તમારો નિષ્ફળતા માટેનો દ્રષ્ટિકોણ કેવો છે?

champion board by darshali soni.jpg

એવરેજ લોકો કરતા ચેમ્પિયન કઈ રીતે અલગ તરી આવે છે? તેને બે પણ બે આંખ, બે કાન અને એક નાક જ હોય છે. બંને પાસે મગજ પણ એક સરખું જ હોય છે. આમ છતાં તેઓ ક્યાં અલગ પડી જાય છે? તેઓના જીવન, સફળતા અને નિષ્ફળતા પ્રત્યેના દ્રષ્ટિકોણના લીધે. એવરેજ લોકો આ દ્રષ્ટિકોણમાં જ તો પાછા પડી જાય છે. તમે કઈ રીતે ચેમ્પિયન જેવો દ્રષ્ટિકોણ કેળવી શકો? તેની વાત આજના સિક્રેટમાં કરવી છે. તમારા માટે નિષ્ફળતા અંગેના શું વિચાર છે તેમાં પણ આપણે એકવાર ડોકિયું કરીશું. તો શરુ કરીએ:

ચેમ્પિયન કેવા હોય?

ચેમ્પિયન્સ સતત કંઇકને કંઇક શીખતા જ રહે છે. તેનો જ્ઞાનગ્રહણ ગાળો જીવનભર ચાલુ રહે છે. તેઓ વ્યક્તિગત વિકાસમાં સૌથી વધુ ધ્યાન આપે છે. તેઓ તેના ધંધા કે નોકરી માટે પણ નવી નવી આવડતો વિકસાવે છે.

જયારે એવરેજ લોકો માટે  “જ્ઞાન, શિક્ષણ, શીખવાનું” આવા શબ્દો શાળાના સમયકાળ સુધી જ કામના છે. ત્યારબાદ તેઓ કંઇક નવું શીખવું અને વ્યક્તિગત વિકાસ કરવો જોઈએ તેવું માનતા નથી. જયારે વર્લ્ડક્લાસ લોકો માટે કોલેજકાળનો અંત એક નવી કારકિર્દીની શરુઆત છે. તેઓ હંમેશા વિદ્યાર્થી બનીને જીવવાનું જ પસંદ કરે છે. આ વર્ષો જૂનો દ્રષ્ટિકોણ છે – આમ છતાં બધા લોકો આ દ્રષ્ટિકોણને સ્વીકારીને જીવનમાં અમલમાં લાવી શકતા નથી.

ચેમ્પિયન અને એવરેજ લોકો વચ્ચેનો તફાવત

ચેમ્પિયન્સ તેના જીવનકાળ દરમિયાન અનેક વિષયોનું ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે છે – તેથી તેઓનો માનસિક વિકાસ એવરેજ લોકો કરતા વધુ થયો હોય છે. આમ પણ ચેમ્પિયન્સને માનસિક અને વ્યક્તિગત વિકાસમાં સૌથી વધુ રસ હોય છે. જયારે નવશિખીયા લીડર્સ કોઈપણ હાલતમાં જોખમો ઉઠાવવા નથી માંગતા ત્યારે ચેમ્પિયન્સ જોખમોને સફળતાની એક તક માને છે.

તેઓ સફળતા મેળવવા માટે શરૂઆતી નિષ્ફળતા સ્વીકારવા પણ તૈયાર હોય છે. ચેમ્પિયન્સની માન્યતા જ અલગ પ્રકારની હોય છે.

લેખક લેરી વિલ્સનના મતે ચેમ્પિયન્સ હંમેશા કહે છે – “હું ક્યારેય નિષ્ફળ થતો નથી...હું શીખું છું અને આગળ વધુ છું. મારા માટે દરેક નિષ્ફળતા એક પાઠ છે.” આવી વિચારસરણીના કારણે ચેમ્પિયન્સ ખતરનાક કહેવાય છે. તેઓ ઉત્તમ પરફોર્મન્સ માટે યુદ્ધના ધોરણે ખતરનાક મહેનત કરે છે. તેઓ માટે નિષ્ફળતા મોટીવેશન બને છે નહી કે નિરાશાનું કારણ.

એવરેજ લોકો ક્યાં પાછા પડી જાય છે?

એવેરેજ લોકો જીતવા તો માંગે છે પરંતુ જીત સાથે આવતું દર્દ સહન કરવા તૈયાર નથી હોતા. ચેમ્પિયન્સને નિષ્ફળતાનો ડર જ નથી હોતો. તેઓ કોઈપણ હાલતમાં જીતવા જ માંગે છે. ચેમ્પિયન્સ તેના મગજનું પ્રોગ્રામિંગ જ એ રીતે કરે છે જેથી તેનો ડર ભાગી જાય છે. તેમજ તેઓ પૂરા ખંતથી તેના ધ્યેયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એવરેજ અને મિડલક્લાસ લોકો ખૂબ જ ડરપોક હોય છે. તેઓ એવા જ ધ્યેય નક્કી કરે છે જે ધ્યેય પૂરા કરવાની તેની ક્ષમતા હોય.

ચેમ્પિયન્સને ધ્યેય પૂર્ણ થયા પછી એક અલગ જ પ્રકારની ખુશી મળે છે. તેના માટે જીતના સંઘર્ષ કરતા જીત બાદની સંતોષની લાગણી વધુ મહત્વની હોય છે. તેઓ માટે સફળતા કરતા સફળતા દરમિયાન મળેલ જ્ઞાન વધુ મહત્વનું હોય છે. જૂની કહેવત છે ને કે મુકામ કરતા મુસાફરીની વધુ મજા લો. બસ એવું જ કંઇક ચેમ્પિયન પણ માનીને આગળ વધતા જાય છે.

ફૂડ ફોર થોટ

તમારી જાતને નીચેનું વાક્ય કહેવાનું શરુ કરી દો:

“હું ક્યારેય હારીશ નહિ, હું હારમાંથી કંઇક નવું નવું શીખીશ.”

૩૦ દિવસ સુધી સતત આ વાક્ય તમારી જાતને કહેતા રહો. – પછી ચમત્કાર જુઓ. તમે એક એવી વર્લ્ડક્લાસ માન્યતાની રચના કરી દીધી હશે જે તમારું જીવન બદલાવી નાખશે. તમારો જીવન માટેનો દ્રષ્ટિકોણ જ બદલી જશે. આમ પણ જીવનમાં દ્રષ્ટિકોણ જ તો મહત્વનો છે.