તમને હરીફાઈમાં ભાગ લેવો ગમે છે? અથવા તમને એવું લાગે છે કે હરીફાઈમાં રાજકારણ જ થાય છે. તેથી ક્યારેય ભાગ ન લેવાય. અથવા તો તમને હંમેશા એવો ડર રહે છે કે તમે હારી જશો તેથી હરીફાઈમાં ભાગ ન લેવાય. અથવા તો તમને એવું લાગે છે કે તમારા હરીફ તમારાથી વધુ આગળ નીકળી જઈ શકે તેમ છે. અથવા તો તમને હરીફાઈ બહુ જ ગમે છે અને તમે હંમેશા હરીફાઈમાં ભાગ લો છો અને જીતીને જ આવો છો.
ઉપરની બાબતોમાંથી તમે જે બાબત સાથે સહમત થાવ છો તેના પરથી નક્કી થાય છે કે તમે ચેમ્પિયન છો કે પછી એવરેજ લોકોની માનસિકતા ધરાવનાર વ્યક્તિ. આજના સિક્રેટમાં – “તમારો હરીફાઈ માટેનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ” તેની વાત કરવી છે. તો શરુ કરીએ:
સૌથી પહેલા તો હરીફાઈનો ડર તમારા મગજમાંથી કાઢી નાખો. જોખમો ઉઠાવતા શીખો. જયારે હરીફથી ડર લાગે ત્યારે હ્ર્દય પર હાથ રાખી ને – “ઓલ ઈઝ વેલ” બોલો. આટલું બોલવાથી કઈ નહી થાય. તમારી આવડતનો ઉત્તમ ઉપયોગ કરીને હરીફાઈમાં રમવું પણ પડશે. તેમજ જીતવાની માનસિકતા સાથે જ રમો. આવું એક માઈન્ડ સેટ કરશો ત્યારે ધીમે ધીમે ચેમ્પિયનની દિશા તરફ આગળ વધશો.
આ પુસ્તકના લેખક સ્ટીવ સાયબોલ્ડની મેન્ટલ ટફનેસ યુનીવર્સીટીમાં એક ટેકનીક શીખવવામાં આવે છે. જેનું નામ છે – “ધ ફાઈવ લેવલ્સ ઓફ મેન્ટલ ટફનેસ” આ ટેકનીક થકી તમે તમારું પરફોર્મન્સ લેવલ માપી શકો છો. જેથી કરીને હરીફાઈમાં કઈ રીતે આગળ વધવું તે જાણી શકાય. તેના પાંચ લેવલ કંઇક આવા છે:
૧ હારી ના જાવ એટલે રમવું.
તમે રમતી વખતે શું વિચારો છો? હારી નથી જવું એટલે મહેનત કરી લઉં? એમ કે પછી જીતવું જ છે એટલે રમી લઉં. જો તમે રમવા ખાતર રમતા હશો તો ક્યારેય ચેમ્પિયન નહી બની શકો. તમારી અંદર રમવા માટેનો અને જીતવા માટેનો જુસ્સો હોવો જરૂરી છે.
૨ મોજ માટે રમવું
ઘણા લોકોને હાર કે જીતથી કઈ ફર્ક નથી પડતો. તેઓ તો બસ જીવનની મજા માણવા માટે રમતા હોય છે. તેઓ માટે કારકિર્દી કે પછી જીવનની કોઈ ગંભીર મહત્વતા નથી હોતી. તેઓ વર્તમાનમાં જીવીને જિંદગી માણવામાં જ માનતા હોય છે. શું તમે તેમાંના એક છો?
૩ સ્વને ઉત્તમ બનાવવા રમવું
આવા લોકો ખરેખર ચેમ્પિયન બનવાના લક્ષણો ધરાવે છે. તેઓ સ્વવિકાસ ઈચ્છતા હોય છે. તેઓને હરીફાઈથી કઈ ફર્ક નથી પડતો. તેઓ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ કેમ આપી શકાય તેના પર જ ધ્યાન આપતા હોય છે. તેઓ પોતાની જાતને સુધારવા માટે જ હરીફાઈમાં ભાગ લેતા હોય છે.
૪ ટકવા માટે રમવું
આવા લોકો સફળતાની પાછળ ભાગતા હોય છે. તેઓ હરીફાઈમાં ભાગ પણ લઇ લે છે અને જીતી પણ જાય છે. પણ પછી નિરાશ થઇ જાય છે – “હવે શું? બસ આને જ સફળતા કહેવાય?” આવું વિચારીને તેઓ ફરીથી કંઇક નવી દોડમાં ભાગવા લાગે છે. તેઓ સમાજમાં ટકી રહેવા માટે અને સફળતા હાંસિલ કરવા માટે જ હરીફાઈમાં ભાગ લેતા હોય છે. જો કે હરીફાઈમાં ભાગ લઈને જીતવા માટે તમારે અનેક પ્રકારના ભોગ પણ દેવા પડે છે. કારણ કે જીવનમાં કઈ જ મફત મળતું નથી. બધાની એક કિંમત તો ચૂકવવી જ પડે છે.
૫ જીતવા માટે જ રમવું
આવા લોકોનો એક જ ધ્યેય હોય છે – હરીફાઈમાં જીતવું અને ચેમ્પિયન બનવું. તેઓ સારી રીતે એક સત્ય જાણે છે – “જયારે તમે સર્જન કરી રહ્યા હો ત્યારે ડરનું કોઈ સ્થાન હોતું જ નથી.” જયારે તમે હરીફાઈમાં ભાગ લો છો ત્યારે તમે તમારી જાતને અને તમારી આવડતને સાબિત કરતા હોવ છો. સાચું કહું તો હરીફાઈમાં હંમેશા જીતવાનો ધ્યેય રાખશો તો તમારી અંદર એક અલગ જ પ્રકારનો જુસ્સો આવી જશે. જે તમને જીવનમાં સતત આગળ વધવામાં મદદરૂપ થશે.
આ પાંચ લેવલમાંથી તમારે એ જાણવાનું છે કે તમે ક્યાં પ્રકારના વ્યક્તિ છો. તમારે કઈ રીતે તમારી અંદર સુધારા લાવવાની જરૂર છે. એવું જરૂરી નથી કે હરીફાઈ કોઈ રમતમાં જ હોય. તમારા ધંધામાં, તમારી નોકરીમાં અને હા, તમારી જાત સાથે પણ હરીફાઈ હોઈ શકે છે.
કઈ રીતે તમે તમારી જાતને જ હરાવીને આગળ વધી જાવ તે વિચારો. કોઈવાર તમારી પાસે હકારાત્મક અને નકરાત્મક બંને પ્રકારના વિચારો અને લાગણીઓ હશે. ત્યારે હરીફાઈમાં કોણ જીતશે તે તમારે નક્કી કરવાનું છે. તેના માટે તમારે ઉત્તમ પરફોર્મન્સ આપવાનું છે. બ્રુસ લીની જેમ લડવા આવીને હકારાત્મકતાને જીતાડી જ દેવાની છે. બસ આવી માનસિકતા રાખશો અને જીવવાનું શરુ કરશો એટલે ચેમ્પિયન બની જશો.
ફૂડ ફોર થોટ
આજે તમારા અનુભવોનું એક લીસ્ટ બનાવો. તમે જીવનમાં કેટલીવાર હાર્યા છો અને કેટલીવાર જીત્યા છો – તેનું લીસ્ટ. તમે જીત્યા તો કઈ બાબતોને કારણે અને શા માટે હાર્યા તે પણ જાણી લો. આવા સ્વ વિશ્લેષણથી તમને આવનારી હરીફાઈમાં જીતવાની ટેકનીક મળી જશે.