તમારા ગુરુ કોણ છે

champion board 30.jpg

તમારા ગુરુ કોણ છે?

તમારા ગુરુ કોણ છે? તમે કોને આદર્શ માનો છો? તમે શા માટે જે-તે વ્યક્તિને ગુરુ માનો છો? તેની કઈ આદતો અને આવડતો તમને પ્રેરણા આપે છે? તમે શા માટે તેના જેવા બનવા માંગો છો? કે પછી તમારા કોઈ ગુરુ જ નથી. કે પછી તમારા ગુરુ તમે જ છો?

દરેક વ્યક્તિની ગુરુ માટેની વ્યાખ્યા અલગ હોય છે. સામાન્ય રીતે તમે દુનિયાને જોશો તો દરેક ક્ષેત્રમાં ગુરુ હોય જ છે. જેમ કે રમત-ગમતમાં કોચ હોય છે, કંપનીમાં મેનેજર હોય છે, શાળા અને કોલેજમાં શિક્ષકો હોય છે, તમારે કોઈ આવડત કે શોખ શીખવો છે તો તેના માટે પણ શિક્ષકો હોય છે. ટૂંકમાં તમારે જે કંઈપણ શીખવું હશે તેના માટે તમને ગુરુ મળી જશે. તેમાં પણ ભારતીય સંસ્કૃતિમાં તો ગુરુ-શિષ્યનું ચલણ વર્ષોથી ચાલતું આવ્યું છે. આજના સિક્રેટમાં તમારી સાથે ગુરુનું મહત્વ શું છે તેના વિશે વાત કરવી છે. કઈ રીતે કોઈ ગુરુ કે માર્ગદર્શક તમને ચેમ્પિયન બનવામાં વધુ મદદ કરી શકે છે. તે સમજીશું. તો શરુ કરીએ:

૧ અગ્નિ તણખો અને ઘી

દરેક વ્યક્તિમાં તેના પેશનરૂપી આગ હોય જ છે. બસ તેને જરૂર છે પૂરતી હવા મળવાની અને ઘી મળવાની. આ કામ ગુરુ કે માર્ગદર્શક કરી શકે છે. દરેક વ્યક્તિને કંઇક કરી છૂટવું હોય છે. દરેક વ્યક્તિને પોતાનો ધ્યેય હાંસિલ કરવો હોય છે. દરેક વ્યક્તિને પડકારનો સામનો કરીને સફળતા મેળવવી હોય છે. કોવીવાર એવું થાય છે કે વ્યક્તિની અંદર આગળ વધવાની આગ તો હોય છે. પણ યોગ્ય દિશા અને દિશા આપનાર વ્યક્તિ નથી હોતું. તેના કારણે તે પાછળ રહી જાય છે. આવા સમયે યોગ્ય માર્ગદર્શક મદદ કરી શકે છે. જો તમે પણ જીવનના કે કારકિર્દીના કોઈ તબક્કામાં અટકી ગયા હો તો મદદ લો. યોગ્ય માર્ગદર્શક શોધો. જરૂર પડે તો તમે તમારા ગુરુ બની જાવ. એક એવી માનસિકતા પણ છે કે – “તમારી પાસે બધા જવાબ હોય જ છે. બસ તમને બધા જવાબો અને ઉકેલો શોધતા આવડવા જોઈએ.” તમે પણ આ માનસિકતા અપનાવી શકો છો. અથવા તો પ્રયત્નો કરી શકો છો.

૨ માર્ગદર્શકનું મહત્વ

હવે પ્રશ્ન એ થવો જોઈએ કે તમે કેવો ગુરુ અથવા માર્ગદર્શક રાખવા માંગો છો. એવરેજ લોકો એવા ગુરુ રાખે છે કે જે તેના અહંકારને પોષી શકે. જે તેની વાહ-વાહ કરી શકે. ચેમ્પિયન એવો ગુરુ શોધે છે કે જે તેને અરીસો દેખાડી શકે. વાસ્તવિકતા દેખાડી શકે. જેથી કરીને ચેમ્પિયન સાચી દિશામાં આગળ વધવા માટે મહેનત કરી શકે. ચેમ્પિયનનો ગુરુ ક્યારેય ખોટું ચિત્ર નથી રજૂ કરતો. તે ચેમ્પિયનને સતત સુધરવા માટે પ્રેરણા આપતો રહે છે. તે સારી રીતે સમજે છે કે ચેમ્પિયનને આગળ વધવું હશે તો ભ્રમમાં જીવવાને બદલે વાસ્તવિકતાને જોતા અને સમજતા શીખવું પડશે.

હા, ઘણીવાર ચેમ્પિયન અને ગુરુ વચ્ચે વિચારભેદ અને મનભેદ પણ થઇ શકે છે. દલીલ થઇ શકે છે. વિવાદ થઇ શકે છે. જો કે તેઓ આ ભેદમાંથી પણ શીખે છે. બંનેનો ધ્યેય તો સરખો જ હોય છે. આગળ વધવું અને સફળતા હાંસિલ કરવી. તેઓ માટે આવા મતભેદ એક મેન્ટલ એકસરસાઈઝ છે. તેઓ આવી દલીલ થકી પોતાના વિચારો, સ્ટ્રેટેજી અને તર્કને સુધારે છે. તમે પણ તમારા ગુરુ સાથે આવી એકસરસાઈઝ કરી શકો છો.

ફૂડ ફોર થોટ

તમારા માર્ગદર્શક કે ગુરુ સાથે ૧૦ થી ૧૫ મિનીટ વિતાવવાનું શરુ કરી દો. તમે જીવનમાં શું કરી રહ્યા છે, ક્યારે ભૂલ કરી, કઈ રીતે ભૂલ સુધારવાના છો. આ બધી જ ચર્ચા કરો. ગુરુ સાથે બેઠા હો ત્યારે તમારી જાતને શૂન્ય માનો. તો જ તમે કંઇક નવું શીખી શકશો અને આગળ વધી શકશો. આમ પણ “મને કઈ નથી આવડતું” એવી માનસિકતા કેળવ્યા બાદ તમે જે કંઈપણ શીખો છો તેની મજા અલગ જ હોય છે.