તમે તમારી કલ્પનાશક્તિનું પરિણામ છો

imagination by darshali soni.jpg

મથાળું વાંચીને તમે દલીલ કરી શકો કે – “ના, હું તો મારા બાળપણ, ઉછેર, વાતાવરણ, મારી આસપાસના લોકો, મારા વિચારો અને વલણનું પરિણામ છું.”

હા, તમારો જવાબ સાચો હશે. પણ અમુક અંશે. આવું શા માટે તેની જ ચર્ચા આજે આપણે આ સિક્રેટમાં કરવાના છીએ. તમે કલ્પના શક્તિ થકી શું હાંસિલ કરી શકો અને કેવી રીતે તેની ચર્ચા કરીશું.

કલ્પના અંગેની માનસિકતા કેવી હોવી જોઈએ?

એવરેજ લોકો માનવીને કલ્પનાશક્તિની તાકાતને નકારી કાઢે છે. જયારે મહાન લોકો કલ્પનાશકિતની તાકાતને સમજે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. સફળતાનો ખેલ તમારા વિચારો પર જ ટકેલો છે. ચેમ્પિયન્સ કોઈપણ પગલું ભરે તે પહેલા જ તેના મગજમાં કોઈપણ બાબતનું આખું ચિત્ર ખડું થઇ ગયું હોય છે. તેઓએ તેની કલ્પનાશકિત દ્વારા પહેલાં જ વિચારી લીધું હોય છે કે ક્યાં પગલાથી કેવા પરિણામો આવશે. તમારે ઉત્તમ ઘર જોઈતું હોય કે ઉત્તમ જીવન જોઈતું હોય - આ બધાનો આધાર તમારા વિચારો અને કલ્પનાશક્તિ પર જ છે.

ચેમ્પિયન કઈ રીતે અલગ પડે છે?

ચેમ્પિયન્સ અગાઉથી તેના ભવિષ્ય વિશે વિચારી રાખે છે. તેઓ તેની કલ્પનાશક્તિ દ્વારા ભવિષ્યની કલ્પના કરી શકે છે. ચેમ્પિયન્સ તેની કલ્પનાશક્તિ વધારવા માટે પ્રાકૃતિક જગ્યાઓની મુલાકાત લે છે. તેઓ વધુને વધુ સમય પ્રકૃતિ સાથે ગાળે છે. પ્રકૃતિ સાથે રહેવાથી તમારી ક્રિએટીવીટી વધે છે. ક્રીએટીવ માઈન્ડ જ ક્રીએટીવ ઉકેલ શોધી શકે છે. ચેમ્પિયન્સ તેની કલ્પનાશક્તિ વધારવા માટે દરરોજ તેના મગજ અને વિચારો પર કામ કરે છે. તેઓ પોતાની કલ્પનાશક્તિ વધારવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. તમે પણ તમારી ગમતી પ્રવૃત્તિ શોધી શકો – પછી તે મેડીટેશન હોય, પેઇન્ટિંગ હોય કે અન્ય કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ.

વિચારો બદલાવો

દરેક વ્યક્તિને કલ્પનાશક્તિ અને ક્રિએટીવીટીની ભેટ મળેલી જ છે. ફર્ક માત્ર તેને ઓળખવાનો અને તેનો ઉપયોગ કરવાનો છે. ચેમ્પિયન્સ તેની કલ્પનાશક્તિ અને સપનાઓનો સમન્વય કરીને તેના વિચારોને વાસ્તવિક રીતે સાકાર કરે છે. દિવસે સપના જૂઓ તેને ડે ડ્રીમીંગ કહે છે. નાના બાળકોને ડે ડ્રીમીંગની આદત હોય જ છે. ડે ડ્રીમીંગથી કલ્પનાશક્તિ ખીલે છે. દરેક બાળકને ડે ડ્રીમીંગની આદત હોય છે. એવરેજ લોકો તેના બાળકોને ડે ડ્રીમીંગ કરતા અટકાવે છે. જયારે મહાન લોકો તેના બાળકોને ડે ડ્રીમીંગ કરવા દે છે. તેમજ પોતે પણ ડે ડ્રીમીંગની તાકાતને સમજીને કલ્પનાશક્તિ ખીલવે છે.

જો તમને તમારી કલ્પનાશક્તિ અને સપનાઓ પર જ વિશ્વાસ નહિ હોય તો તમારા સપનાઓને સાકાર કઈ રીતે કરશો? સપનાઓ જોવાને બદલે સપનાઓ જીવવા કઈ રીતે તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તમે ઘણા સફળ લોકોને બોલતા સાંભળ્યા જ હશે - "હું મારું સપનું જીવું છું."- તમે પણ આ દિશામાં દોડવા લાગો. તમારી કલ્પના પર આજથી જ કામ કરવાનું શરુ કરી દો.

ફૂડ ફોર થોટ

તમારા દિવસ દરમિયાન દરરોજની ત્રણ મિનીટ તમારી જાતને આપો. તમારી કલ્પનાશક્તિને ખીલવા દો. આ ત્રણ મિનીટમાં આવતા દરેક આઈડિયાને કોઈપણ તર્ક લગાવ્યા વગર સ્વીકારો. તમે ઈચ્છો તો બધા જ આઈડિયાઝને સાચવવા માટે એક આઈડિયા બોક્સ પણ બનાવી શકો છો. જ્યાં તમે બધા જ પ્રકારના આઈડિયાઝનો સંગ્રહ કરી શકો.

તમારી જાતને દરરોજ નીચેનો પ્રશ્ન પૂછો:

"જો મારી પાસે સમય, નાણા અને તક અમર્યાદિત હોત તો હું શું કરતો હોત, હું કોણ હોત અને મારી પાસે શું હોત?"

"કઈ રીતે" કરશો એ શબ્દને થોડીવાર માટે ભૂલી જાવ. તમારી કલ્પનાશક્તિને બાંધો નહિ. આ દરરોજની ત્રણ મિનીટ તમારા જીવનને એક નવો જ ઓપ આપશે. તમારું જીવન એક અનોખું જીવન બની જશે. તેથી દિવસમાં ત્રણ મિનીટ તો તમારી કલ્પનાઓને છૂટો દોર આપી જ દો.