તમે તમારા વિચારો બદલવા તૈયાર છો?

champion board 48 by darshali soni.jpg

આજનો યુગ સતત બદલાવની માંગ કરે છે. વિચારોમાં બદલાવ, માનસિકતામાં બદલાવ, કારકિર્દીમાં બદલાવ, ટેકનોલોજીમાં બદલાવ, સમાજમાં બદલાવ, તમારી જાતમાં બદલાવ. પણ શું તમે તમારા જીવનમાં આ બધા જ બદલાવો લાવો છો? કે પછી તમે તમારા બનાવેલા અથવા તો તમને મળી ગયેલા કમ્ફર્ટ ઝોનમાં એટલા મોજથી જીવી રહ્યા છો કે તમને બદલાવ લાવવાની જરૂરિયાત જ નથી લાગતી? અથવા તો એવું પણ બની શકે કે તમને ખબર છે કે તમારે જીવનના ક્યાં ક્ષેત્રમાં બદલાવ લાવવાની જરૂર છે આમ છતાં તમે તમારા ડરને કારણે બદલાવથી ભાગી રહ્યા હો? – કારણ કોઇપણ હોઈ શકે. સવાલ છે શું તમે બદલવા તૈયાર છો? શું તમે તમારા વિચારો બદલવા તૈયાર છો?

આજના સિક્રેટમાં ચેમ્પિયન બનવા માટે શા માટે બદલાવને આવકારવો જરૂરી છે તેની જ વાત કરવી છે. સૌથી પહેલા વાત કરીએ સદીઓથી ચાલી આવતી રેસની – સફળતા અને નિષ્ફળતાની રેસ.

નિષ્ફળતા પ્રત્યેનો દ્રષ્ટિકોણ

તમે નિષ્ફળતા વિશે શું વિચારો છો? – નિષ્ફળતા દુઃખ આપે છે? નિષ્ફળતાથી દૂર ભાગવું જોઈએ? તમને ખબર છે કે સફળતાનો આખો ખેલ તમારા વિચારો પર રહેલો છે. જો તમે નિષ્ફળતાથી ડરશો તો ક્યારેય પ્રયત્નો નહી કરો. જો તમે ક્યારેય પ્રયત્નો નહી કરો તો સફળતા પણ નહી પામી શકો. ચેમ્પિયનની માનસિકતા અહી જ અલગ પડી જાય છે. તેઓ નિષ્ફળતાને હસતા હસતા આવકારે છે. તેઓ નિષ્ફળતામાંથી શીખે છે. એક વાત યાદ રાખજો – નિષ્ફળતા ક્યારેય મીઠી નથી લાગવાની. હા, પણ આ કડવી દવા તમને સાચી દિશામાં જરૂરથી લઇ જશે.

શા માટે નિષ્ફળતાને આવકારવી?

તમને એવો પ્રશ્ન થઇ શકે કે નિષ્ફળતા માટે પણ હકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા શું કરવું પડે? નીચેના અમુક વિચારો પર ધ્યાન આપવાનું આજથી જ શરુ કરી દો:

૧ સફળતા એટલે તમારા અહંકારને સંતોષવો નહી. તમારા ધ્યેયો હાંસિલ કરવાના છે.

૨ નિષ્ફળતા તમારામાં ડહાપણ લાવે છે.

૩ નિષ્ફળતા તમને વાસ્તવિકતાની નજીક લઇ જાય છે.

૪ નિષ્ફળતા તમને સ્વ વિકાસમાં મદદરૂપ થાય છે.

૫ નિષ્ફળતા પચાવવી અઘરી છે પણ એકવાર પામી લીધા બાદ હવે શું ભૂલો ન કરવી તે પણ સમજાવે છે.

૬ કઈ રીતે નિષ્ફળ ન થવું? તેના પર ધ્યાન ન આપો. સફળતા માટે શું કરી છૂટવું તેના પર ધ્યાન આપો.

૭ સમસ્યાઓ અને નિષ્ફળતાને વળગી રહેવાને બદલે નિરાકરણ પર ધ્યાન આપો.

૮ જે સમસ્યાઓને કારણે નિષ્ફળતા મળી તેના પ્રત્યે સજાગ બની જાવ.

૯ તમારા કામ પર ફોકસ કરો. નહી કે નિષ્ફળતાના ડર પર.

સાચું કહું તો બધો જ ખેલ તમારા વિચારોનો છે. નિષ્ફળતા તમારા જીવનમાં કોઇપણ સ્વરૂપે આવી શકે છે, - નોકરી જવી, ઓછા માર્ક્સ આવવા, નાપાસ થવું, ધંધામાં સફળતા ન મળવી, ધંધામાં કોઈ ક્લાયન્ટ જતો રહે, વ્યક્તિગત જીવનમાં કોઈ તણાવ આવવો – આવા તો દરેકના જીવનમાં અનેક તબક્કાઓ આવે જ છે. આ સમયે તમારે વિચારવાનું – “આ નિષ્ફળતાની તમારા જીવન પર કેવી અસર થશે? કેટલા સમય સુધી અસર થશે? આવતા ૨૦ વર્ષ પછી તમને આ નિષ્ફળતાથી કઈ ફર્ક પડતો હશે? – જો તમે તમારી જાતને આવા પ્રશ્નો પૂછશો એટલે આપોઆપ તમારી નિષ્ફળતા તમને બહુ જ નાની લાગવા માંડશે.

ફર્ક માત્ર એટલો પડ્યો કે તમે નિષ્ફળતાને તમારા મન પર હાવી ન થવા દીધી. તેના બદલે તેનું વિશ્લેષણ કર્યું.

ફૂડ ફોર થોટ

તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો અને પ્રમાણિકતાથી જવાબ આપો:

૧ શું હું નિષ્ફળતાને અવગણવા માટે કોઈ તકો જતી કરી રહ્યો છું?

૨ અત્યાર સુધીમાં મેં સફળતા હાંસિલ કરવા માટે કેટલા જોખમો લીધા છે? તેમજ હું આ જોખમોમાંથી શું શીખ્યો છું?

૩ મેં જીવનમાં વાસ્તવિકતાને આવકારી છે કે પછી વાસ્તવિકતાથી દૂર જ ભાગ્યો છું?

૪ મેં મારા ધ્યેયો હાંસિલ કરવા માટે ક્યારે ક્યારે ખોટી દિશામાં પગલાઓ લીધેલા છે? હું આ ભૂલોમાંથી શું શીખ્યો છું?

આ પ્રશ્નોના જવાબ પરથી તમે એ પણ લીસ્ટ બનાવી શકશો કે હવે તમારે કઈ તકો પર કામ કરવાની જરૂર છે?