આજના સિક્રેટમાં નેટવર્કિંગની યોગ્ય સ્ટ્રેટેજી અંગેની વાત કરીશું.
નેટવર્કિંગ અંગેની ખોટી માન્યતા
એવરેજ લોકોના મતે નેટવર્કિંગની વ્યાખ્યા સાવ સરળ હોય છે: સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવો, બધા લોકો સાથે પોતાના ધંધાના વીઝીટીંગ કાર્ડ શેર કરવા અને મોજમજા કરીને ઘર ભણી પાછા ફરવું. એવરેજ લોકો નેટવર્કિંગને ગંભીરતાથી સમજતા નથી. જયારે વર્લ્ડક્લાસ લોકો માટે નેટવર્કિંગ એક મિલકત સમાન છે. તેઓનું એક પ્રોફેશનલ ગ્રુપ કે જે તેને ધંધામાં કામ આવે અને બીજું અંગત ગ્રુપ પણ હોય છે. કોઈપણ ધંધાર્થી વિશે જાણવું હોય તો તેનું નેટવર્ક કેટલું મોટું છે તે પહેલા જાણો. તમે ધંધામાં જેટલા વધુ લોકોને જાણતા હશો તેટલો જ ફાયદો તમને વધુ થશે.
રાજકારણીઓમાં ઉત્તમ નેટવર્કિંગની આવડત હોય છે. તેઓ જયારે પણ અલગ અલગ શહેરની મુલાકાત લે ત્યારે તે શહેરના મોટા મોટા ધંધાર્થીઓને મળે છે. તેની સાથે સારા અને લાંબાગાળાના સંબંધો વિકસાવે છે. તેઓ થાક્યા વગર નવા નવા લોકો સાથે સંબંધો બનાવે છે અને તે સંબંધોને જાળવી પણ રાખે છે. તેઓ દરેક ક્ષેત્રના ઉચ્ચ લોકો સાથે સારામાં સારા સંબંધો વિકસાવે છે.
ઉત્તમ લીડર્સ માત્ર લોકોને વીઝીટીંગ કાર્ડની વહેંચણી કરતા નથી. તેઓ એવા લોકો સાથે જ સારા સંબંધો વિકસાવે છે જેના થકી તેને ભવિષ્યમાં ફાયદો થવાનો હોય. તેઓના નેટવર્કમાં એવા જ લોકો હોય છે જે તેને ભવિષ્યમાં મદદરૂપ થાય. વર્લ્ડક્લાસ લોકો એ વાત સારી રીતે જાણે છે કે દરેક ધંધાર્થી નેટવર્કિંગ કાર્યક્રમમાં ધંધાની શોધમાં જ હોય છે. વર્લ્ડક્લાસ ચેમ્પિયન્સ ખૂબ જ હોશિયાર હોય છે. તેઓ ક્યાં પ્રકારના લોકો પોતાના નેટવર્કમાં રાખવા તે અગાઉથી વિચારી રાખે છે. તેઓ ફંડ ઉભું કરવાના કાર્યક્રમો, કલબના કાર્યક્રમો અને અન્ય અનેક કાર્યક્રમોમાં ભાગ લે છે જેથી તેઓનું નેટવર્ક વધતું જાય.
મિડલ ક્લાસ લોકો જયારે માત્ર વીઝીટીંગ કાર્ડની આપ લે કરતા હોય છે ત્યારે વર્લ્ડક્લાસ લોકો દરેક કામના વ્યક્તિ સાથે સારા સંબંધો વિકસાવતા હોય છે. ઉત્તમ નેટવર્કિંગ કરવાનું રહસ્ય જાણો છો? - આત્મવિશ્વાસ. વર્લ્ડક્લાસ લોકોને પોતાની જાત પર પૂરો વિશ્વાસ હોય છે કે તેઓ સારા સંબંધો વિકસાવી શકે છે. મિડલ ક્લાસ લોકો કોઈપણ વ્યક્તિ સાથે સંબંધો વિકસાવે ત્યારે એવી વિચારસરણી રાખે છે કે તેઓ જે તે વ્યક્તિનો ઉપયોગ કરીને સફળ થઇ જશે. જયારે વર્લ્ડક્લાસ લોકોની વિચારસરણી અલગ હોય છે. તેઓ દરેક સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. તેઓ માત્ર પોતાનો સ્વાર્થ સાધવાને બદલે એકબીજાને મદદ કરવાની ભાવના રાખે છે.
ખરી માનસિકતા
મિત્રનું કામ પોતાના મિત્રને મદદ કરવાનું અને તેને પૂરતી તકો આપવાનું છે. ચેમ્પિયન્સ તેના દરેક સંબંધોમાં આ મિત્રતા જેવો વ્યવહાર કરે છે. કોઈપણ માનવીનો એક લાગણીશીલ સ્વભાવ હોય છે. જો આપણને કોઈ મદદ કરે છે તો આપણે પણ તે વ્યક્તિને મદદ કરવી જ જોઈએ. મહાન લોકો તેના નેટવર્કના દરેક વ્યક્તિને મદદ કરવાના અને ધંધાકીય તકો ઉભી કરવાના પ્રયત્ન કરે છે. આ એક સરળ સાયકોલોજી છે. જો તમે કોઈ વ્યક્તિને ભૂતકાળમાં મદદ કરી હશે તો તે વ્યક્તિ તમને જયારે જરૂર પડશે ત્યારે ભવિષ્યમાં મદદ કરશે જ.
વધુમાં વધુ લોકોનું ઉત્તમ નેટવર્ક હોવું તે અમેરિકાના પ્રેસિડેન્ટ હોવા કરતા પણ વધુ સારી બાબત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમારું નેટવર્ક સબળું હશે તો તમે કોઈપણ ધ્યેય હાંસિલ કરી શકશો. તમારી પાસે પણ અમેરિકાના પ્રેસિડેન્ટ જેટલી જ સફળ થવાની તાકાત હશે. માની લો કે હાલમાં તમે એવરેજ લોકોની કેટેગરીમાં છો - પણ જો સમય જતા તમે તમારું નેટવર્ક વધુ સારું અને ઉત્તમ બનાવતા જશો તો બહુ જલ્દી વર્લ્ડક્લાસ લોકો સુધી પહોંચી શકશો.
એવું નથી કે વર્લ્ડક્લાસ લોકોની સામે જ અનેક તકો આવે છે. મિડલ ક્લાસ લોકોની સમક્ષ પણ અનેક તકો આવતી જ હોય છે. પણ તેઓ કોઈ તકમાં પૂરતું ધ્યાન આપવાને બદલે આનંદ અને આરામનું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે. તેઓ ઘણીવાર તો ઉઅતમ તકોને પણ જતી કરી દે છે. તેથી જ તેઓ વર્લ્ડક્લાસ લેવલ સુધી પહોંચી શકતા નથી.
ફૂડ ફોર થોટ
તમારા સંપર્કમાં હોય તેવા લોકોના બે લીસ્ટ બનાવો. એક લીસ્ટમાં એવા ૧૦૦ લોકોના નામ અને ફોન નંબર લખો કે જે તેના ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાએ હોય અને જેના તમારી સાથે બહુ સારા સંબંધો હોય. બીજા લીસ્ટમાં એવા ૧૦૦ લોકોનું લીસ્ટ બનાવો જે તેના ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાએ છે પરંતુ તેની સાથે હજુ સુધી તમે સંબંધો વિકસાવ્યા નથી. આ લીસ્ટ બનાવ્યા પછી એવો ધ્યેય નક્કી કરો કે આવતા ૧૨ મહિનામાં તમે તે ૧૦૦ લોકો સાથે સારા સંબંધો વિકસાવી લીધા હશે.
તમારા સપના અને ધ્યેય પૂરા કરવા માટે એક જ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમને મદદ કરી શકે તેવા સાચા લોકો તમારી આસપાસ હશે તો ચોક્કસ રીતે તમે સફળ બની શકશો. એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિથી કદાચ તમારું જીવન બદલાઈ જાય તેવું પણ બને. તેથી નવા નવા લોકો સાથે સારા સંબંધો વિકસાવતા રહો.