તમારું વલણ જ તમારી દુનિયા બનાવે છે

attitude.jpg

વલણ માટેનો અંગ્રેજી અને જાણીતો શબ્દ છે – એટીટ્યુડ. આમ તો ઘણીવાર આ એટીટ્યુડ શબ્દનો ઉપયોગ નકારાત્મક દ્રષ્ટિકોણ માટે વાપરવામાં આવે છે. પણ ગુજરાતીમાં જ વલણ શબ્દ પર ધ્યાન આપીએ તો આ શબ્દનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે. 

તમે જીવનની કોઇપણ પરિસ્થિતિ ઉપાડી લો – વાસ્તવિક કે પછી કાલ્પનિક. તમારું જે-તે પરિસ્થિતિ પ્રત્યે કેવું વલણ છે તેના પરથી જ તમારી આસપાસ ઘટના ઘટતી હશે. પછી તે હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક. 

સામાન્ય રીતે માનવી તેનો મોટાભાગનો સમય કામ કરવામાં એટલે કે રોજીરોટી કમાવવામાં વિતાવતો હોય છે. તેથી તેના માટે કામના સ્થળે સાચું વલણ ખૂબ જ મહત્વની વાત બની જાય છે. તેથી આજના સિક્રેટમાં તમે ચેમ્પિયન બની શકો તે માટે કેવું વલણ અપનાવવું જોઈએ અને કેવું વલણ ટાળવું જોઈએ તેની ચર્ચા કરીશું.

વર્લ્ડક્લાસ લેવલે પહોંચેલા કોઈપણ વ્યક્તિને પૂછશો તો કહેશે કે -"તમારું વલણ જ તમને સફળ કે નિષ્ફળ બનાવી શકે." અમે કરેલા રીસર્ચ મુજબ ચેમ્પિયન્સ બીજા પર ધ્યાન આપવાને બદલે પોતાના વલણ - એટીટ્યુડ પર વધુ ધ્યાન આપે છે. જયારે બે સફળ લોકોની તુલના કરવામાં આવી ત્યારે સૌથી વધુ ખુશ વ્યક્તિ એ હતો કે જે સતત તેનું વલણ સુધારવા પર ધ્યાન આપતો હતો. મોટાભાગના લોકો   ઓર્ગેનાઈઝેશનમાં ટકી રહેવા માટે પોતાનું વલણ બધા લોકો પ્રત્યે સરખું રાખે છે. જયારે ચેમ્પિયન્સ સમય અને લોકો મુજબ પોતાનું વલણ બદલાવતા રહે છે. તેઓ પોતાના વલણમાં સતત હકારાત્મક ફેરફારો લાવતા રહે છે.

શું ન કરવું જોઈએ?

એવરેજ લોકો વલણ - એટીટ્યુડ ડેવલપમેન્ટને બહુ મહત્વ આપતા નથી. તેના માટે વલણ અને મોટીવેશનના સેમિનાર્સ પણ નકામા છે. જયારે ચેમ્પિયન્સ વલણને જીવનનો એક અતિ મહત્વનો ભાગ સમજે છે. તમે જીવનમાં ગમે તેટલા લોકોને મળો, ગમે તે કામ કરો - તમારા વલણની આ દરેક બાબત પર અસર જોવા મળે જ છે. તમારી ખૂશી અને સંતોષની લાગણી પર પણ વલણની અસર જોવા મળે છે.

તમે શું કરી શકો?

તમે ધારો તેવું વલણ અપનાવી શકો. તમે ધારો તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ તમે ખુશ રહેવાનું વલણ અપનાવી શકો. કોઈપણ બાબત પ્રત્યે તમારું વલણ કેવું છે તેના પર જ તમારી ખૂશીનો આધાર છે. 

કોઈપણ મોટા ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓનું નિરીક્ષણ કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે તેઓના વલણ હકારાત્મક જ હોય છે. અમારા દરેક રીસર્ચ પરથી એક જ તારણ આવ્યું છે કે કોઈપણ વ્યક્તિની સફળતામાં તેનું વલણ બહુ મોટો ભાગ ભજવે છે.

હજુ એક તારણ પણ અમને મળ્યું છે - તમારું જીવન પ્રત્યે જેટલું સારું વલણ હશે તેટલી જ વધુ ખૂશી તમે તમારા જીવનમાં અનુભવશો. આપણે જ આપણી ખૂશીની ઘડવૈયા છીએ. એટલે એવું ચોક્કસપણે કહી શકાય કે ખુશી અને વલણ એકબીજા સાથે જોડાયેલા છે. એક નાનો એવો વિચાર દ્રષ્ટિકોણમાં બદલાવ – તમારું જીવન બદલી શકે છે. 

ફૂડ ફોર થોટ

તમારું જીવન પ્રત્યેનું વલણ કેવું છે? - આ જવાબને ૧ થી ૭ના સ્કેલ પર આંકો. તમારો જવાબ ૭થી ઓછો હોય તો તમારે તમારા વલણમાં ફેરફાર કરવાની જરૂર છે.  વલણ એક નિર્ણય છે. તમે ધારો તે દિશામાં તમારા વલણમાં ફેરફાર કરી શકો. તમે હકારાત્મક વલણ પણ રાખી શકો અને નકારાત્મક વલણ પણ રાખી શકો. વલણ એ આપણો દ્રષ્ટિકોણ છે. વલણનો કોઈપણ સંજોગ કે વ્યક્તિ કે પરિણામ સાથે કોઈ સંબંધ નથી. તમારી આદતો, વર્તન અને એક્શનના આધારે જ તમારું વલણ ઘડાય છે. તમારે જીવન અને લોકો પ્રત્યે કેવું વલણ રાખવું તે તમારે જ નક્કી કરવાનું છે.