આ પ્રશ્નનો જવાબ સાવ છીછરો ન વિચારતા - તમારું કામ, કે તમારા વહાલા લોકો કે પછી કોઈ ચોક્કસ ધ્યેય હાંસિલ કરવો - આ જ ખુશી ન હોઈ શકે. આજના સિક્રેટમાં એવી ખુશીની વાત કરવી છે જેની વ્યાખ્યા એવરેજ લોકો અને ચેમ્પિયન માટે અલગ અલગ હોય છે.
એવરેજ લોકો ખુશી વિશે શું વિચારે છે?
એવરેજ લોકો બહારી દુનિયા – પ્રવૃતિઓ, જગ્યા અને લોકોમાં ખુશી શોધવા નીકળે છે. તેઓ માટે ભૌતિક સુખ-સમૃદ્ધિ, બાહ્ય દુનિયાથી મળતી ખુશી મહત્વની હોય છે. તેઓને એવું લાગે છે કે નાણા થકી ખુશી ખરીદી શકાય છે.
જયારે મહાન લોકો જાણે છે કે ખુશી કોઈપણ વ્યક્તિ,જગ્યા કે પ્રવૃત્તિ પર આધારિત હોતી નથી. જો તમે તમારી ઈચ્છા મુજબનું જીવન જીવતા હશો તો ખુશી આપોઆપ મળશે. ખુશી મેળવવા માટે કોઈ હવાતિયા મારવાની જરૂર નથી. તેથી જ ચેમ્પિયન્સ ખુશીઓ પાછળ ભાગવાને બદલે તેનું વિઝન પૂરું થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચેમ્પિયન એ વાત સારી રીતે જાણે છે કે ખુશી મેળવવા માટે આંતરિક દુનિયાને મહત્વ આપવું જરૂરી છે. જો તમે મનથી ખુશ નહી હો તો તમારી આસપાસની દુનિયામાં ગમે તેવી જાહોજલાલી હશે તો પણ તમે ખુશ નહી હો.
તમારા મતે ખુશી ક્યાંથી મળે છે?
જો તમારો સમય અને એનર્જીનો બગાડ બહારી દુનિયામાંથી ખુશી મેળવવા કરશો તો તેનો કોઈ અર્થ સરતો નથી. તો તમે ખુશીનું ગણિત સમજ્યા જ નથી. મહાન લોકો જાણે છે કે ખુશી મેળવવી કે છીનવવી નથી પડતી. ખુશી આપોઆપ મળે છે. ખુશી મેળવવા માટે ભાગાભાગી કરવાની જરૂર નથી. ખુશી એક અનુભવ છે. જે તમે એકલા પણ અનુભવી શકો છો અને હજારો લોકોની વચ્ચે પણ. ખુશી માટે તમારે કોઈ ચોક્કસ એક્શન લેવાની જરૂર નથી, તેના માટે કોઈ ચોક્કસ નિયમો અનુસરવાની પણ જરૂર નથી.
એવરેજ લોકો ક્યાં થાપ ખાઈ જાય છે?
એવરેજ લોકો ટૂંકાગાળામાં ખુશી મળી જાય તેવી ક્ષણિક ખુશીની શોધમાં હોય છે. જેમ કે – સ્વાદિષ્ટ ભોજન, નાણા ખર્ચવા અથવા આનંદ આપે તેવી પ્રવૃત્તિ કરવી. જયારે ચેમ્પિયન્સ માટે ખુશી એ હોય છે કે જ્યાં તેના સજાગ મનને ખબર હોય કે – “હું કોણ છું? હું શું કરું છું? અને હું ક્યાં સુધી પહોંચવા માંગું છું?”
ચેમ્પિયન્સ સાચા નિર્ણયો લેવામાં નિષ્ણાત હોય છે. જેમ કે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા, ઉત્તમ નોકરી શોધવી, સારા લોકો સાથે મિત્રતાના સંબંધો વિકસાવવા. આથી જ બધા લોકો તેને માન – સન્માન આપે છે.
આ પ્રકારના વર્તનથી તેને સંતોષની લાગણી મળે છે. તેઓ બધા લોકો પ્રત્યે તેની કૃતજ્ઞતા વ્યકત કરે છે. અંતમાં આ જ લાગણીઓ તેને ખુશ કરી દે છે. તેથી જો તમે એવરેજ લોકો જેવી માનસિકતા ધરાવતા હો તો તેમાં બદલાવ લાવો.
ફૂડ ફોર થોટ
આજે તમારી જાત પર એક નિબંધ લખો. તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો. આ પ્રશ્નો તમને તમારી જાતને વધુ સમજવામાં ઉપયોગી થશે:
“મને જે જોઈએ છે તે મળી જાય તો હું શું કરું?”
“મારે જે બનવું છે તે હું બની જાવ તો હું શું કરું?”
“હું જે કરવા માંગું છું તે કરી લઉં તો હું શું અનુભવીશ?”
“મારે જીવનમાં ખરેખર શું જોઈએ છે?"
"મારે જીવનમાં શું નથી જોઈતું?"
“હું જીવનમાં જે-તે ધ્યેય શા માટે હાંસિલ કરવા ઈચ્છું છું?"
“મારા મતે ખુશીની વ્યાખ્યા શું છે?"
“કઈ બાબતો, વ્યક્તિ કે પ્રવૃત્તિઓ થકી મને ખુશી મળે છે?”
આ દરેક પ્રશ્નનો જવાબ વિસ્તારપૂર્વક લખો. તમારી ઇચ્છાઓ અને જવાબને કોઈ મર્યાદામાં ન બાંધો. બધું જ શક્ય છે તેમ માનીને એકવાર મનભરીને તમારી બધી જ ઇચ્છાઓ લખી નાખો. ત્યારબાદ તમને તમારો પોતાનો અરીસો સ્પષ્ટ દેખાવા લાગશે. તેમજ જીવનમાં આગળ શું કરવું તેની પણ સ્પષ્ટતા મળી જશે.