તમે નાનપણથી સ્વામી વિવેકાનંદની એક વાર્તા સાંભળતા આવ્યો હશો. જેમાં તે કઈ રીતે એકદમ એકાગ્ર ચિતથી અનેક પુસ્તકો બહુ જ ઓછા સમયમાં વાંચી શકતા તેની વાત છે. પછી તમે પેલા અર્જુનની તીર વાળી વાર્તા પણ ઘણીવાર સાંભળી હશે. હાલમાં તો યુવાનો અનેક પુસ્તકો અને યુટ્યુબમાંથી એકાગ્રતા વધારવા માટેની ટેકનીક્સ શીખે છે. કોઈ વૈજ્ઞાનિક ઉપાયો શોધે છે તો વળી કોઈ ધ્યાન અને સાધનાને મહત્વ આપે છે. તમે પોતે પણ તમારા વિદ્યાર્થીકાલ દરમિયાન એકાગ્રતા માટે અનેક પ્રવૃતિઓ અજમાવી જ હશે. પણ ક્યારેય એવું વિચાર્યું કે શા માટે એકાગ્રતા માત્ર ભણવા માટે જ જરૂરી છે? શા માટે તેને જીવનના દરેક તબ્બકામાં ના ઉતારી શકાય? તેનાથી એવો તો વળી શું ફાયદો થઇ જવાનો છે? અને મહત્વનો પ્રશ્ન – ખરેખર એકાગ્રતા વધારવા માટે કરવું શું?
બસ આવા અનેક પ્રશ્નોનો જવાબ તમને આજે સિક્રેટ નંબર ત્રણમાંથી મળવાનો છે – “ચેમ્પિયનની એકાગ્રતા ગજબની હોય છે.”
ચાલો પેલા તો વાતને મૂળથી સમજીએ:
માનવી પાસે અખૂટ બુધ્ધી અને શક્તિઓ રહેલી છે. પ્રશ્ન છે તે શક્તિ અને બુધ્ધીને સાચી દિશા આપવાનો. ઘણીવાર તમે સાંભળ્યું હશે – “નવરા બેઠા નખ્ખોદ વાળે.” ઘણા લોકોને પોતાની શક્તિ કે બુધ્ધીને સાચી દિશા આપીને કઈ રીતે ચેમ્પિયન બનવું તે જ ખબર હોતી નથી. તેથી જ ઘણીવાર એવું થાય છે કે આવા લોકો અનેક ધ્યેયો રાખે છે અને પછી ઉતાવળમાં એકપણ ધ્યેય હાંસિલ થતો નથી. કારણ કે તેઓને ખબર જ નથી હોતી કે ક્યાં કામને કેટલું મહત્વ અને કેટલો સમય આપવો.
અહી એક નાનું એવું સિક્રેટ કહું – “અનેક ધ્યેયો કરતા એક જ ધ્યેય રાખો.” એક પછી એક ધ્યેય પુરા કરશો તો દરેક ધ્યેયને પૂરો ન્યાય પણ આપી શકશો. પણ હવે વાત આવે તે ધ્યેયને કઈ રીતે એકાગ્રતાથી પૂરો કરવો – સરળ જવાબ છે: “આયોજન અને અમલ.”
એવરેજ માનસિકતાવાળા લોકો આયોજનથી જ અટકી જશે. તેઓ અમલ કરવામાં કાચા પડે છે. તેથી જ તેઓના આયોજન માત્ર કાગળ પર જ લઇ જાય છે. મારા એક ગુરુ કહેતા – “દોરવા માટે તો કાગળ પર લાસ વેગાસ પણ ઉભું થઇ જાય. પણ તેના ખરા અમલ માટે નાણા, સ્ટ્રેટેજી, લોકો, સમય ક્યાંથી લાવશો?”
બસ ચેમ્પિયન અને એવરેજ લોકોમાં આ જ તો ફર્ક છે. ચેમ્પિયન જયારે કોઈ આયોજન કરે છે ત્યારે બધા રિસોર્સિસ ભેગા કરીને તેને અમલમાં પણ મૂકી જાણે છે. તેના માટે તે બધું જ કરી છૂટે છે. અહી હજુ એક વાત સમજવાની – તમે મહેનત જ કરો તે કાફી નથી – સાચી દિશામાં અને એકાગ્રતાથી મહેનત કરશો તો વધુ ફાયદો થશે. ચાલો એક ઉદાહરણ આપું –
માની લો કે તમને પેઈન્ટીંગનો શોખ છે. એક સમય એવો હતો કે તમે એકવાર બેસીને ચિત્ર દોરવા લાગતા તો જ્યાં સુધી તે પૂરું ન થઇ જાય ત્યાં સુધી તમારો બધો જ સમય અને એકાગ્રતા તેમાં જ આપતા તો તે માસ્ટર પીસ બનતું. પણ હવે તમે વચ્ચે વચ્ચે બ્રેક લઈને ચિત્ર દોરવા લાગ્યા છો. – તો તમને જ તમારા કામમાં તેનો ફર્ક દેખાશે.
એક વ્યક્તિ પેઈન્ટીંગ પાછળ એટલો પાગલ હતો કે ચિત્ર બનાવતી વખતે તેના માથા પર પક્ષી આવીને ખોતરવા લાગે તો પણ તેને એ વાતનું ભાન ન રહેતું. તેણે પોતાના જીવનકાળ દરમિયાન ૨૧૦૦થી વધુ ચિત્રો દોર્યા. તેનું નામ હતું – વાન ઘોઘ. મહાન ચિત્રકારની એકાગ્રતા પણ તમે જોઈ લો.
આ બધી તો ચાલો વાતો થઇ – એકાગ્રતાથી મહાન થયેલા લોકોની. હવે તમારે સમજવાનું એ છે કે તમે કઈ રીતે એકાગ્રતા થકી ચેમ્પિયન બનશો.
એક પ્રવૃત્તિ આજથી જ શરુ કરો – એક કાગળ અને પેન લઈને રાત્રે સુઈ જવાનું. જે કંઈપણ આઈડિયા મગજમાં આવે, કોઈ મુશ્કેલીનું નિરાકરણ મળી જાય, કંઇક હિન્ટ મળી જાય – તે પછી કંઈપણ હોઈ શકે. આવું કરવાથી તમારું મન શાંત વાતાવરણમાં એકાગ્ર થવા લાગશે. ધીમે ધીમે તમારા રોજબરોજના કામ માટે પણ તમારી આસપાસ એવો માહોલ ઉભો કરી દો.
બની શકે શાંત માહોલમાં તમારું મન જલ્દી એકાગ્ર થઇ જાય. તમે ઈચ્છો તો કોઈ વર્ક પ્લેલીસ્ટ પણ ચાલુ કરી શકો. હાલમાં તો તમે તમારા ફોનમાં અનેક પ્રકારન મેડીટેશન એપ પણ નાખી શકો છો. હું એમ નથી કહેતી કે આ બધા જ નુશખા અપનાવો – આમાંથી એક તો અજમાવો. ધીમે ધીમે કોઈ પ્રવૃત્તિ આદત બનતા વાર નથી લાગતી.
તમે આ બધું કરીને કદાચ એમ પણ કહેશો કે આવું તો ઘણીવાર કરેલું છે. કઈ જ ફર્ક પડતો નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તમને ટેકનીક પર ભરોસો નથી. તમને તમારી જાત પર અને તમારા વિચારો પર ભરોસો નથી. તેની સામે ચેમ્પિયન પોતાના વિચારોને તો કાબુમાં રાખે જ છે સાથોસાથ દરેક ટેકનીકને દિલથી અપનાવે છે. તેથી જ તેઓ ચેમ્પિયન કહેવાય છે.
ફૂડ ફોર થોટ
આજે તમારે એક લીસ્ટ બનાવવાનું છે. જેમાં સૌથી પહેલા તમારા જીવનના બધા જ ધ્યેય લખી નાખો.પછી તે દરેક ધ્યેય તમે કઈ ઉંમરે કે પછી કઈ સાલમાં હાંસિલ કરવા માંગો છો તે લખી નાખો.
ત્યારબાદ બધા જ ધ્યેયોને પ્રાયોરીટી આપી દો. પછી દરેક ધ્યેય પૂરો કરવા માટે કયા પ્રકારના રિસોર્સ જોઇશે તેનું પણ લીસ્ટ બનાવી લો. તે ક્યાંથી મળશે અને કોની પાસેથી તે પણ જાણી લો.
સૌથી છેલ્લે ટૂંકાગાળાનો પહેલો ધ્યેય નક્કી કરો અને તે ધ્યેય પૂરો કરવા માટે આયોજન કરી લો. પછી ઉપર જણાવેલ એકાગ્રતાની ટેકનીકનો ઉપયોગ કરીને તેનો અમલ કરવાનું શરુ કરી દો. પછી તો તમને પણ ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહી.