દરેક વ્યક્તિની વિશ્વાસની વ્યાખ્યા અલગ અલગ હોય છે. ઘણા લોકો ભગવાન પર વિશ્વાસ કરે છે, ઘણા લોકો કોઈ સાધુ-ગુરુ પર વિશ્વાસ કરે છે, ઘણા લોકોને કોઈ જ્યોતિષ પર વિશ્વાસ હોય છે, ઘણા લોકોને કોઈ ગામની પાદરે આવેલ માતાજીના મંદિર પર વિશ્વાસ હોય છે, કોઈ લોકોને પોતાના જ્ઞાન પર વિશ્વાસ હોય છે તો સામે ઘણા લોકો એવા પણ છે જેને પોતાની જાત પર વિશ્વાસ હોય છે, યુનિવર્સ પર – એનર્જી પર વિશ્વાસ હોય છે.
તમે આ બધામાંથી ક્યાં વ્યક્તિ છો? જવાબ કોઇપણ હોય – પણ જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો વિશ્વાસ હોવો જરૂરી છે – તમારી જાત પર વિશ્વાસ. આજના સિક્રેટમાં વર્લ્ડક્લાસ લોકોના જીવનમાં વિશ્વાસનું અને આધ્યાત્મિકતાનું શું મહત્વ છે તેની વાત કરવી છે. તો શરુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તો એ જ ઉભો થાય કે વિશ્વાસ કઈ રીતે કેળવવો જોઈએ? શેમાં વિશ્વાસ કેળવવો જોઈએ? મુહમ્મદ અલી કહેતા કે,
“મને મારી આવડત પર ભરોસો હતો. તેથી જ હું જીતી શક્યો.”
ચાલો હું તમને થોડી ઉપયોગી ચાવીઓ જણાવું જેથી કરીને તમે વિશ્વાસ કેળવી શકો અને વર્લ્ડક્લાસ લોકોમાં પોતાનું સ્થાન પામી શકો:
વિશ્વાસ કેળવવા શું કરવું જોઈએ?
ખોટી માન્યતાઓ
એવરેજ લોકો એવું માને છે કે સફળતાનું કઈ નક્કી નથી. તમને જીવનમાં સફળતા મળે પણ ખરી અને ન પણ મળે. તેઓને પોતાની જાત પર વિશ્વાસ નથી હોતો , નહી કે યુનિવર્સ કે ભગવાન પર. આવા લોકો ક્યારેય ચેમ્પિયન બની શકતા નથી. જો તમારા મનમાં પણ આવી ખોટી માન્યતા હોય તો કાઢી નાખો.
ઘણા એવરેજ લોકોને ભગવાન પ્રત્યે એટલી બધી શ્રદ્ધા હોય છે કે તેઓ પોતાની સફળતા અને નિષ્ફળતા બંનેનો જશ ભગવાનને જ આપે છે. તેઓ પોતાના કામ અને પરિણામની જવાબદારી ઉઠાવવાનું પણ યોગ્ય સમજતા નથી. ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારી જાત પર વિશ્વાસ કરો. તમારા કામની જવાબદારી તમે પોતે ઉઠાવો.
તમને તમારી જાત પર વિશ્વાસ છે કે નહી તે જાણવા માટે કોઈ નવો પ્રોજેક્ટ શરુ કરો. અથવા તો તમારા ધ્યેયને હાંસિલ કરવા માટે તેના પર કામ કરવાનું શરુ કરો. જયારે મુશ્કેલી આવે ત્યારે તમારો આત્મવિશ્વાસ ડગમગવા લાગે તો સમજી લો કે તમારે હજુ પણ વિશ્વાસ કેળવવા પર કામ કરવાની જરૂર છે.
ફૂડ ફોર થોટ
તમારા જીવનના ૧૦ અંગત લોકોને મળો. તેને પૂછો કે – “તમને તમારી જાત પર કેટલો વિશ્વાસ છે?” તેઓને તેના જવાબને ૧ થી ૧૦માં આંકવાનું કહો. ત્યારબાદ તેને ફરીથી એક પ્રશ્ન પૂછો – “તમને ભગવાન કે દૈવી શક્તિમાં કેટલો વિશ્વાસ છે?” તેના બંને જવાબો પરથી તમને તેની માનસિકતા અને તેના વિચારો વિશે ખબર પડશે. આ બંને પ્રશ્નો તમારી જાતને પણ પૂછો અને જરૂર પડે તો તમારા વિચારો અને માનસિકતા બદલતા ખચકાવ નહી.