તમારે કઈ આદત વિકસાવવાની જરૂર છે?

સફળ લોકોના અમુક ચોક્કસ ગુણો હોય છે, તેની અમુક આદતો હોય છે, અમુક વર્તન હોય છે - જે આપણે પણ શીખી શકીએ. આજે એવી થોડી આદતો કહો કે ગુણોની વાત કરવી છે જે વિકસાવવાથી તમે સફળતાની સીડીમાં એક ડગલું આગળ વધી શકશો.

વર્લ્ડ ક્લાસ લોકો ઉત્તમ ચારિત્ર્ય ધરાવે છે. તેઓ ખૂબ જ મજબુત મનોબળ ધરાવે છે. તેઓની માન્યતાઓ, વિચારો અને આત્મવિશ્વાસ ગજબના હોય છે. ચેમ્પિયન્સ હંમેશા જે કહે છે તે કરે જ છે. જો ચેમ્પિયન્સ તમારા મિત્રો હોય તો યાદ રાખજો - જયારે પણ તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા હશો ત્યારે તેઓ હંમેશા તમારો સાથે દેશે. તેઓ મુશ્કેલીના સમયમાં ભાગશે નહિ. તેઓ તેનાથી બનતી બધી જ મદદ કરી છૂટશે. ચેમ્પિયન્સ માટે હાથ મિલાવવો - એક ફોર્માલીટી નથી પણ તેની વચનબદ્ધતાનું પ્રમાણ છે. તેનો દુનિયા પ્રત્યેનો નજરીયો જ અલગ હોય છે. ચેમ્પિયન્સ હંમેશા કહે છે - તમારે તમારું જીવન કેવું બનાવવું તે તમારે નક્કી કરવાનું છે. તેમજ તમે જીવનને કેવા દ્રષ્ટિકોણથી જૂઓ છો તે પણ બહુ જ મહત્વની બાબત છે.

ચેમ્પિયન્સ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. મુશ્કેલીના સમયે તેઓ પોતાના ચારિત્ર્યથી વિરુદ્ધ જઈને કોઈ કામ કરતા નથી. તેઓ પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહે છે. તેઓ પોતાના મુલ્યો અને ચારિત્ર્યની મર્યાદામાં રહીને જ કામ કરે છે. ચેમ્પિયન્સને એવું લાગે કે તેના ધ્યેય અને ઇચ્છાઓને કારણે બીજા લોકો પ્રતિકુળતા અનુભવી રહ્યા છે - તો તેઓ તરત જ પીછેહઠ કરી લે છે. ગુનેગારો અને ચેમ્પિયન્સ વચ્ચે એ જ તો મુખ્ય તફાવત છે - તેનું ચારિત્ર્ય. એક નાનો એવો ફરક જ તમને મહાન પણ બનાવી શકે છે અને ગુનેગાર પણ.

ફૂડ ફોર થોટ

તમારી જાતને વચન આપો કે તમે જે તમારી જાતને કહેશો તે કરીને જ રહેશો. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ તમે પીછેહઠ નહિ કરો. તમારી જાતને આપેલ વચનને એક કાગળમાં લખી લો. આ ફિલોસોફીના કારણે તમે દુનિયાના અન્ય ૯૫% લોકો કરતા અલગ તરી આવશો. આ પ્રવૃત્તિ દ્વારા તમારા અન્ય લોકો સાથેના સંબંધો પણ વધુ સારા બનશે.