તમારા માટે સમય કેટલો મહત્વનો છે?

time.jpg

તમારા માટે સમય કેટલો મહત્વનો છે?

મિડલ ક્લાસ લોકો એવું માને છે કે તેની પાસે અમર્યાદિત સમય છે. અમર્યાદિત દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ અને વર્ષો છે. જયારે વર્લ્ડક્લાસ લોકો સમયને ખૂબ જ મહત્વ આપે છે. તેના મતે સમય ખૂબ જ કિંમતી અને મર્યાદિત છે. તેઓ વર્તમાનમાં જ જીવે છે. તેઓ હંમેશા એ વાતથી સજાગ હોય છે કે - જે સમય એકવાર ચાલ્યો જાય તે સમય પાછો આવતો નથી. વર્લ્ડ ક્લાસ લોકો પાસે એક ચોક્કસ સપનું હોય છે અને ઘડિયાળના કાંટા તેના માટે ચાલવાને બદલે ભાગતા હોય તેવું તેને સતત લાગ્યે રાખે છે. તેઓ પોતાનું સપનું પૂરું કરવા માટે નિરંતર કામ કર્યે જ રાખે છે.

એવરેજ લોકો વેકેશનનું આયોજન કરવામાં સમયનું મહત્વ સમજે છે. પરંતુ જીવનનું આયોજન કરવામાં સમયનું મહત્વ સમજતા નથી. કલ્પના કરો કે જો એવરેજ લોકો તેની શક્તિ, સમય અને ઉત્સાહનો સાચી દિશામાં ઉપયોગ કરે તો તેઓ કેટલા જલ્દી સફળ બની શકે. ચેમ્પિયન્સ પોતાની જાતને સતત યાદ અપાવતા રહે છે કે જીવન ખૂબ જ ટૂંકું છે. જો તેઓ ખરેખર કંઇક કરવા માંગે છે તો આજથી જ તેની શરૂઆત કરવી પડશે. આવતીકાલની અને સાચા સમયની રાહમાં કઈ જ નહિ થાય. મિડલ ક્લાસ લોકો આ પ્રકારની વિચારસરણી કેળવી શકતા નથી.

આપણને કોઈને ખબર નથી કે આપણી પાસે કેટલો સમય બાકી છે. લાગણીશીલ લોકો આ વાતથી ગભરાઈ જાય છે. જયારે ચેમ્પિયન્સ દરેક દિવસનો ઉત્તમ રીતે ઉપયોગ કરે છે. તેઓ સમયની વાસ્તવિકતાને સ્વીકારે છે. તેથી જ મહાન લોકોના સપનાઓ અને વિઝન પણ ખૂબ જ મહાન હોય છે. તેઓ એ વાસ્તવિકતા જાણે છે કે સમય ખૂબ જ મર્યાદિત છે. તેમજ મર્યાદિત સમયમાં જ  લોકોને યાદ રહી જઈએ તેવું કંઇક ઉત્તમ કામ કરવાનું છે.

ચેમ્પિયન્સ માનસિક રીતે મજબુત બનતી વખતે પોતાના મનમાં દરેક બાબતની સ્પષ્ટતા લાવે છે. જેમ કે તેઓને શું જોઈએ છે અને કેવી રીતે જોઈએ છે તે બાબતે તેઓ ખૂબ જ સ્પષ્ટ હોય છે. જો તમને શું જોઈએ છે તે ખબર હોય અને તમારી પાસે સમય મર્યાદિત છે - એ વાતથી પણ તમે સજાગ હો તો જરૂરથી સમય વેડફ્યા વગર કામ કરવા લાગશો. જો તમને તમારું પેશન ન ખબર હોય. તમારી આત્માની ઈચ્છા શું છે તે ન ખબર હોય તો આજથી જ તમારું પેશન શોધવાની મુસાફરી પર નીકળી પડો. તમને ખરેખર શું જોઈએ છે તે જાણો અને તે મેળવવા માટે મહેનત કરવા લાગો. જ્યાં સુધી તમને તમારું પેશન ન મળી જાય ત્યાં સુધી તમારી શોધ પૂરી ન કરો. જો તમને સમયની મહત્વતા સમજાઈ ગઈ હોય તો સમયનો બગાડ કરવાનું બંધ કરો. તમારા સપના પાછળ ભાગતા અચકાવ નહિ. નીડર બનીને તમારા સપના પાછળ દોડો.

ફૂડ ફોર થોટ

સમયની મહત્વતા સમજવા માટે ચાલો એક નાનું એવું ગણિત સમજીએ - એક રીસર્ચ મુજબ ૨૧મી સદીમાં પુરુષોનું આયુષ્ય ૭૩ વર્ષનું હોય છે અને સ્ત્રીઓનું ૭૯. તમારી હાલની ઉંમર પરથી તમે જ વિચારી લો કે હવે તમારી પાસે કેટલો સમય બચ્યો છે. શું હજુ પણ તમે સમય વેડફવા માંગો છો? તમારી નજર સામે એ આંકડો રાખો કે હવે તમારી પાસે કેટલો સમય બચ્યો છે. તેથી તમને યાદ આવતું રહેશે કે સમય કેટલો કિંમતી છે.