ચાલો આજે હું તમને એક એવા છોકરાની વાત કરું જેને તમે ઓળખો તો છો પણ તેના વિશે બધી જ નથી ખબર. ૧૮ ડીસેમ્બર, ૧૯૪૬ના રોજ ઓહાયોમાં એક જ્યુઈસ છોકરાનો જન્મ થાય છે. તેની માતા પિયાનીસ્ટ હોય છે અને પિતા ઈલેક્ટ્રીકલ એન્જીનીયર હોય છે. જેમ તેમ કરીને તે પોતાનું ભણતર પૂરું કરે છે. એક સમય આવે છે જયારે તેના માતા-પિતા છૂટાછેડા લઇ લે છે. જો કે આ છોકરાનું સપનું બધા લોકોની જેમ એન્જીનીયર કે ડોકટર બનવાનું નથી હોતું. તેને તો ફિલ્મ ડીરેક્ટર બનવું હોય છે. પણ તેને યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયામાં એડમીશન મળતું નથી. આમ છતાં તે આ જ યુનીવર્સીટીમાં અપ્લાય કરે રાખે છે અને ત્રણ વખત તેને રીજેક્ટ કરી દેવામાં આવે છે.
આમ છતાં આ છોકરો હાર માનતો નથી. તે સ્ટુડીઓમાં ઇન્ટર્ન તરીકે નોકરી કરવાનું શરુ કરે છે. પછી તે શોર્ટ ફિલ્મ્સ બનવાનું શરુ કરે છે. એક સમય એવો આવે છે કે તે હોલીવુડના યંગેસ્ટ ડીરેક્ટર તરીકે ઓળખાવા લાગે છે. કારણ કે તે પહેલો એવો નાની વયનો વ્યક્તિ હોય છે જેણે હોલીવુડ સ્ટુડીઓ સાથે ડીલ કરી હોય.
ધીમે ધીમે તેને તકો મળવા લાગે છે અને તે તકોને ઝડપવા પણ લાગે છે. પછી તે ૧૯૮૦નું સૌથી પ્રખ્યાત મુવી "ઇન્ડીયાના જોન્સ"નો ડીરેક્ટર બને છે. તેના માટે તે ઓસ્કારમાં પણ નોમીનેટ થાય છે. તે પછી ક્યારેક અટકતો નથી. જુરાસિક પાર્ક તેના જીવનની સૌથી સફળ ફિલ્મ બને છે. હા, આ છોકરાનું નામ છે સ્ટીવન સ્પીલબર્ગ. એક એવો વ્યક્તિ કે જે ભણ્યો નહી પણ ગણ્યો!
હા, તમે તેના અનેક મુવીઝ જોયા હશે. તેનું એક પ્રખ્યાત વાક્ય છે - "હું મારું ગુજરાન ચલાવવા માટે સપના જોવું છું." - એક ડીરેક્ટર માટે સપનાઓ બહુ જ મહત્વના હોય છે. કારણ કે ડીરેક્ટર જ એવો વ્યક્તિ છે કે જે વિચારોને અને કલ્પનાઓને વાસ્તવિકતામાં લોકો સામે લાવી શકે છે.
બસ આજે મારે આ જ સિક્રેટની વાત કરવી છે - "વર્લ્ડ ક્લાસ લોકોની વિચારસરણી પણ વર્લ્ડક્લાસ હોય છે."
કારણ કે આવા લોકો ક્યાં અને કેવી હાલતમાં જન્મ્યા છે તે ધ્યાનમાં નથી લેતા. પણ તેઓ કઈ રીતે પોતાની વિચારસરણીથી વર્લ્ડ ક્લાસ બનવું અને પોતાના સપના પૂરા કરવા તેના પર ધ્યાન આપે છે. આવું જ કંઈક સ્ટીવ સ્પીલબર્ગ તેના જીવનમાં કરે છે અને સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ડીરેક્ટર બને છે. તમે તેના અંગત જીવનમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીમાં હોય તો પણ પોતાના વિચારો થકી કઈ રીતે જીવનમાં બધું જ હાંસિલ કરી શકે છે. તેના માટે કોઈ મર્યાદા નથી હોતી. તેઓ કોઈ નિયમોને આધીન નથી હોતા. તમે તેવા લોકોમાંના એક છો કે નહી તે માટે હું તમને એક પ્રશ્ન પૂછું -
"તમે સવારે શા માટે જાગો છો? - તમને કામ કરવાની ઈચ્છા છે એટલે કે પછી તમારે કામ ફરજીયાત કરવું જ પડે એમ છે એટલે?"
તમને જવાબ મળી જ ગયો હશે. તમને ખબર છે કે - શું મુશ્કેલી છે? પૈસા એ મુશ્કેલી નથી પણ તમારા વિચારો જ મુશ્કેલી છે. તમે ઈચ્છો તો તમારા વિચારો થકી આખી ચેસની બાજી પલટાવી શકો છો.
જો હું તમને એક જુગાડ સમજાવું. - તમે નાણા કમાવવા માટે શું કરો છો? - તમારો સમય આપો છો કે પછી તમારા આઈડિયાઝ? - જો તમે સમય આપશો તો તમારા સપનાઓ પૂરા તો થશે પણ બહુ વાર લાગશે. પણ જો તેને બદલે તમે આઈડિયાઝ આપવાનું શરુ કરશો તો બહુ જલ્દી નાણા પણ મળશે અને પ્રતિષ્ઠા પણ. હવે નક્કી તમારે કરવાનું છે.
હવે તમારે આઈડિયા તો શોધવા પડશે ને. તેના માટે તમારે એક માઈન્ડસેટ બનાવવું પડશે. જો ગરીબ લોકો છે ને હંમેશા ભૂતકાળમાં ખોવાયેલા રહે છે. જયારે મધ્યમવર્ગના લોકો બીજા લોકોની વાત કરવામાં સમય વિતાવી દે છે. તેની સામે વર્લ્ડક્લાસ લોકો એક પણ ફાલતું બાબતો પર ધ્યાન આપતા નથી. પોતાના વિચારો, સપનાઓ અને તેના અમલ પર જ ધ્યાન આપે છે. તેથી જ તો તેનામાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે અને તે ક્યારેય નકામો કચરો મગજમાં ભરતા જ નથી.
તમારી સેલ્ફ ઈમેજ કેવી છે, તમારા વિચારો કેવા છે, તમારી આસપાસ લોકો કેવા છે, તમે કેવી પ્રવૃત્તિઓ કરો છો તેના પરથી તમારું ભવિષ્ય નક્કી થશે. કેમ કે ઘણા લોકો લાખના બાર હજાર કરે તો ઘણા લોકો જે અડે તે સોનું બનાવી દે. તમે કઈ કેટેગરીમાં આવવા માંગો છો તે તમારે નક્કી કરવાનું છે.
તમે તમારી જાતને જ ઓછી આંકશો અને સપના જ નાના જોશો તો ક્યારેય વર્લ્ડક્લાસ નહી બની શકો. પ્લેબોય મેગેઝીનનો સ્થાપક હ્યુજ હેફનર ઈચ્છતો હોત તો જીવનભર કોઇપણ સારા મેગેઝીનમાં કોપીરાઇટર તરીકે જીવન જીવી શક્યો હોત. પણ તેણે વિચારસરણી બદલી અને પોતાનું મેગેઝીન બહાર પાડ્યું અને મિલિયોનર બની ગયો. તેનું પેલું મેગેઝીન તેણે તેના ઘરના રસોડાને ઓફીસ બનાવીને બનાવ્યું હતું. તેની પાસે ત્યારે માત્ર ત્રણ વ્યક્તિની જ ટીમ હતી. આમ છતાં તેણે હાર ના માની અને વર્લ્ડક્લાસ લોકોમાં સ્થાન મેળવી લીધું. ટૂંકમાં તમારી વિચારસરણી તમારું સ્ટેટ્સ નક્કી કરશે.
ફૂડ ફોર ધ થોટ
આજે તમારે તમારી જાતનું નિરિક્ષણ કરીને એ જોવાનું છે કે તમને કેવા ક્લાસના લોકો સાથે રહેવાની મજા આવે છે? - વર્કિંગ ક્લાસ, મિડલ ક્લાસ કે વર્લ્ડ ક્લાસ. જે લોકો સાથે સમય ગાળવામાં તમે વધુ કમ્ફર્ટ અનુભવતા હશો તેવી તમારી વિચારસરણી હશે. તેના પરથી તમારે નક્કી કરવાનું છે કે તમે હવે કયા લેવલે પહોંચવા માંગો છો અને કેવી રીતે.