તમારી આંતરિક દુનિયા કેવી છે?

secret no 25.jpg

તમારી આંતરિક દુનિયા કેવી છે?

 

સામાન્ય રીતે દરેક વ્યક્તિની બે દુનિયા હોય છે. એક બહારની એટલે કે બાહ્ય દુનિયા અને એક પોતાની જાત સાથેની આંતરિક દુનિયા. કોઈ વ્યક્તિની બાહ્ય દુનિયા સુંદર હોય છે પણ આંતરિક દુનિયા ખોખલી હોય છે. તો વળી કોઈ વ્યક્તિની આંતરિક દુનિયા સુંદર હોય છે અને બાહ્ય દુનિયામાં ખળભળાટ હોય છે.

આમ તો ઊંડાણપૂર્વક વિચારીએ તો તમારી આંતરિક દુનિયા સુંદર હશે તો બાહ્ય દુનિયા આપોઆપ તમને જોઈએ છે એવી બનવા લાગશે. પણ આપણે બધા અહી જ તો માત ખાઈ જઈએ છીએ. એવરેજ લોકો પોતાની આંતરિક દુનિયામાં જ નિષ્ફળ નીવડે છે. તેથી ચેમ્પિયન બની શકતા નથી.

આ બધું તો ઠીક- પહેલા તો એ જાણી લો કે આંતરિક દુનિયા એટલે શું? – તમારા વિચારો, તમારી લાગણીઓ, તમારું જાગૃત અને અર્ધજાગૃત મન, તમારી જાત માટેનો તમારો દ્રષ્ટિકોણ, તમારી માન્યતાઓ – આ બધું જ આંતરિક દુનિયામાં આવે. સાચું કહું તો તમે આંતરિક દુનિયાને સુધારવા પર જેટલું ધ્યાન આપશો તેટલો જ ફાયદો તમને થશે.

પેલું સિક્રેટ મુવી તમે જોયું હશે એવું માની લઉં છું. જેમાં સમજાવે છે -

 “તમારા વિચારો જ તમારી દુનિયા બનાવે છે.”

તમે જેવું વિચારશો તેવું થશે. તો તમે સામે એવી દલીલ જરૂરથી કરી શકો કે શા માટે બધા જ લોકો અમીર નથી, પ્રખ્યાત નથી, ખુશ નથી? જવાબ સરળ છે. એવરેજ લોકો અને ચેમ્પિયન વચ્ચે એક જ બાબતનો ફર્ક છે – વિચારો પ્રત્યેની સજાગતા. એવરેજ લોકોને ધનવાન બનવું છે. પણ માત્રો ધનવાન બનવાના વિચારો કરવાથી તો ધનવાન નહી બનાય ને. તેના માટે તકોને આવકારવી પડશે. કામ કરવું પડશે. પછી તમારા વિચારો તમારી દુનિયા બનાવી શકશે.

એવરેજ લોકો તેના વિચારો પ્રત્યે સજાગ જ નથી હોતા. એવું પણ કહેવાય છે કે માનવી પોતાના ૮૦% વિચારો નકારાત્મક વિચારો કરવામાં જ વિતાવી દે છે. તેની બદલે જો તમે વિચારો પ્રત્યે સજાગ થઇ જશો તો આંતરિક દુનિયાને બદલી શકશો. તમારી માન્યતાઓને તોડીને હકારાત્મક માન્યતાઓ લાવી શકશો. તમે જ તમારા વિચારોને કાબુ કરી શકો છો. તેમજ વિચારોને જે દિશામાં વાળવા હોય તે દિશામાં વાળી પણ શકો છો. ઓશોએ કહેલું કે, “તમારા મનના ગુલામ ન બનો. તમારા મનના રાજા બનો.”

માની લો કે તમારી પાસે કોઈ આઈડિયા છે. તમારે નવો ધંધો શરુ કરવો છે અથવા તો કોઈ નવી નોકરી. હવે એવરેજ માનસિકતા ધરાવનાર માનવીનું મન અલગ રીતે રીએકટ કરશે. તમારું મન ડર પેદા કરશે. નિષ્ફળતાના વિચારો અપાશે. ઘરની જવાબદારીઓ યાદ કરાવશે. ટૂંકમાં તમારું મન કંઇક નવું કરતા રોકતા માટે અનેક ટેકનીક્સ  વાપરશે. ત્યારે તમારે વિચારોથી સજાગ બનવાનું છે. તમારા વિચારોને હકારાત્મકતાની ટ્રેઈનીંગ આપવાની છે.

એવું નથી કે એવરેજ લોકો પાસે આઈડિયા નથી હોતા. તેઓ પાસે આઈડિયા પણ હોય છે અને આવડત પણ. એક વાત યાદ રાખજો –

“આઈડિયા અને આવડત અમલ વગર નકામાં જ છે. અમલ તો કરો.”

તમારે આજે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારી આંતરિક દુનિયાને ચકાસવાની છે. તમારા વિચારો કેવા છે, તમારી માન્યતાઓ કેવી છે, તમારી લાગણીઓ કેવી છે, તમે આઈડિયા વિશે શું વિચારો છો – બધું  જ એક અલગ વ્યક્તિ તરીકે ચકાસો. ત્યારબાદ તમારી આંતરિક દુનિયામાં બદલાવ લાવવાનું શરુ કરી દો.

 

ફૂડ ફોર થોટ

એક દિવસ આખો તમારા મૂડનું વિશ્લેષણ કરો. તમે કેટલી વાર ખુશ થઇ જાવ છો? ક્યારે ગુસ્સો આવે છે? ક્યારે નવા આઈડિયા આવે છે? ક્યારે કામ કરવાની મજા આવે છે? તમારો મૂડ સારો હોય કે ખરાબ તેના માટે કોને જવાબદાર માનો છો? તમારી જાતને કે પછી બીજા લોકોને? ક્યાં વિચારોને કારણે તમારા મૂડમાં બદલાવ આવે છે? – આ બધા જ પ્રશ્નોના જવાબ જાણો. તેના પરથી તમને આંતરિક દુનિયાનું સાચું ચિત્ર ખબર પડી જશે.

 

આભાર

દર્શાલી સોની