વિચારોની જેલમાં કેદ થઇ ગયા હોય છે. તેઓ તેની આવડતને ઓળખી શકતા જ નથી. ઘણા લોકોનું જીવન માત્ર બીજા માટે કામ કરવામાં જ પસાર થઇ જાય છે. ઘણા લોકો જીવનભર કોઈ કંપનીના બીલ બનાવવામાં જ પોતાનું આખું જીવન વિતાવી દે છે. તેમજ અંતમાં અફસોસ કરે છે કે તેઓ કઈ જ કરી શક્યા નહિ. અનેક લોકોને તમે બોલતા સાંભળ્યા જ હશે - "મે નવી નવી પ્રવૃતિઓ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો? મે જોખમો લીધા હોત તો?" અંતમાં તેઓ લોકો પાસે "કાશ..." માનસિકતા જ રહી જાય છે.

વર્લ્ડ ક્લાસ લોકો જો નસીબદાર હોય તો નાનપણથી જ એવા વાતાવરણમાં ઉછરે છે કે જ્યાં તેના વિચારોનું પ્રોગ્રામિંગ જ અલગ રીતે કરવામાં આવે છે. તેઓ નવી નવી આવડતો વિકસાવવા અને જોખમો ઉઠાવવા તૈયાર હોય તેવી માનસિકતામાં જ ઉછરે છે. તેની આસપાસ પણ તેને પ્રેરણા મળે તેવા લોકો જ હોય છે. તેથી મહાન લોકોની વિચારસરણી જ સામાન્ય લોકો કરતા તદન અલગ હોય છે.

ચેમ્પિયન્સ એક દિવસ જાગે છે અને તેને સમજાય છે કે તેની અંદર અખૂટ ટેલેન્ટ રહેલું છે અને સફળ થવા માટેની અનેક શક્યતાઓ છે. જો તેઓ સફળતાની કિંમત ચૂકવશે, સારા માર્ગદર્શક પાસેથી સલાહ લેશે તો જરૂરથી સફળ બની શકશે. આવા અનેક પગલાઓ અનુસરીને ચેમ્પિયન્સ પોતાની જ એક ટીમની રચના કરે છે અને અંતમાં ધ્યેય હાંસિલ કરે છે. ચેમ્પિયન્સને જે રીતે પોતાની આવડત અંગે સજાગતા આવે છે તે જ રીતે અનેક લોકો પોતાની આવડત અને ટેલેન્ટથી વાકેફ જ હોય છે. પરંતુ તેઓ તે દિશામાં આગળ વધવા માટે પગલા લેતા નથી. 

તમને શું કરવું ગમે છે તે શોધો અને તે કામ માટે લાગી પડો. કોઈપણ હાલતમાં તમારા જીવનનો ધ્યેય એ જ હોવો જોઈએ કે તમને ગમતું કામ કરવું, તમારી આવડતને ઓળખવી. અનેક ધ્યેયો નક્કી કરવા કરતા કોઈ એક જ ધ્યેય નક્કી કરો. કોઈ એક જ ધ્યેય નક્કી કરી તે ધ્યેય હાંસિલ કરવા શું કરવું તે અંગે નિર્ણય લો. ટીમની રચના કરો અને સફળતાનો ડંકો વગાડો.

ફૂડ ફોર થોટ

એવા પાંચ લોકોને શોધો જે તમને ખૂબ જ પ્રેમ કરતા હોય અને તમને ખૂબ જ સારી રીતે ઓળખતા હોય. આ પાંચ લોકોને તમારી આવડત વિશે પૂછો. તેની પાસેથી તમારી આવડતનું લીસ્ટ માંગો. તેમજ શા માટે તેઓ તમને જે તે આવડતમાં નિષ્ણાત માને છે તેનું કારણ પણ પૂછો. તમને લોકોના જવાબ જાણીને નવાઈ લાગશે. ઘણીવાર તમને પોતાને જ તમારી ઘણી આવડત વિશે નહિ ખબર હોય. તમારી આવડતના આ લીસ્ટને સાચવીને મૂકી દો. જયારે પણ તમે હતાશ થાઓ અથવા તો તમને પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર લાગે ત્યારે આ લીસ્ટ વાંચો. તમારી આવડતને જાણો અને તમારા પર પુરતો આત્મવિશ્વાસ રાખો.