વર્ષોથી આપણે એ વાત જાણીએ છીએ કે “પરિવર્તન સંસારનો નિયમ છે” પછી તે તમારી કારકિર્દીની વાત હોય, જીવનની વાત કે સંબંધોની વાત હોય. આમ છતાં આ સત્યને જીવવું કેમ અઘરું લાગે છે? - આજના સિક્રેટમાં ફિલોસોફીની વાતો નથી કરવાના. પણ હા, આ “પરિવર્તન”ને સ્વીકારતા શીખી જઈએ તો તમારી કારકિર્દીને કઈ રીતે ચાર ચાંદ લાગી જાય તે જરૂરથી સમજીશું. તો શરુ કરીએ:
ખોટી માન્યતા
મિડલ ક્લાસ મેનેજર્સના મતે ઓર્ગેનાઈઝેશનમાં બધું એક સીસ્ટમ અને નિયમ મુજબ ચાલે એટલે ઘણું. જયારે વર્લ્ડ ક્લાસ મેનેજર્સ ઓર્ગેનાઈઝેશનને વધુને વધુ ઉત્તમ બનાવવા સતત પ્રયત્ન કરતા રહે છે. તેના માટે તે અનેક બદલાવો લાવે છે. તેઓ બદલાવથી ડરતા નથી.
એક મેનેજર તરીકે તમે ક્યાં પ્રકારના લીડર બનવા માંગો છો તે તમારે નક્કી કરવાનું છે. તમે તમારા કર્મચારીઓ સાથે એક અતિ કાળજીથી જતન કરતા હોય તેવા કોમળ લીડર પણ બની શકો. અથવા તો તમે તમારા કર્મચારીઓને એક ઉત્તમ નેતૃત્વ થકી સફળ બનાવો. જરૂરી નથી કે તમારી પાસે મેનેજર લેવલની નોકરી હોય તો જ તમે આ બધા ગુણો વિકસાવી શકો. તમારા રોજિંદા જીવનમાં, તમારા કામના કલાકોમાં પણ આ બાબતો પર ધ્યાન આપી શકો છો.
આવા લીડર્સ પસંદ ન કરો
નવશિખીયા લીડર્સ પોતાની જાતને કર્મચારીઓના પાલક અને માર્ગદર્શક માને છે. તેઓ તેની લાગણીને પોતાના પર હાવી થવા દે છે. તે તેના કર્મચારીઓને બદલાવને સ્વીકારવો જોઈએ તેવું શીખવાડવાને બદલે બદલાવથી બચાવવાનો પ્રયત્ન કરે છે. જયારે ઉત્તમ મેનેજર્સ પોતાની જાતને બદલાવના એજન્ટ માને છે. તેઓ તેના કર્મચારીઓને માનસિક રીતે બદલાવ માટે તૈયાર કરે છે અને જરૂરી ટ્રેઈનીંગ પણ આપે છે.
ઉત્તમ મેનેજર કેવા હોય?
એવેરેજ મેનેજર માટે લીડરશીપ એક નોકરી છે. જયારે ઉત્તમ મેનેજર માટે લીડરશીપ એક જવાબદારી છે - કારકિર્દી છે. ઉત્તમ મેનેજર દરેક કર્મચારીની આવડતોને બધાની સામે બહાર લાવે છે. જયારે એવરેજ મેનેજરને માત્ર પોતાની નોકરીથી જ મતલબ હોય છે. ઉત્તમ મેનેજર એક સાથે અનેક રોલ નિભાવે છે - એક માર્ગદર્શક, એક શિક્ષક, એક સલાહકાર, એક આયોજક, એક માનસિક ચિકિત્સક, એક વાલી અને એક ઉત્તમ મિત્ર પણ.
તમે મહાન મેનેજરને કઈ રીતે ઓળખશો? - તેનું દરેક લોકો પ્રત્યેનું વલણ અને તેના કામ પરથી. તેની કામ કરવાની પદ્ધતિની ઝલક તમને તેની ટીમમાં પણ જોવા મળશે. તેઓ તેની ટીમને તેના જેવા જ ઉત્તમ બનાવી દે છે. વર્લ્ડ ક્લાસ મેનેજરની ટીમ પણ વર્લ્ડ ક્લાસ જ હોય છે.
જે લીડર બદલાવને સ્વીકારી ન શકે અને જે લીડર તેની ટીમને બદલાવ સ્વીકારવા પ્રેરી ન શકે તે લીડરમાં હજુ ઘણું ખૂટે છે તેવું કહી શકાય.
ફૂડ ફોર થોટ
જો તમે મેનેજર હો તો નીચેનો પ્રશ્ન તમારી જાતને પૂછો:
"શું મારી કામ કરવાની પદ્ધતિ એક લીડર જેવી છે કે માત્ર મેનેજર જેવી જ છે?"
"હું ઓર્ગેનાઈઝેશન અને કર્મચારીઓમાં બદલાવ લાવવામાં માનું છું કે મને માત્ર નોકરીથી જ મતલબ છે?"
“મારા માટે ટીમનું મહત્વ પહેલા છે કે મારી જાતનું મહત્વ?”
“મારી સામે કોઈ પડકાર આવે ત્યારે તેનો ઉકેલ હું શોધું છું કે મારી ટીમ પર ઢોળી દઉં છું?”
“હું નવા આઈડિયાઝને જલ્દીથી સ્વીકારું છું કે મારા આઈડિયાઝ અને વિચાર પર જ અમલ કરું છું?”
આવા તો અનેક પ્રશ્નો પૂછવાથી તમને એ સમજાશે કે તમે પરિવર્તનને કેટલી હદે સ્વીકારો છો? સાથોસાથ એક ઉત્તમ લીડરશીપની વાત આવે ત્યારે તમારે હજુ કેટલું કામ કરવાની જરૂર છે.