તમારી આવડત થકી માસ્ટર બનો

BE EXPERT BY DARSHALI SONI.jpg

તમારી આવડત થકી માસ્ટર બનો

બોલીવુડના ડીરેક્ટર અનુરાગ કશ્યપનું નામ તમે સાંભળ્યું હશે. અથવા તો તમે તેના બનાવેલા પ્રખ્યાત મુવીઝ જોયેલા હશે જેમ કે – ગેન્ગ્સ ઓફ વાસેપુર, મનમર્ઝીયા. અનુરાગ કશ્યપે જ્યારે બોલીવુડ ક્ષેત્રે ઝંપલાવ્યું ત્યારે તેની પાસે કોઈ અનુભવ નહોતો. તે લોકોને મફતમાં અનેક જાતની સ્ક્રીપ્ટ લખી આપતા. તે થીયેટરમાં જઈને ગમે તેવી નોકરી સ્વીકારી લેતા. તેમજ થીયેટરના લોકોની સેવા કરતા. તેઓની નજીક રહીને અનુરાગ કશ્યપે ફિલ્મ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. તેની લેખન કળા એટલી ઉત્તમ હતી કે તે લોકોને એક દિવસમાં સ્ક્રીપ્ટ લખીને આપી દેતાં. તેનો ધ્યેય ડીરેક્ટર બનવું કે લેખક બનવું નહોતો. તેનો ધ્યેય હતો – પોતાના કામમાં ઉત્તમ બનવું.

આજના સિક્રેટમાં આપણે એ જ સમજવાના છીએ કે ચેમ્પિયન બનવા માટે માત્ર ચોક્કસ ધ્યેય હોવો જ જરૂરી નથી. તમે તમારી આવડતનો કેવી રીતે ઉપયોગ કરો છો, આવડતમાં માસ્ટર કેવી રીતે બનો છો અને જીવનમાં આગળ કેવી રીતે વધો છો.

૧ માહિતી

કલ્પના કરો કે તમારે કોઈ ઈન્ટરવ્યું માટે તૈયારી કરવાની છે. એવું જરૂરી છે કે તમે પહેલાના સમયની જેમ પરિક્ષા હોય તે રીતે બધું યાદ કરશો, ગોખશો અને ત્યારબાદ ઈન્ટરવ્યું આપશો? નહી. તમારી પાસે અનુભવ છે. અને હાલમાં ગુગલ અને ઈન્ટરનેટે આપણી દુનિયા બહુ જ સરળ બનાવી દીધી છે. તમારે બધી જ માહિતી મગજમાં સંગ્રહ કરવી જરૂરી નથી. તમને જયારે એક જ ક્લિકમાં લાખોની સંખ્યામાં માહિતી મળી જતી હોય તો શા માટે બધું જ શીખવામાં સમય બગાડવો. એવરેજ લોકો બધું યાદ રાખવા મથે છે. જયારે ચેમ્પિયન સ્માર્ટ વર્ક કરે છે. તેને કંઈપણ શીખવું હોય કે નવી આવડત હાંસિલ કરવી હોય તો ઝડપથી શીખી લે છે. તેઓ તેની બુદ્ધિ અને સમયનો ઉપયોગ સમજી વિચારીને કરે છે.

૨ આવડત માટેની માનસિકતા

તમે એવરેજ લોકોને સાંભળશો તો ખ્યાલ આવશે કે તેઓ પોતાની નોકરી માટે બહુ જ ડરમાં જીવતા હોય છે. તેઓને નોકરી જતી રહેશે તો? તેઓ નોકરીમાં સારું પરફોર્મન્સ નહી આપી શકે તો? આવા ડરથી તેઓ હતાશ થઇ જતા હોય છે. જયારે ચેમ્પિયનની માનસિકતા અલગ હોય છે. તેઓ નોકરીના બોસ પર આધાર રાખતા નથી. તેઓને પોતાની આવડત અને જ્ઞાન પર ભરોસો હોય છે. તેઓ માટે નાણા પણ ગૌણ હોય છે. ચેમ્પિયનને ખબર હોય છે કે તે તેની આવડત થકી ધારે તેવું કામ કરી શકશે.

તેઓ સતત નવી નવી પેન્સિલ નથી શોધતા. તેઓ પાસે જે એક પેન્સિલ હોય છે તેને શાર્પ કરે છે. તમને તમારી આવડત પર ભરોસો હોવો જરૂરી છે. તમારી નબળાઈઓ પર ધ્યાન ન આપો. તમે જે આવડતમાં સારા છો તેને વધુ ઉત્તમ બનાવો. તેમાં માસ્ટર બનો. તમારો આત્મવિશ્વાસ આપોઆપ વધી જશે.

૩ સેલ્ફ મોટીવેશન

ચેમ્પિયનની સૌથી મોટી ખાસિયત કઈ છે તે જાણો છો? – સેલ્ફ મોટીવેશન. તેને મોતીવેટ થવા માટે, પોતાના ધ્યેય માટે કામ કરવા માટે કોઈની પ્રેરણાની જરૂર પડતી નથી. તેઓ પોતાની જાતે જ આવડતમાં માસ્ટર બને છે. તેઓની અંદર એક અલગ પ્રકારની આગ હોય છે. જે તેને પેશન માટે કામ કરતા રાખે છે. તમારી પાસે પણ એવી કોઈ પ્રવૃત્તિ કે આવડત હશે જ. બસ વાર છે તમારી જાતને સમજવાની. તેમજ તમારી જાત પર કામ કરવાની.

ફૂડ ફોર થોટ

તમે જે કામમાં પાવરધા છો તેવી પ્રવૃત્તિઓનું લીસ્ટ બનાવો. તમારી ઉત્તમ આવડતોનું લીસ્ટ બનાવો. ત્યારબાદ તેમાંથી કોઈ ચોક્કસ ત્રણ આવડત શોધી લો. ત્યારબાદ અઠવાડિયાના અમુક ચોક્કસ કલાકો તે આવડત પર કામ કરો. માની લો કે તમારે કોઈ એક વિષયમાં માસ્ટર બનવું છે. તો દરરોજ એક કલાક તે વિષયનો અભ્યાસ કરો. આ રીતે તમે ધીમે ધીમે પણ એકવાર જરૂરથી માસ્ટર બની જશો.

આભાર

દર્શાલી સોની