તમે રોજબરોજના જીવનમાં અનેક લોકોને મળતા હશો. તમને કોઈ વ્યક્તિ મહાન છે કે નહી તે કેમ ખબર પડે? તેના માટે કોઈ તેના માથા પર સ્ટીકર તો નથી હોતું. તો પછી તમે કઈ રીતે જાણશો કે તમારી સામે જે કોઇપણ વ્યક્તિ છે તે મહાન છે કે નહી? અથવા તો તે વ્યક્તિ ખરા અર્થમાં ચેમ્પિયન છે કે નહી? જવાબ બહુ સરળ છે – વ્યક્તિના વિચારો અને વર્તન જ તેને મહાન બનાવે છે. થોડા સમય પહેલા જ મેં એક નવી કહેવત શીખી – જેવું શીલ તેવી શૈલી. તમારું ચારિત્ર્ય જેવું હશે તેવું તમારું વર્તન હશે. આ કહેવત કેટલી સાચી અને ખોટી તે તો પછીની વાત છે. પણ એટલું જરૂર કહી શકાય કે તમારા વિચારો અને લાગણીઓ જેવી હશે તેવું જ તમારું વર્તન હશે.
આજના સિક્રેટ નંબર ૧૭માં આપણે એ જ શીખવાના છીએ કે કઈ રીતે તમે તમારી જાત પર કામ કરીને ચેમ્પિયન બની શકો છો. તો શરુ કરીએ:
૧ હું શૂન્ય છું
ચેમ્પિયનનો સૌથી ઉત્તમ ગુણ કયો છે? – તેની નિખાલસતા. તે તેની ભૂલ તરત જ સ્વીકારી લે છે. તે તેની લાગણીઓ રજૂ કરવામાં પણ બહુ જ સ્પષ્ટ હોય છે. તેના માટે અહંકારનું કોઈ જ મૂલ્ય નથી. ચેમ્પિયન હંમેશા પોતાની જાતને કોરી પાટી માને છે. તે હંમેશા શીખતા રહે છે. તે તેની બનાવેલી માન્યતાઓને તોડીને નવી રીતે જીવવામાં માને છે. આ શૂન્ય વાળો કન્સેપ્ટ જો ખરેખર તમે જીવનમાં ઉતારી લો તો મજા આવશે. કારણ કે જયારે તમે “મને કઈ ખબર નથી” એવું માનીને દુનિયા જોવો છો ત્યારે વધુ શીખી શકો છો.
૨ નેટવર્ક માર્કેટિંગ
તમારી જાતને એક પ્રશ્ન પૂછો – જો તમને કોઈ અજાણ્યી જગ્યાએ અજાણ્યા લોકો સાથે મૂકી દેવામાં આવે તો તમે કેટલી જલ્દી મિત્રો બનાવી શકો છો? કે પછી તમે મિત્રો બનાવી શકતા જ નથી? – ચેમ્પિયન આ રીતે પણ અલગ તરી આવે છે. તેને તમે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા લોકો સાથે મૂકી દો – તેનામાં નેટવર્ક માર્કેટિંગની આવડત જોરદાર હોય છે. આ આવડત જ તમને ધંધામાં અને જીવનમાં મદદરૂપ થાય છે. નેટવર્ક માર્કેટિંગની સાથોસાથ ટીમવર્કની વાત પણ સમજી જ લો. કારણ કે તમારી પાસે નેટવર્ક ગમે તેટલું મોટું હોય પણ કામ કરવા માટે ટીમ ના હોય તો તે પણ નકામું છે. તેથી જ ચેમ્પિયન એકલા પ્રગતિ કરવાને બદલે બધાની પ્રગતિ પર ધ્યાન આપે છે.
૩ ઓપન માઈન્ડ
જેમ રૂંધાયેલું ફળ ગંધાઈ જાય છે. તેમ જો મનને પણ તમે એક જ ઢાંચામાં બાંધી દો તો તે પણ ગંધાઈ જાય છે. ધંધામાં અને જીવનમાં આવું અનેક વાર થતું હોય છે. આપણે વર્ષોથી જે રૂઢીમાં જીવવા અને ધંધો કરવા ટેવાયેલા હોય તેમાં જ આપણને મજા આવે છે. પછી જો આપની સામે કોઈ નવા વિચારો કે આઈડિયાઝ રજૂ કરવામાં આવે તો મન ભાગાભાગી કરવા લાગે છે. કારણ કે તે હવે એક બંધ કિલ્લામાં જીવવા ટેવાઈ ગયું હોય છે. તમારા મનના દરવાજા તમે જ ખોલી શકશો અને તમે જ નવા વિચારોને અપનાવીને ચેમ્પિયન બની શકશો. ધંધો હોય કે જીવન – ઓપન માઈન્ડ જ તમને આગળ વધારશે.
૪ નવો દ્રષ્ટિકોણ
તમને ખબર છે કે નવશીખીયા લીડર્સ અજાણ્યા રસ્તા પર જતા ડરે છે? તેઓના પોતાના જૂના રસ્તાનું જ એટલું અભિમાન હોય છે કે તે નવો દ્રષ્ટિકોણ અપનાવવા તૈયાર જ નથી હોતા. આવા સમયે ચેમ્પિયનનું વલણ અલગ હોય છે. તેના માટે દરેક ડર લાગતો રસ્તો એક એડવેન્ચર હોય છે. તેઓ હંમેશા નવું નવું શીખતા રહે છે અને પોતાની જાતને ઘડતા રહે છે. તમે શું કરવા માંગો છો તે તમારે નક્કી કરવાનું છે.
ફૂડ ફોર થોટ
તમારા ભૂતકાળમાં ડોકિયું કરો અને કોઈ એવો આઈડિયા શોધી લાવો જેના માટે તમે ના પાડી દીધી હોય. બની શકે તે સમયે તમારા પર તમારી માન્યતાઓ અને વિચારો હાવી થઇ ગયા હોય. હવે તેમાંથી કોઈ આઈડિયા એવો હોય કે જેને તમે આવકારી શકો તેમ હોય તો તેના પર અમલ કરો. જેથી કરીને તમને અફસોસની લાગણી ના અનુભવાય.