તમારું યોગ્ય સ્થાન શોધવું એટલે શું? કોઈ સારી કંપનીમાં કામ કરવું? કોઈ સારા અર્થતંત્ર ધરાવતા દેશમાં કામ કરવું? કે પછી પોતાનો ધંધો શરુ કરવો? કે પછી તમારું યોગ્ય સ્થાન શોધવા માટે થઈને કારકિર્દીની દિશા બદલાવી નાખી? તમારી જે કોઇપણ માનસિકતા હોય – પણ જો તમારે ચેમ્પિયન બનવું હશે તો એક ચોક્કસ માનસિકતા કેળવવી પડશે.
કેવી માનસિકતા તમને ચેમ્પિયન બનવા તરફ લઇ જશે તેની જ વાત આજના સિક્રેટમાં કરવી છે. હા, અમુક વાત તમારા અત્યાર સુધીના વિચારો કરતા અલગ લાગી શકે. આમ છતાં આ વિચારો અપનાવશો તો તમે થોડી અલગ રીતે તો દુનિયા જોઈ જ શકશો. તો શરુ કરીએ:
સૌથી પહેલી વાત તો એ કે તમારામાં ચેમ્પિયન્સ બનવાની આવડત હોય એટલે તમે પોતાની કંપની જ ખોલો તેવું જરૂરી નથી. ઘણીવાર સફળ પ્રાઇવેટ કંપનીમાં ઉચ્ચ હોદા પર નોકરી કરવાથી પણ સફળતા મળે છે. અમેરિકાના ઈતિહાસમાં ઝાંખશો તો ખ્યાલ આવશે કે મોટાભાગના ચેમ્પિયન્સ પ્રાઇવેટ કંપનીના ઉચ્ચ હોદા પર હતા અને હાલમાં પણ છે. જેમ કે ગુગલના સીઈઓ – સુંદર પીચાઈ ગુગલના સ્થાપક નથી. આમ છતાં તે સર્વોચ્ચ હોદા પર છે.
ચેમ્પિયનની માનસિકતા કેવી હોય?
મહાન લોકો કોર્પોરેટ કલ્ચરમાં રહીને સફળ બનવાનું નક્કી કરે છે. તેઓ આજકાલના યુવાનોની જેમ સ્ટાર્ટઅપ કંપનીની પાછળ ભાગતા નથી. તમે ઉત્તમ પરફોર્મર છો તે દુનિયાને જણાવવા માટે તમારે તમારી પોતાની કંપની શરુ કરવાની જરૂર નથી. ચેમ્પિયન્સ ચાલાક હોય છે. તેઓ તેના જ્ઞાન અને શક્તિઓનો ઉપયોગ બિલિયન ડોલર કંપનીમાં કરે છે.
“ચેમ્પિયન માટે તેનો ચેક કોની પાસેથી આવે છે તે મહત્વનું નથી.”
ચેમ્પિયન્સ માટે પોતાનો વિકાસ અને સંતોષની લાગણી વધુ મહત્વની છે. તેઓને પોતાની કંપની દ્વારા પ્રખ્યાતી અને પ્રતિષ્ઠા મળે તેવો મોહ નથી હોતો.
સફળતા માટેની માનસિકતા
જે – તે કંપનીના ઉચ્ચ હોદા પર હોવું જ તેના માટે સફળતા છે. તેઓ કોર્પોરેટ સીસ્ટમમાં જ રહીને સફળતાની ટોચ પર પહોંચે છે. જયારે એવરેજ લોકો તેની નોકરીના પગારમાંથી વેકેશન પર કેવી રીતે જશે, તેની કારકિર્દીમાં આગળ વધવા કયું સ્ટાર્ટઅપ શરુ કરશે – આવા જ વિચારો કરે રાખે છે. જયારે ચેમ્પિયન્સ જે તે કંપનીને પોતાની જ કંપની માને છે. તે પોતાની જાતને કર્મચારી માનતા નથી.
કંપની વિશે શું વિચારવું?
તેઓ સતત એવું જ કામ કરતા રહે છે કે તેઓ એક સમયે કંપનીની મિલકત બની જાય છે. એવરેજ લોકો હંમેશા એવું જ વિચારે છે કે કંપનીમાં તેની કિંમત થતી નથી. તેઓ માત્ર કંપનીના કર્મચારીઓ જ છે. જયારે ચેમ્પિયન્સની વિચારસરણી અલગ હોય છે. તે કામ જ એવું કરે છે કે કંપનીને તેના વગર ન ચાલે. મિડલ ક્લાસ લોકોને “પોતાનો ધંધો”ની માનસિકતા ઘર કરી ગઈ હોય છે. તેથી તેઓ પૂરા ખંતથી નોકરી કરતા નથી. જયારે મહાન લોકો જાણે છે કે તેનું પરફોર્મન્સ અને તેના ધંધાની નીતિની કિંમત તે નોકરી કરતા હોય કે પોતાની કંપની હોય – થવાની જ છે.
વર્લ્ડક્લાસ લોકો હંમેશા શ્રેષ્ઠ કામની શોધમાં હોય છે. તેઓ કોઈપણ કામને વધુમાં વધુ ઉત્તમ બનાવવા માંગે છે. તેથી દરેક કંપની આવા વર્લ્ડક્લાસ લોકોની શોધમાં હોય છે.
ફૂડ ફોર થોટ
તમારો સમય અને આવડત પોતાના ધંધામાં આપો કે પછી બીજી કોઈ કંપનીમાં – કોઈ મોટો ફરક પડતો નથી. જો તમે બુદ્ધિમાન હશો તો કેટલા નાણા મળે છે તેના પર વધુ ધ્યાન આપશો. તમે લીડર હોય કે કર્મચારી – તે વધુ મહત્વનું નથી.
“આપણે પોતાની આવડતના માલિક જ છીએ.”
તે માટે આપણી પોતાની કંપની શરુ કરવાની જરૂર નથી. તમારું તમારા કામ પ્રત્યેનું માઈન્ડ સેટ કેવું છે તેના પર તમારી સફળતાનો આધાર છે. તમારું માઈન્ડસેટ જ એવું હોવું જોઈએ કે જેથી તમે દરરોજ વધુ ઉત્તમ કામ કરવા પ્રેરાવ.