તમારો બદલાવ અંગે શું વિચાર છે?

change by darshali.jfif

 

 

વર્ષોથી માનવી બદલાવથી ભાગતો રહ્યો છે. તેનું કારણ સરળ છે? માનવી જે બાબતો, વ્યક્તિ, પરિસ્થિતિથી ટેવાઈ ગયો છે તેનાથી અલગ કઈ સ્વીકારવું નથી. તેને કદાચ અલગ સ્વીકારવાનું મન થાય તો પણ તેનું ચંચળ મન તેને રોકી રાખે છે. પણ બધા એ વાત પણ જાણે જ છે કે જે વ્યક્તિ બદલાવને ઓળખીને સ્વીકારી જાણે છે તે સફળતા હાંસિલ કરી શકે છે. આજના સિક્રેટમાં એ જ વાત કરવી છે કે ચેમ્પિયન બદલાવ વિશે કેવી માનસિકતા રાખે છે અને શા માટે એવરેજ લોકોથી અલગ તરી આવે છે:
બદલાવ

દુનિયા બદલાઈ રહી છે. ટેકનોલોજી બદલાઈ રહી છે. માનવજાતિ એક અનોખી બદલાવ ક્રાંતિનો સામનો કરી રહ્યું છે. તમે આજે જે શીખેલા છો તે બની શકે આવતીકાલે જુનું થઇ જાય. સમય સાથે સતત બદલાતા રહેવું જ સાચી સફળતાની ચાવી છે. એવરેજ લોકો તેની આવડત, તેનું જ્ઞાન અને તેની માનસિકતાથી એટલી હદે ટેવાઈ ગયા હોય છે કે તેઓ કોઈ બદલાવને સ્વીકારી શકતા જ નથી. જયારે ચેમ્પિયન્સ બદલાવ માટે હંમેશા તૈયાર હોય છે.

તમારી કારકિર્દી અને બદલાવ

ટેકનોલોજી અને ધંધાકીય ક્ષેત્ર ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે - તેથી જો ધંધામાં અને ગળાકાપ હરીફાઈમાં ટકવું હશે તો સતત ઇનોવેશનને સ્વીકારવું પડશે અને સમય સાથે બદલવું પણ પડશે. જો તમે જૂની સ્ટ્રેટેજીઝ, મેથડ્સ અને ટેકનિક્સને જ વળગેલા રહેશો તો હરીફાઈમાં ટકી નહિ શકો. તમારી કોઈપણ પ્રોડક્ટ કે સર્વિસ નકામી પૂરવાર થશે. તમે શાળા કોલેજમાં જે કંઈપણ શીખ્યા છો તે વર્તમાનમાં કામમાં આવે જ તેવું જરૂરી નથી.  એવેરેજ લોકો બદલાવથી ભાગવાનો પ્રયત્ન કરે છે જયારે વર્લ્ડક્લાસ લોકો બદલાવને આવકારે છે.

કેવી માનસિકતા છોડી દેશો?

એવરેજ લોકો બદલાવથી ડરી જાય છે જયારે વર્લ્ડક્લાસ લોકો બદલાવને એક રસપ્રદ તક તરીકે જુએ છે. મહાન લોકો સતત ઇનોવેશનનું મુલ્ય સમજે છે. તેઓ હંમેશા સારા કરતા ઉત્તમની શોધમાં હોય છે. ચેમ્પિયન્સ કોઈપણ બદલાવને એક ગેમ તરીકે જુએ છે જેમાં તેઓને નવા નિયમો સ્વીકારવાના છે, ફ્લેક્સિબલ રહેવાનું છે અને ઇનોવેટીવ બનવાનું છે. એવરેજ લોકો ભૂતકાળમાં ખોવાયેલા રહે છે. મહાન લોકો નવા દિવસો અને વર્તમાનને આવકારે છે.

ફૂડ ફોર થોટ

તમારો એવો કયો આઈડિયા, સ્ટ્રેટેજી કે મેથડ છે જેમાં તમારે બદલાવ લાવવાની જરૂર છે. આજે જ તમારી જાતને તમે વચન આપો એક તમે બદલાવને સ્વીકારશો. આજના હરીફાઈના યુગમાં તમે જેટલા જલ્દી બદલાવને સ્વીકારશો તેટલી જલ્દી સફળતા તમારી નજીક હશે.